આઘાતની ઔષધચિકિત્સા (drug therapy of shock) : આઘાતની ઔષધો વડે સારવાર. આઘાતની ઔષધચિકિત્સા માટે વિવિધ ઔષધો ઉપયોગી છે. ઔષધો વડે લોહીનું દબાણ જાળવી રાખી શકાય છે, હૃદયની કામગીરીમાં તકલીફ ઊભી થયેલી હોય તો તેને સુધારી શકાય છે, ચેપને કારણે આઘાત થયો હોય તો ચેપકારી જીવાણુઓનો નાશ કરી શકાય છે, તીવ્ર ઍલર્જીને કારણે તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતા (anaphylaxis) થઈ હોય તો તેને અટકાવી શકાય છે તથા આઘાતની શરીરના કોષો પરની વિઘાતક અસરને અટકાવી શકાય છે.
રુધિરસ્રાવ(bleeding)ના દર્દીમાં લોહીનું દબાણ વધારવા માટે નસોમાંના લોહીના જથ્થાનું પ્રમાણ વધારવું જરૂરી બને છે. જો લોહી ન મળે તો ડેડ્સ્ટ્રાન કે ઍબ્યુમિન જેવાં ઔષધો થોડા સમય માટે નસોની અંદર પાણીનો જથ્થો વધારીને લોહીનું દબાણ જાળવી રાખે છે. ઝાડાઊલટી કે તેવા અન્ય કારણસર શરીરમાંથી પાણી ઘટી ગયું હોય તો ગ્લુકોઝ, મીઠું તથા લૅક્ટેટનું દ્રાવણ નસોમાંના પ્રવાહીના જથ્થાને વધારવામાં ઉપયોગી થઈ પડે છે. મૉર્ફીન કે પેથીડિન ગભરાટ તથા દુખાવો ઘટાડવા ઉપયોગી છે. હૃદયના ધબકારા અનિયમિત થાય તો લિગ્નોકેઇન, બ્રેટિલિયસ ટૉસીલેટ, ઍટ્રોપિન વગેરે જેવાં ઔષધો ઉપયોગી છે. હૃદયના કાર્યની અપર્યાપ્તતા(failure)માં હૃદયના સંકોચનને બળવત્તર કરવા ડિજિટાલિસ ઉપયોગી છે. ચેપકારી જીવાણુઓને મારવા વધુ વ્યાપવાળા પેનિસિલિન, સીફેલોસ્પૉરિન અને એમાઇનોગ્લાઇકોસાઇડ જૂથનાં ઍન્ટિબાયૉટિકો ઉપયોગી છે. આઘાતની કોષો પરની આડઅસર અટકાવવા કૉર્ટિકોસ્ટીરૉઇડ અને રિગર લૅક્ટેટ ઉપયોગી છે. કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધો કોષપટલોને સ્થિર અને નિયંત્રિત (stabilized) કરે છે. રિંગર લૅક્ટેટ કોષોને નુકસાન કરતી અમ્લતા(acidosis)ને ઘટાડે છે.
આ ઉપરાંત લોહીનું દબાણ જાળવવા માટે નસો પર અસર કરતાં બે પ્રકારનાં ઔષધજૂથો લોહીનું દબાણ સમધારણ (normal) કરવામાં ઉપયોગી છે. આ બે જૂથોનાં નામ છે સંવેદીક્રિયાશીલ એમાઇન્સ (sympathomimetic amines) અને વાહિની-વિસ્તૃતકો (vasodilators).
અનૈચ્છિક ચેતાતંત્ર(autonomic nervous system)ના સંવેદી (sympatheitc) અને પરાસંવેદી (parasympathetic) એમ બે વિભાગો છે. જે ઔષધો સંવેદી ચેતાતંત્રને ઉત્તેજે છે તેમને સંવેદી એમાઇન્સ કહે છે. તેઓ હૃદયનાં સંકોચનોને ઝડપી, વધુ શક્તિશાળી તથા વધુ અસરકારક બનાવે છે. તેઓ ઘણીખરી જગાએ લોહીની નસોને સંકોચે છે. આથી લોહીનું દબાણ – રુધિરદાબ – (blood pressure) ઊંચું જાય છે. આમ વધુ ને વધુ અવયવોને લોહી પહોંચાડી શકાય છે. આ દવાઓના ઉપયોગ સમયે રુધિરદાબ 11૦થી 12૦ મિમી.થી વધુ ન થાય તે જોવું પડે છે. નૉરએડ્રીનાલિન, એડ્રીનાલિન, આઇસોપ્રીનાલિન, ડોપામીન તથા ડોબ્યુટામિન આ જૂથનાં મુખ્ય ઔષધો છે. નૉરએડ્રીનાલીન(નૉરએપીનેફ્રિન) હૃદયના સ્નાયુને વધુ પ્રમાણમાં લોહી પહોંચાડે છે. હૃદયનાં સંકોચનો વધુ શક્તિશાળી બને છે. તે ગ્લુકોઝના દ્રાવણમાં ધીમે ધીમે નસ વાટે, નસની બહાર સહેજ પણ ન જાય તે રીતે આપવાનું હોય છે. એડ્રીનાલિન ઉપર જણાવેલ કાર્ય કરતું હોવા છતાં મૂત્રપિંડોને મળતું લોહીનું પ્રમાણ ઘટાડે છે. તેથી તે આ કાર્ય માટે વપરાતું નથી. આઇસોપ્રીનાલિન હૃદ્જન્ય (cardiogenic) અને સપૂયરુધિરતાજન્ય (septicaemic) આઘાતમાં વપરાય છે. ડોપામીન હૃદયનાં સંકોચનો વધુ શક્તિશાળી કરવા ઉપરાંત હૃદય, મગજ અને મૂત્રપિંડમાં વધુ લોહી પહોંચાડે છે માટે તે હવે આઘાતની સારવારમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
લોહીની નસોને પહોળી કરી કામ કરતા વાહિની-વિસ્તૃતકો(vasodilators)માં નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોપ્રુસાઇડ, ફેન્ટોલેમિન અને હાઇડ્રેલેઝીન મુખ્ય છે. તેમના ઉપયોગથી ધમનિકાઓ (arterioles) અને શિરાઓ પહોળી થાય છે, જેને કારણે હૃદયના સ્નાયુઓની પ્રાણવાયુની જરૂરિયાત ઘટે છે, હૃદયને આગળ ધકેલવા માટે મળતો લોહીનો જથ્થો (પૂર્વભાર, preload) ઘટે છે અને તેથી તે સમયનું દબાણ ઘટે છે, તેમજ હૃદયને આગળ ધકેલવા પડતા લોહીના જથ્થાને સાંપડતો અવરોધ (ઉત્તરભાર, afterload) પણ ઘટે છે. જુદાં જુદાં ઔષધોની પૂર્વભાર અને ઉત્તરભાર પરની અસર જુદી જુદી હોય છે.
આ દવાઓ આને કારણે હૃદ્જન્ય આઘાતમાં ખૂબ ઉપયોગી છે. લોહીનું દબાણ નીચું હોય તેવા કિસ્સામાં આ દવાઓ વપરાતી નથી. હાઇડ્રેલેઝીન વાહિનિકાઓને શિથિલ કરી ઉત્તરભાર ઘટાડે છે, જ્યારે નાઇટ્રોગ્લિસરીન શિરાઓને શિથિલ કરી પૂર્વભાર ઘટાડે છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ પૂર્વ તેમજ ઉત્તરભાર ઘટાડે છે.
મનહર બ્રહ્મભટ્ટ
શિલીન નં. શુક્લ