આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં તેની વસ્તી 2010 મુજબ માત્ર 1051 જેટલી જ છે. જમીનના નાના ટુકડાઓની માલિકી નક્કી કરવાના પ્રશ્ને મુશ્કેલીઓ ઊભી થતાં શહેરના નિર્માણમાં અવરોધો આવ્યા છે. આગાના કૅથિડ્રલ (ડલ્સ નોમ્બ્રે દ મારિયા) ફરીથી બાંધવામાં આવ્યું છે. સ્પેનિશ ગવર્નરના મહેલનો એકમાત્ર મૂળ ભાગ એઝોટિયા હજી બચેલો છે. આગાનાની વસ્તીના ભોગે તેની નજીકના તામુનિંગ અને પાતિ વ્યાપારી કેન્દ્રો તરીકે વિકસ્યાં છે. યુ. એસ. અને દૂર પૂર્વના દેશો વચ્ચે વેપારી માલની હેરફેર કરતાં જહાજો અહીં રોકાય છે. આગાના નજીક આવેલા હવાઈ મથકે પણ હોનોલુલુ અને દૂર પૂર્વના દેશો વચ્ચે અવરજવર કરતાં હવાઈ જહાજો પણ અહીં રોકાય છે. આગાનાથી દક્ષિણે 13 કિમી. અંતરે આવેલું આપ્રા બારું ગુઆમ ટાપુનું મુખ્ય બંદર છે. એની વસ્તી 1051 (2010)છે.

હેમન્તકુમાર શાહ

ગિરીશભાઈ પંડ્યા