આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી.
કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું જોઈએ એવું માનનાર ચમત્કૃતિવાદી કવિ તેઓ હતા. તેમણે આચાર્યની હેસિયતથી રીતિશાસ્ત્રીય ગ્રંથ લખ્યા અને કવિના રૂપમાં બધી પરંપરાગત ધારાઓમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. વીરગાથાવર્ણનની પરંપરામાં તેમણે ‘વીરસિંહદેવચરિત્ર’ તથા ‘જહાંગીર-જસ-ચંદ્રિકા’ની રચના કરી હતી. ભક્તિ અને જ્ઞાનની પરંપરામાં તેમણે ‘વિજ્ઞાનગીતા’ અને પ્રબન્ધરચનાની પદ્ધતિએ ‘રામચંદ્રિકા’ મહાકાવ્યની રચના કરેલી; પરંતુ ‘કવિપ્રિયા’ અને ‘રસિકપ્રિયા’ની રચના કરીને તેમણે હિન્દીમાં એક નવા પ્રકારની રીતિકાવ્ય-પરંપરાની શરૂઆત કરી, જેનું પછીના રીતિકાલીન કવિઓ દ્વારા અનુકરણ કરવામાં આવ્યું હતું.
કેશવદાસે કાવ્યને ચમત્કાર માનનારા પ્રાચીન આલંકારિકોનો સિદ્ધાંત અપનાવ્યો હતો. કાવ્યરચના ક્લિષ્ટ અને આલંકારિક હોવી જોઈએ એમ તેઓ માનતા હતા. તેમની કવિતા સમજવામાં દુર્બોધ હોવાના કારણે અમુક સમીક્ષકોએ કેશવને ‘કઠિન કાવ્યનું પ્રેત’ અને ‘હૃદયહીન કવિ’ પણ કહ્યા છે. આચાર્ય રામચંદ્ર શુક્લે પણ કેશવદાસ ઉપર અનેક આક્ષેપો મૂક્યા છે, પરંતુ કવિ અને આચાર્ય બંને રીતે કેશવદાસ પોતાના ઉદ્દેશમાં સફળ થયા છે. શબ્દો, છંદરચના અને અલંકારયોજના ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. તેમની રચનાઓના કાવ્યશિક્ષણ માટે પઠનપાઠન થતું રહ્યું છે. 2૦૦ વર્ષ પહેલાં મહારાવ લખપતની કચ્છ–ભુજની વ્રજભાષા પાઠશાળામાં કેશવદાસરચિત ‘રામચંદ્રિકા’, ‘કવિપ્રિયા’ અને ‘રસિકપ્રિયા’નો પાઠ્યક્રમમાં સમાવેશ થયેલો હતો.
કેશવદાસની પ્રાપ્ત પ્રમાણભૂત રચનાઓ આ મુજબ છે : ‘રતનબાવની’, ‘રસિકપ્રિયા’, ‘કવિપ્રિયા’, ‘રામચંદ્રિકા’, ‘વીરસિંહદેવચરિત’, ‘વિજ્ઞાનગીતા’ અને ‘જહાંગીર-જસ-ચંદ્રિકા’.
ઉપર્યુક્ત કૃતિઓમાંથી ‘રસિકપ્રિયા’, ‘કવિપ્રિયા’ અને ‘રામચંદ્રિકા’ કેશવદાસની સર્વોત્કૃષ્ટ કૃતિઓ ગણાયેલી છે. ‘રસિકપ્રિયા’માં રસાંગો, વૃત્તિઓ અને રસદોષોનું વર્ણન છે. આ ગ્રંથ રસિકોની તૃપ્તિ માટે લખાયેલો છે. તેમાં કૃષ્ણ અને રાધાને આલંબન માનીને રસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં કેશવદાસે 9 રસોનું વર્ણન કરતાં શૃંગારનું રસરાજત્વ પ્રમાણિત કર્યું છે. નાયિકાભેદ તથા ભાવાદિનું આ ગ્રંથમાં સદૃષ્ટાંત વિસ્તૃત વર્ણન છે.
કેશવદાસકૃત ‘કવિપ્રિયા’ કવિ-શિક્ષણનો ગ્રંથ છે. તેમાં 16 પ્રભાવ છે, જેમાં મુખ્યતયા અલંકારોનાં લક્ષણ ઉદાહરણશૈલીમાં નિરૂપિત છે.
‘રામચંદ્રિકા’ કેશવનો પ્રબંધશૈલીમાં લખાયેલો છંદ:શિક્ષણનો ગ્રંથ છે; જોકે તેમાં સાદ્યન્ત રામકથા વર્ણિત છે, પણ કવિનો મુખ્ય ઉદ્દેશ છંદોની છટા બતાવવાનો છે.
કેશવદાસની રચનામાં સૂરદાસ, તુલસી વગેરેની સરસતા અને તન્મયતા નથી; પરંતુ કાવ્યાંગોનું વિસ્તૃત વિવેચન કરીને તેમણે અનુગામી કવિઓને માટે માર્ગ કંડારી આપ્યો છે.
અંબાશંકર નાગર