આગાખાન કપ : ખોજા મુસ્લિમોના ધર્મગુરુ અને જગવિખ્યાત ધનાઢ્ય આગાખાને હૉકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી હોકી સ્પર્ધા માટે ઈસવી સન 1896માં બૉમ્બે જિમખાનાને ભેટ આપેલો કપ. ઈસવી સન 1912માં ‘ચેશાયર રેજિમેન્ટ’ સતત ત્રણ વખત આ કપ જીતી ગઈ હોવાથી તેને તે કાયમ માટે સુપરત કરવામાં આવ્યો હતો. તે પછી આગાખાને ફરતો કપ આપ્યો, તે આજ દિન સુધી ભારતમાં હૉકી માટે ખૂબ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ગણાય છે અને તેને લગતી સ્પર્ધાનું આયોજન દર વર્ષે મુંબઈમાં કરવામાં આવે છે. ભારતમાં ‘આગાખાન કપ’ હૉકી માટે સૌથી જૂની બીજા નંબરની સ્પર્ધા છે. દેશની શ્રેષ્ઠ ટીમો તેમાં ભાગ લેતી હોવાથી તેમજ રાષ્ટ્રના શ્રેષ્ઠ ખેલાડીઓ તેમાં રમતા હોવાથી આ સ્પર્ધા ખૂબ જ લોકપ્રિય બની છે.
પ્રભુદયાલ શર્મા