આક્રોશ : 1981માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સુવર્ણમયૂર પ્રાપ્ત કરનાર હિન્દી ફિલ્મ. કથા : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. મુખ્ય અભિનય : ઓમ્ પુરી, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, અમરીષ પુરી. એક આદિવાસી સોન્યાને તેની પત્નીનું ખૂન કરવાના આરોપસર પોલીસ પકડે છે. એ આ ઘટનાથી એટલો હેબતાઈ ગયો છે, કે એની વાચા જ બંધ થઈ જાય છે. પોલીસ ગુનો કબૂલ કરાવવા એની પર પારાવાર જુલમ કરે છે, પણ એ એક હરફ પણ ઉચ્ચારતો નથી. એક પત્રકાર અને એક વકીલને એની તરફ દયા આવે છે. સરકાર પોતાને ખર્ચે એનો વકીલ નીમે છે, પણ વકીલના એક પણ સવાલનો જવાબ એ આપતો નથી. એની પત્નીનું કેવી રીતે મૃત્યુ થયું, એને માટે કોણ જવાબદાર હતું વગેરે પ્રશ્નોના કશા જ ઉત્તર આપતો નથી. આથી વકીલ પણ કંટાળે છે. અદાલતના પણ એકે સવાલનો એ જવાબ આપતો નથી. ગોવિન્દ નિહાલાનીએ દિગ્દર્શન કર્યું હોય એવી આ પ્રથમ જ ફિલ્મ હતી. એમાં આદિવાસી યુવક દ્વારા, એક પણ શબ્દ બોલ્યા વિના એની મનોવ્યથા દર્શાવવાનો સફળતાપૂર્વક પ્રયત્ન કર્યો, એના મોઢા પર પણ કંઈ ભાવો દર્શાવાયા નથી, છતાં એની હાડ ધ્રુજાવે એવી કરુણતા હૃદય પર અસર કરી જાય છે. આ દિગ્દર્શકના કીમિયાને કારણે દિગ્દર્શકે પ્રથમ ફિલ્મમાં જ સુવર્ણમયૂર પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત આદિવાસી યુવકનું પાત્ર ભજવનાર ઓમ્ પુરીને શ્રેષ્ઠ અભિનય માટે પણ પારિતોષિક મળ્યું હતું.
કેતન મહેતા