આગંતુક : ધીરુબહેન પટેલ કૃત 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનાર ગુજરાતી નવલકથા (1996). ‘આગંતુક’નું નાન્દીવાક્ય છે : ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહિ, ભગવાં કપડાંનોય ત્યાગ કરીને મુંબઈ પાછો ફરી રહ્યો છે ત્યાંથી આ કથા શરૂ થાય છે. પોતાના ભાઈઓને ત્યાં ‘આગંતુક’ તરીકે, અણગમતા મહેમાન તરીકે એ થોડો સમય રહે છે. કોઈ આસક્તિ વિના, કોઈનોય અનાદર કર્યા સિવાય સાક્ષીભાવે એ સ્નેહ વરસાવતો રહે છે. છેવટે પોતાની આસપાસ વાડ રચાવાની શક્યતા ઊભી થતાં એ મુંબઈ છોડીને ચાલ્યો જાય ત્યાં આ કથા પૂરી થાય છે. ગુરુજીની વાત એ અવારનવાર સંભારે છે – ‘પહુંચ જાના… ચાહે કહીં ભી રહો, ચલતે રહના.’ મુંબઈથી નીકળતી વખતે ક્યાં જવું એ નક્કી નથી. એને ગુરુજીની વાત યાદ આવે છે : ‘ગુરુજી ઘણી વાર વૃંદાવનની વાત કરતા હતા. એક વખત નજરે જોઈ લેવું. કોઈ ઓળખતું તો નથી, શાન્તિથી રહેવાશે… જોઈએ, વેદાન્તી મન પર કૃષ્ણનું કામણ અસર કરે છે કે નહીં….’ કથાનાયકની તથા લેખિકાની સાધુતા અને સંન્યાસનો સાચો અર્થ પ્રગટાવતી દૃષ્ટિ તથા વિધાયકતા એ આ કથાની મૂડી છે.
મુંબઈ આવીને ઈશાન તેના ભાઈ આશુતોષના ઘરે જાય છે. આશુતોષની પત્ની રીમાને મન એ ‘આવી પડેલી ઉપાધિ’ છે ને એ ઇચ્છે છે આ ઉપાધિ દિયર અર્ણવને ત્યાં ‘પાર્સલ’ કરી દેવા. ઈશાનની સ્થિતિ ત્રિશંકુ જેવી છે. ભગવાં ત્યજીને હવે એ સાધુય નથી રહ્યો ને ‘સંસારી’ પણ નથી. આશ્રમ છોડતાં એના મનમાં હતું – હમણાં તો મુંબઈ જઈશ. પછીની એને ખબર નહોતી. પણ એની આસ્થા જુઓ : ‘મહામાયા માત્ર એક જ ડગલા પર પ્રકાશ પાડતી હતી. આગળનો પંથ અંધકારમાં ખોવાયેલો હતો, પણ તેની શી ચિંતા ? બીજો પગ ઉપાડતી વખતે વળી પાછી એક ડગલા જેટલી જગ્યા દેખાશે, જરૂર દેખાશે…. જે લઈ જાય છે તે જાણે છે ક્યાં જવાનું છે, ક્યાં થઈને જવાનું છે.’ – આમ ઈશાને ભગવાં ભલે ત્યાગ્યાં, પણ ભીતર ભગવો ભર્યો ભર્યો છે, જે વધુ ને વધુ અર્થપૂર્ણ બનતો જાય છે. ગુરુજીના અવસાન પછી ગાદીપતિ થવાની લાલચવાળા એક સાધુ પ્રતાપગિરિને આશ્રમમાં ઈશાનની હાજરી ખૂંચે છે તથા તેનું તેજ એનાથી સહન થતું નથી. આથી એ ઈશાનને આશ્રમ છોડવા જ નહિ, ભગવાંય ઉતારી દેવા કહે છે. ઈશાનને તો કશાયનો મોહ નથી – ન ગાદીનો, ન આશ્રમનો, ન ભગવાં કપડાંનોય.
ઈશાનને અર્ણવને ત્યાં મૂકી આવવા રીમાનું સ્ત્રીચરિત્ર આશુતોષને ફરજ પાડે છે. અર્ણવને ત્યાં ઈશાનનું વધારે અપમાન થાય છે, પણ ઈશાન તો માન-અપમાનથીય પર છે. એ વિચારે છે કે આ લોકો ભલાં છે તે નોકરની ઓરડીમાંય પોતાને રહેવા દે છે. અહીં નોકર ફ્રાન્સિસ તો ઈશાનમાં ફાધર હેરિસને જુએ છે ને મુગ્ધ બની જાય છે. કથા હવે થોડો વળાંક લે છે. અર્ણવ અગિયારમા માળના ફ્લૅટમાં રહે છે. સૌથી ઉપલા માળના બધા જ ફ્લૅટ એન. માણેકલાલના કબજામાં છે, જેમની ગણના મુંબઈના સૌથી શ્રીમંત માણસોમાં થાય છે. એમને એક સુંદર દીકરી છે – ઇપ્સિતા. એક વાર લિફ્ટમાંથી બહાર નીકળતાં ઈશાનને જોતાં જ ઇપ્સિતા ‘ઈશાનબાબા ?’ કહેતી તેના ચરણમાં નમી પડે છે. આ જોઈ અર્ણવ–શાલ્મલી છક્ થઈ જાય છે. ઇપ્સિતા અને એનો ભાઈ રજત આશ્રમમાં રહી ચૂક્યાં છે ને ઈશાનબાબાથી પ્રભાવિત છે. રજતને કોઈ જીવલેણ રોગ થયો છે અને તે બચે તેમ નથી. ઇપ્સિતાને લાગે છે, ઈશાનબાબાનું અહીં આવવું એ ‘મિરેકલ’ કદાચ રજતને બેઠો કરે. ઈશાન રજતમાં જીવવાની પ્રબળ ઇચ્છા જગવે છે ને રજતમાં ધીરે ધીરે જીવનશક્તિનો સંચાર થવા લાગે છે – આ ચમત્કારથી બધા પ્રભાવિત થાય છે. આ ચમત્કારની વાત પ્રસરતાં જ ‘બાબા’નાં દર્શનાર્થે ટોળાં આવવા લાગે છે. આ જોઈ ઈશાનના બે ભાઈઓ પણ એને પોતાને ત્યાં રાખવા હરીફાઈ કરે છે. ઇપ્સિતાના સૌંદર્યથી ઈશાન સ-જાગ છે, પણ એના શ્વાસનો રંગ ભગવો છે. હા, અર્ણવ–શાલ્મલી એવું ધારી બેઠેલાં કે ઈશાન હવે ઘરજમાઈ થશે. હવે એ ક્યાં સંન્યાસી છે ? શહેરી સંસારીઓના સ્વાર્થી સંબંધો અને ધારણાઓ બાબતે લેખિકા સમભાવપૂર્વક હસે છે. એમનો આ મલકાટ બે ભાઈઓને ત્યાં ઈશાનના નિવાસ દરમિયાન અને પછી પણ ટક્યો છે. રજતના ચમત્કાર પછી લોકો સાંસારિક અપેક્ષાઓ લઈને આવવા લાગે છે એ ઈશાનને અંદરથી નથી ગમતું છતાં એ કોઈનોય અનાદર નથી કરતો. ઉપદેશના બે બોલના આગ્રહના જવાબમાં ઈશાન બે-ચાર શ્લોકો બોલી ધૂન કરાવે છે. ઇપ્સિતા કહે છે, ‘બાબા ! આ તો સગુણ ઉપાસના થઈ !’ જવાબમાં ઈશાન કહે છે, ‘તો શું ? સર્વં કૃષ્ણમયં જગત્ !’ ક્યાંય કોઈ વાડ નહિ. સાકાર પણ સાચું, નિરાકાર પણ સાચું. શુદ્ધ પ્રેમ પણ સાચો ને લાગણીય સાચી. ઈશાન રજતને કહે છે, ‘લાગણીને તુચ્છકારથી ન જોવાય, રજત !’ ઈશ્વરના આ લીલામય જગતની એ પણ એક માધુરી છે. એમાં ડૂબી ન જા, પણ એનું સન્માન કર.’ ઈશાન સજાગ-સભાન છે. લોકો એને ‘ચમત્કારી બાબા’ બનાવી દે એ પહેલાં એ મુંબઈ છોડવાનું નક્કી કરે છે, જે એનો ત્રીજી વારનો સંન્યાસ બની રહે છે. પહેલી વારનો સંન્યાસ તે ભગવાં કપડાં પહેર્યાં તે. બીજી વારનો સંન્યાસ તે ‘આશ્રમનો સંસાર’ ને ભગવાંય ત્યાગ્યાં તે. પહેલાં કુટુંબની વાડ છોડી. પછી આશ્રમની વાડ છોડી ને પછી મુંબઈમાં કોઈ વાડ રચાય એ પહેલાં જ તેનેય છોડ્યું. આમ ત્રીજી વારના સંન્યાસ સાથે નવલકથા પૂરી થાય છે ને ભાવકના ચિત્તમાં સાધુતા તથા અધ્યાત્મના સાચા અર્થનું અજવાળું પ્રસરી રહે છે. આ નવલકથાની સાદી, સરળ, સોંસરી ભાષાય ધ્યાનાર્હ છે.
યોગેશ જોશી