આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ (જ. 9 સપ્ટેમ્બર 19૦૦, જેતલસર; અ. 25 નવેમ્બર 1965) : ગુજરાતીમાં સાગરસાહસની નવલકથાઓના લેખક ઉપરાંત નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કચ્છ-માંડવીમાં. લેખક તરીકેનાં ઘડતર-બળોમાં આટલાં મુખ્ય : સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કારવારસો, લોકસાહિત્યની લોકકથાઓ અને દંતકથાઓ, સિનેસૃષ્ટિનો અનુભવ અને પત્રકારત્વનો વ્યવસાય. 1917માં મૅટ્રિક થઈ મુંબઈ જઈ પત્રકાર બનવાની દિશામાં પ્રવૃત્ત થયા ને 1927માં ‘સૌરાષ્ટ્રમિત્ર’ સાથે સંકળાયા. એ પછી ક્રમશ: ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં ને ‘ફૂલછાબ’ સાપ્તાહિકના તંત્રીપદે રહ્યા. ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પણ એમણે કટારલેખક તરીકે સેવાઓ આપેલી અને ‘મોજમજાહ’ ફિલ્મસાપ્તાહિક પણ ચલાવેલું.
નવલકથા, વાર્તા, નાટક આદિનાં 1૦૦ ઉપરાંત પુસ્તકો આપનાર ગુણવંતરાય મુખ્યત્વે એમની દરિયાઈ સાહસોની નવલકથાઓથી વિશેષ જાણીતા છે. ‘દરિયાલાલ’ તેમની આ પ્રકારની શ્રેષ્ઠ નવલકથા છે. તેને માટે તેમને 1945નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો. દેશપરદેશના ઇતિહાસના તેમજ સાહસ-શૌર્ય, જાસૂસી આદિ વિશેની રંજનકથાઓના બહોળા વાચને તથા પત્રકારની પ્રવાહી ગતિશીલ લખાવટે, એમની પાસે તથ્યકેન્દ્રી કરતાં વિશેષ તો રંગદર્શી નવલકથાઓ લખાવી. એમાંની ‘સક્કરબાર’, ‘હરારી’, ‘સરફરોશ’, ‘સરગોસ’, ‘દરિયાલાલ’ જેવી સાગરસાહસકથાઓ અને ‘રાય હરિહર’, ‘રાય બુક્કારાય’, ‘મહાઅમાત્ય માધવ’ જેવી ઐતિહાસિક કથાઓ વિશેષ લોકપ્રિય બનેલી. સાગરખેડુના વિષયની નવીનતા, ઘટનાની ચમત્કારિતા અને વેગીલા ગદ્યે તેમને બહોળો વાચકવર્ગ મેળવી આપેલો.
આ ઉપરાંત ‘બટવારા’ જેવી સમકાલીન રાજકીય વિષયની ને ‘કેડી અને કાંટા’ જેવી જાસૂસી નવલકથાઓ પણ તેમણે લખી છે.
તેમની નવલકથાઓમાં વિશાળ આમસમુદાયનું રંજન કરનારું તત્ત્વ કથારસ એટલે ઘટનારસ છે. ઘટનાપરંપરાના સનસનાટીભર્યા ચિત્રણ દ્વારા તેઓ વાચકને વશ કરે છે. પરિસ્થિતિના નાટ્યાત્મક ચિત્રણમાં ક્યારેક તેઓ મુનશીના જેવું ગજું બતાવે છે. તેમનાં પાત્રો ઘટનાવશ હોવાને લીધે તેમનું પાત્રત્વ બરાબર ઊપસતું નથી. ક્યારેક એમની નવલકથાઓ ફિલ્મી કથાપટ જેવી છાપ ઊભી કરે છે. એમની શૈલીમાં ચારણો-બારોટોની લોકકથા-કહેણીનો ગાઢો રંગ છે.
એમણે લખેલી ‘અખોવન’, ‘જોગમાયા’, ‘આપઘાત’, ‘અલ્લાબેલી’ આદિ નાટ્યકૃતિઓમાં છેલ્લી, રંગભૂમિ પર સફળ નીવડેલી નોંધપાત્ર કૃતિ છે. એમાં નાયક મૂળુ માણેકના વતનપ્રેમી શૌર્યપૂર્ણ અને નિશ્ચયી વ્યક્તિત્વનું અસરકારક આલેખન થયું છે.
એમણે ટૂંકી વાર્તાઓ પણ લખી છે, જેના 12–13 સંગ્રહો પ્રકાશિત થયેલા છે.
પત્રકારત્વે એમને અતિલેખન તરફ પ્રેર્યા, તો એ જ પત્રકારત્વે એમની લખાવટને જિજ્ઞાસાપોષક ને રસપ્રદ બનાવી. સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના ઉછેર અને બોલીના સંસ્કારે એમની નવલકથાઓને તળપદી ઓજસ્વિતા અને ચિત્રાત્મકતા અર્પેલી, જે નવલકથાકાર ગુણવંતરાયના મુખ્ય ગુણો છે.
રમણ સોની
પ્રાગજીભાઈ ભાંભી