આઝમખાન (જ. 1573, સાવા, ઈરાન; અ. 1649) : શાહજહાંના સમયમાં ઈ. સ. 1635-1643 સુધી ગુજરાતનો સૂબો. મૂળ નામ મુહંમદ બાકિર. ઈરાનથી ભારત આવ્યો ત્યારે તેની સિયાલકોટના ફોજદાર તરીકે નિમણૂક થઈ હતી. મીરઝા જાફર આસફખાનની પુત્રી સાથે તેનું લગ્ન થયેલું. નૂરજહાંના ભાઈ અને જહાંગીરનાં વડા વજીર આસફખાન દ્વારા બઢતી મળતાં ખાનસામા તરીકે પ્રથમ કામ કર્યું. ઈ. સ. 1619માં તે કાશ્મીરનો સૂબો નિમાયો હતો. શાહજહાંના સમયમાં ઈ. સ. 1628-29માં મીર બખ્શી નામનો ગઝલકાર થયો અને તેને આઝમખાનનો ખિતાબ મળ્યો. પછી 163૦-31માં તે બંગાળનો અને ઈ. સ. 1635માં ગુજરાતનો સૂબો નિમાયો હતો. ઈ. સ. 1638માં તેની પુત્રીનું લગ્ન શાહજહાંના પુત્ર મુહંમદ શુજા સાથે થયું હતું.

વિવિધ પ્રદેશોના સૂબેદાર તરીકે કામગીરી બજાવ્યા બાદ 76 વર્ષની વયે ઈ. સ. 1649માં તેનું  મૃત્યુ થયું હતું. ગુજરાતના મુઘલ સૂબાઓમાં આઝમખાનનું નામ તેના કડક શાસન માટે પ્રખ્યાત છે. વિવિધ પ્રદેશોમાં ભીલ, કોળી, કાઠી ઇત્યાદિ તોફાની લોકોનાં તોફાનો શમાવીને તેણે પ્રાંતમાં સંપૂર્ણ વ્યવસ્થા સ્થાપી હતી. ઉત્તરમાં જાલોર(હાલ જિલ્લાનું વડું મથક, રાજસ્થાન)થી સૌરાષ્ટ્ર સુધી તમામ પ્રાંતમાં શાંતિ સ્થપાઈ અને વેપારીઓ અને પ્રવાસીઓ નિર્ભય રીતે હરીફરી શકતા. તોફાની તત્વોને નિયંત્રણમાં રાખવા માટે અનેક અગત્યનાં સ્થળોએ તેણે થાણાં સ્થાપ્યાં હતાં તેમજ કિલ્લાઓ બાંધ્યા હતા.

અમદાવાદના ભદ્રના કિલ્લાના દરવાજાને અડીને આવેલી ભવ્ય સરાઈ, જે લોકજીભે આઝમખાનના મહેલને નામે ઓળખાય છે, તે તેણે ઈ. સ. 1637માં બંધાવી હતી.

આઝમખાનના પુત્રો, પૌત્રો, પ્રપૌત્રો હૈદરાબાદના નિઝામ વગેરે મુઘલ સામ્રાજ્યના અંત સુધી અને તે પછી પણ દેશી રાજ્યોમાં ઉચ્ચ સ્થાન ભોગવતા હતા.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ