આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ

February, 2001

આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ (જ. 17 નવેમ્બર 1926, ઊંઝા અ. 2020) : ગુજરાતના કાર્ટૂન-ચિત્રકાર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત. નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. રવિશંકર રાવળના કલાસંઘમાં પણ તાલીમ લીધી. અર્થશાસ્ત્રના વિષય સાથે બી. એ. (1947), એમ. એ. (1949) અને લઘુતમ વેતન અંગે સંશોધન-નિબંધ લખી પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. એ પછી પેટ્રોલિયમ કંપનીમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્તિ પામ્યા.

તેમનો કાર્ટૂનચિત્રનો શોખ સક્રિય રહ્યો હતો અને 196૦થી ‘જનસત્તા’ (અમદાવાદ) તથા ‘લોકસત્તા’ (વડોદરા) જેવાં દૈનિકોષાં નિયમિત કાર્ટૂન-પટ્ટી પ્રગટ કરવાનું આરંભ્યું અને એ કાર્ટૂનો ખૂબ લોકપ્રિય નીવડ્યાં. હળવા વિનોદી લેખો સહિત કાર્ટૂન વિશે તેમજ અર્થશાસ્ત્ર વિશે તેમનાં પુસ્તકો પણ પ્રગટ થયાં છે.  ‘આચાર્યની આજકાલ’ નામે ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’માં તેમની કાર્ટૂનમાળા નિયમિત પ્રગટ થતી હતી.

તેમને રાજ્ય સરકાર તરફથી ઉત્તમ વ્યંગચિત્રકાર તરીકે 1997-98નો પુરસ્કાર મળ્યો હતો..

મહેશ ચોકસી