આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે કરુણ ઘટના સુધી વિસ્તરતી દુ:ખદ ઘટનાઓની આસપાસ ગૂંથાયેલું છે. દારૂડિયા ગોરા અમલદારોના જુલમ અને દુર્વ્યવહારને લાચારીથી વેઠતા રેલકામદારોની હાલાકી અને અકળામણ રેલસૃષ્ટિની ભૂમિકા પર લેખકે અસરકારક રીતે નિરૂપી છે. લાચારીથી ફરજિયાત વધારાની ડ્યૂટી પર જતો બાધરજી, તેની પત્ની રૂખી અને રૂખીની છેડતી કરવાનો પ્રયત્ન કરતો જ્હૉન્સ, સદભાવ અને સેવાની નિર્મળ છાંટ પાડતા રામચરન ભૈયાજી, લાંચિયો ને લુચ્ચો આસિસ્ટન્ટ સ્ટેશનમાસ્તર નાટકનાં તરત તરી આવતાં પાત્રો છે. પરંતુ પ્લૅટફૉર્મના દૃશ્યમાં એકત્ર થયેલા વોરાજી, પારસી, કાઠિયાવાડી સહિત ભાતભાતના પ્રવાસીઓ અને રેલસૃષ્ટિની વિશિષ્ટ ભાત ઉપસાવનાર બીજાં અનેક પાત્રો નાટકને જીવંત ને રસભર્યું રાખે છે. બાધરના અપમૃત્યુની સાથે વાઇસરૉયની સ્પેશ્યલ નીચે ભૈયાની ગાય કપાઈ જાય છે, અને સ્પેશ્યલના રસ્તે મશાલ લઈને ઊભેલા બાધરના પુત્રનું સર્પદંશથી મૃત્યુ થાય છે તે કરુણ ઘટનાઓ નાટકને મેલોડ્રામા બનાવે તેવા અંત ભણી લઈ જાય છે. પાત્રવૈવિધ્ય અને દૃશ્યવૈવિધ્ય નાટકના કરુણને સહ્ય બનાવે છે.

‘આગગાડી’થી ગુજરાતી નાટક અને રંગભૂમિનો નવો યુગ શરૂ થાય છે. ગાંધીયુગની વાસ્તવલક્ષિતા ઉચ્ચકોટિના સાહિત્યરૂપે આ નાટકમાં પ્રગટ થાય છે. અભિનેય નાટક તરીકે આ કૃતિ સીમાસ્તંભરૂપ છે. સમર્થ નાટ્યવિદ્ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેખકે મુંબઈની ‘ન્યૂ એરા સ્કૂલ’ના તખ્તા પર આગગાડીનો પ્રયોગ કરેલો (1936). તે પહેલાં (1935) ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ તથા એલિસબ્રિજ આરોગ્ય સમિતિએ અમદાવાદમાં તેનો પ્રયોગ કરેલો. તે પછી મુંબઈના કલામંડળના ઉપક્રમે 1938માં ભાંગવાડી થિયેટરમાં તેના સળંગ આઠ દિવસ પ્રયોગો થયેલા, જેમાં ચન્દ્રવદન ઉપરાંત ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, બાદરાયણ વગેરે લેખકોએ વિવિધ ભૂમિકાઓ ભજવેલી.

વિનોદ અધ્વર્યુ