આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ

February, 2001

આક્રમણ આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે : (1) લશ્કરી બળનો ઉપયોગ, (2) અન્ય રાજ્ય ઉપર સત્તા અને આધિપત્ય જમાવવાની મુરાદ, અને (3) હુમલા કે ચડાઈનો ભોગ બનનાર રાજ્યની સંમતિનો અભાવ.

આક્રમણમાત્ર નિષિદ્ધ હોય અને માનવજાત શાંતિમાં રહે તેવા સિદ્ધાંતો માનવઇતિહાસમાં પ્રાચીન સમયથી પ્રગટ થતા રહ્યા છે. કોઈ પણ યુદ્ધ ન્યાય (just) છે કે અન્યાય્ય (unjust), ધર્મયુદ્ધ છે કે કૂટયુદ્ધ આવા પ્રશ્નો હંમેશાં પુછાતા રહ્યા છે, આમ છતાં આક્રમણો થતાં રહ્યાં છે, એટલું જ નહિ, પરંતુ તેની સંખ્યા અને વિનાશકતા ઉત્તરોત્તર વધતાં રહ્યાં છે. આમ થવાનું સૌથી પ્રબળ કારણ આંતરરાષ્ટ્રીય રાજકારણના કલવેરમાં પડેલું છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ સર્વોપરિ સત્તા કે તંત્ર નથી. પ્રત્યેક રાજ્ય એક સ્વતંત્ર, સાર્વભૌમ ઘટક છે. તેની ઉપર કોઈની રોકટોક નથી. તેની સલામતીની જવાબદારી તેની પોતાની હોવાથી તેના ઓઠા નીચે પણ ઘણી વાર રાજ્યોએ આક્રમણનો આશરો લીધો છે. ‘સ્વરક્ષણ’, ‘સત્તાની સમતુલાની જાળવણી’, ‘રાષ્ટ્રીય અસ્મિતા’ વગેરેનાં બહાનાં નીચે રાજ્યો એક બીજાપર આક્રમણ કરતાં રહ્યાં છે. બીજી તરફ આક્રમણનો ભોગ બનનાર રાજ્ય તેને ગેરવાજબી, ગેરકાનૂની અને અનૈતિક ગણાવે છે. આ પ્રકારનાં વિરોધી વલણો વચ્ચે ઘણી વાર હુમલાની શરૂઆત કોણે કરી હશે તે નક્કી કરવું મુશ્કેલ બને છે.

આ જ કારણથી આક્રમણની વ્યાખ્યા આપવાનું દુષ્કર રહ્યું છે અને તે અંગે રાજ્યો વચ્ચે સર્વસંમતિ સાધી શકાઈ નથી. પહેલા (1914-18) અને બીજા (1939-45) વિશ્વયુદ્ધમાં થયેલી મોટી જાનહાનિ(પહેલા વિશ્વયુદ્ધમાં આશરે બે કરોડ અને બીજામાં લગભગ ચાર કરોડ)ના કારણે સમગ્ર દુનિયામાં યુદ્ધ અને આક્રમણ સામે પ્રચંડ લોકમત ઊભો થયો.

આક્રમણ થતું અટકાવવામાં મુખ્યત્વે તેને આંતરરાષ્ટ્રીય કાયદા નીચે ગેરકાનૂની ઠરાવવા પ્રયત્નો થયા છે, જેમાં રાષ્ટ્રસંઘ(League of Nations)નો ખતપત્ર નોંધપાત્ર છે. આ ખતપત્રની કલમ 11 પ્રમાણે કોઈ પણ આક્રમણ સૌ સભ્ય-રાજ્યોની ચિંતાનો વિષય ગણવામાં આવ્યો. કલમ 12 મુજબ બધા જ ટંટા કે ઝઘડા લવાદને સોંપી તેનો ન્યાયી ઉકેલ લાવવાનું સૂચવવામાં આવ્યું. કલમ 13 અનુસાર રાષ્ટ્રસંઘનાં સભ્ય-રાજ્યો ઉપર આક્રમણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ રાષ્ટ્રસંઘની કારોબારીમાં કોઈ પણ કારવાઈ માટે સર્વસંમતિ આવશ્યક ગણાઈ હોવાથી નિર્ણયો લેવામાં હંમેશાં મુશ્કેલી રહી. પરિણામે આક્રમણ કરનાર રાજ્યો સામે જ્યારે ખરેખર પગલાં લેવાનો સમય આવ્યો ત્યારે સર્વસંમતિ સાધી શકાઈ નહિ. રાષ્ટ્રસંઘને એક પછી એક નિષ્ફળતા મળતી રહી તથા તેની કાર્યસાધકતા વિશે કોઈને વિશ્વાસ રહ્યો નહિ. 1931માં જાપાને આક્રમણ કરીને ચીનનો મંચુરિયાનો પ્રદેશ કબજે કર્યો ત્યારે ત્વરિત પગલાં લેવાને બદલે રાષ્ટ્રસંઘે લિટન કમિશન નીમીને તેની તપાસ કરાવાનો નિર્ણય લીધો હતો. 1936માં ઇટાલીએ એબિસિનિયા ઉપર હિચકારો હુમલો કર્યો અને 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં આક્રમણ સામેની કારવાઈ નિષ્ફળ ગઈ.

બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમય દરમિયાન આક્રમણ સામે જે બીજા યાદગાર પ્રયત્નો થયા તેમાં 1925માં થયેલા જિનીવા પ્રોટોકૉલ-કરારને પ્રથમ સ્થાન મળે છે. આ કરારના આમુખમાં જણાવવામાં આવ્યું કે આક્રમક લડાઈ રાજ્યોની સામુદાયિક એકાત્મતાનું ઉલ્લંઘન તેમજ આંતરરાષ્ટ્રીય ગુનો બને છે. આ કરાર પ્રમાણે રાષ્ટ્રસંઘની કારોબારીની પરવાનગી વિના તેમજ (થયેલા) આક્રમણનો સામનો કરવા સિવાયના કિસ્સામાં લડાઈનો આશરો લઈ શકાશે નહિ. પરંતુ આ કરારને બહાલી આપવામાં મોટી સત્તાઓએ ઉત્સાહ બતાવ્યો નહિ, અને કરાર ઘણે અંશે કાગળ ઉપરના આદર્શ તરીકે રહ્યો.

1928માં અમેરિકાના વિદેશમંત્રી કેલૉગ તથા ફ્રાન્સના વિદેશપ્રધાન બ્રાયન્ડે લડાઈને તિલાંજલિ આપવા પૅરિસ કરાર (કેલૉગ  બ્રાયન્ડ કરાર Pact) કર્યા, જેમાં મુખ્યત્વે બે કલમો હતી : (1) સહી કરનાર રાજ્ય આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલ માટે લડાઈનો આશરો લેવાની નીતિને ધિક્કારે છે, અને તેને તિલાંજલિ આપે છે. (2) કોઈ પણ પ્રકારના ઝઘડાના ઉકેલ માટે શાંતિમય માર્ગ સિવાય બીજું કાંઈ સ્વીકારવું નહિ એ બાબત રાજ્યો સંમત થાય છે.

આક્રમણ સામેની ઝુંબેશનો આ કરાર એક સીમાસ્તંભ ગણાવી શકાય. પરંતુ મહાન સત્તાઓના પૂરતા ટેકા કે સહકાર સિવાય તે પણ કાગળ ઉપર જ રહેવા પામ્યો.

આક્રમણને નાથવા માટેનો એક ઉપાય તેનો વ્યાપ અને અર્થ નક્કી કરી આપતી વ્યાખ્યા બનાવવાનો હતો. આ વિકટ કાર્ય રશિયાના વિદેશમંત્રી મૅક્સિમ લિટવીનોફે 1933ની લંડનમાં મળેલી આર્થિક પરિષદમાં પાર પાડ્યું. તેમણે આપેલી વ્યાખ્યા પ્રમાણે નીચે દર્શાવેલી કોઈ પણ પરિસ્થિતિમાં આક્રમણ થયું ગણાય : (1) લડાઈની ઘોષણા કે જાહેરાત. (2) આવી જાહેરાત પછી અગર તે સિવાય અન્ય રાજ્યના પ્રદેશ ઉપરની ચઢાઈ. (3) સૈન્ય, નૌકાદળ કે હવાઈ દળ દ્વારા અન્ય રાજ્યના પ્રદેશ, નૌકા કે વિમાનો ઉપર કરવામાં આવેલો હુમલો. (4) અન્ય રાજ્યનાં કિનારા અને નૌકા ઉપર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી. (5) પોતાની ભૂમિ ઉપર તૈયાર થયેલાં સશસ્ત્ર દળો બીજા રાજ્ય ઉપર હુમલો કરે ત્યારે તેમને શસ્ત્રવિહીન બનાવવા માટેની જરૂરી કારવાઈનો અભાવ. આ ઉપરાંત તેમાં કહેવામાં આવ્યું કે રાજકીય, આર્થિક કે લશ્કરી – એવા કોઈ પણ બહાના તળે કરવામાં આવેલું આક્રમણ ચલાવી લેવાશે નહિ; આક્રમણને અયોગ્ય વર્તાવ, ગુનાઇત કૃત્ય અને ગેરકાનૂની નીતિ ગણવામાં આવશે.

1933માં જર્મનીમાં હિટલર સત્તા ઉપર આવતાં, પહેલા વિશ્વયુદ્ધ દ્વારા થયેલી જર્મનીની નાલેશીને દૂર કરવા જર્મની કટિબદ્ધ થયું. આ પહેલાં ઇટાલીમાં બેનિટો મુસોલિની સત્તા ઉપર આવી ચૂક્યો હતો. ફાસીવાદ (ઇટાલી) અને નાઝીવાદ (જર્મની) બળવત્તર બનતાં યુરોપમાં યુદ્ધનાં વાદળો ઘેરાયાં. 1939માં જર્મની દ્વારા બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં 1919માં સ્થપાયેલા રાષ્ટ્રસંઘ(League of Nations)નો અંત આવ્યો.

1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલાં અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે સંયુક્ત રાષ્ટ્રો અંગે પ્રસ્તાવ રજૂ કરી યુદ્ધ અને આક્રમણવિરોધી દિશામાં શકવર્તી પગલું ભર્યું. આક્રમણનો સામનો કરવામાં રાષ્ટ્રસંઘના ખતપત્રમાંની એક મર્યાદા દૂર કરવામાં આવી. રાષ્ટ્રસંઘની કારોબારીમાં સંપૂર્ણ એકમતીની જગાએ હવે સલામતી સમિતિમાં પાંચ કાયમી સભ્યોની એકમતી કોઈ પણ કારવાઈ માટે આવશ્યક ગણવામાં આવી. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન – એ પાંચ કાયમી સભ્યોને આ રીતે વિશેષાધિકાર (veto) વાપરવાની સત્તા આપવામાં આવી.

આક્રમણનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રમાં મુખ્યત્વે બે જોગવાઈ કરવામાં આવી છે : (અ) પ્રકરણ 6 : શાન્તિમય ઉકેલ (Peaceful settlement). (આ) પ્રકરણ 7 : સામૂહિક સલામતી (collective security). પ્રકરણ 6ની કલમ (33) અનુસાર શાન્તિ અને સલામતીને જોખમમાં મૂકે એવા કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે સામસામેના પક્ષોએ સૌપ્રથમ મંત્રણા, જાતતપાસ, મધ્યસ્થી, સમાધાનકારી વાટાઘાટો, લવાદ અને ન્યાયપૂર્ણ સમજૂતી, પ્રાદેશિક વ્યવસ્થાતંત્રો વગેરે દ્વારા ઉકેલ શોધવો જોઈએ અને શાન્તિ સામે ખતરો ઊભો થાય ત્યારે તેની જાણ સલામતી સમિતિને કરવી જોઈશે.

જો શાન્તિમય ઉકેલ દ્વારા પ્રશ્ન પતે નહિ તો પ્રકરણ 7 સલામતી સમિતિને આક્રમણને અટકાવવા માટેની સત્તા અને જવાબદારી સોંપે છે. સાતમા પ્રકરણનું શીર્ષક છે : ‘શાન્તિ સામેનો ખતરો, શાન્તિનો ભંગ અને આક્રમક કારવાઈઓ.’ આ ત્રણેય પ્રકારની પરિસ્થિતિમાં સલામતી સમિતિને ઉચિત કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. સામૂહિક સલામતી (collective security) એટલે આક્રમક રાજ્ય સામેનો વ્યવસ્થિત સામુદાયિક પ્રતિકાર. તેમાં જરૂર પડ્યે લશ્કરી બળનો ઉપયોગ અભિપ્રેત છે. આ માટે આંતરરાષ્ટ્રીય સંગઠન હોવું જરૂરી છે, જે સંયુક્ત રાજ્યોના બંધારણ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે, આક્રમણના સામના માટે ફરજ અને તૈયારી બંને જરૂરી છે, એટલે કે, તેમાં સામુદાયિક તાકાત કે બળની જરૂર છે. પરંતુ બળનો આશરો લેવાય તે પહેલાં કલમ (41) અનુસાર સલામતી સમિતિ આક્રમક રાજ્યની સામે આર્થિક સંબંધો તોડી નાખવાનું અને તે રાજ્ય સાથેના રેલવે, નૌકા તેમજ હવાઈ, તાર, ટપાલ, રેડિયો અને તેવાં સાધનો દ્વારા ચાલતા સર્વ વ્યવહારો બંધ કરવાનું સૂચવે છે. જો આ ઉપાયો કારગત નીવડે નહિ તો કલમ (42) પ્રમાણે સલામતી સમિતિ કડક વલણ અખત્યાર કરીને શાન્તિ અને સલામતીની જાળવણી માટે હવાઈ, નૌકા કે પાયદળ દ્વારા લશ્કરી બળનો દેખાવ, નાકાબંધી અને આનુષંગિક પગલાં લઈ શકે છે. આમ ઉત્તરોત્તર વધુ અસરકારક અને જલદ પગલાં માટે પ્રબંધ કરવામાં આવ્યો છે.

સલામતી સમિતિને અપાયેલી આ વિશાળ સત્તાઓની વપરાશની પૂર્વશરત એ છે કે સમિતિના પાંચેય કાયમી સભ્યો વચ્ચે એકમતી હોય, પરંતુ ઠંડા યુદ્ધથી ઊભી થયેલી તંગદિલીના કારણે સામસામે વિશેષાધિકાર (veto) વાપરવામાં આવતાં સલામતી સમિતિના કાર્યમાં રુકાવટ આવી અને આક્રમણનો સમયસર સામનો કરવાનું કાર્ય ખોરંભે પડ્યું. પરંતુ નિરાશાના વાતાવરણમાં પણ સામાન્ય સભા (General Assembly) તથા સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી ક્રિયાશીલ રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્રો આક્રમણનો સામનો કરતાં રહ્યાં છે.

સામૂહિક સલામતી દ્વારા આક્રમણનો સામનો કરવાના સંયુક્ત રાષ્ટ્રોના પ્રયાસોમાં કોરિયાના યુદ્ધ(195૦-53)નો દાખલો નોંધપાત્ર છે. ખાસ કરીને અમેરિકાના નેતૃત્વ નીચે સલામતી સમિતિમાં ત્વરિત નિર્ણય લેવાતાં લગભગ 16 જેટલાં સભ્યરાજ્યોનાં સૈન્યોને વિભાજિત કોરિયાના 380 અક્ષાંશ ઉપર લડવા માટે મોકલવામાં આવ્યાં હતાં, જેમાં સૌથી મોટી સંખ્યા અમેરિકાનાં સૈન્યોની હતી, પરંતુ આ નિર્ણય વેળા રશિયાએ સલામતી સમિતિનો બહિષ્કાર કરેલો હતો તેથી તેની ગેરહાજરીનો લાભ લેવાયો. પાછળથી આ સૈન્યો ઉત્તર કોરિયામાં આગળ વધતાં ચીનનાં સૈન્યો યુદ્ધમાં જોડાયાં અને વણસતી પરિસ્થિતિની ઠીક ઠીક ટીકા કરવામાં આવી. 1953માં આ યુદ્ધની સમાપ્તિ થતાં ‘જૈસે થે’ની સ્થિતિનું નિર્માણ થયું. કોરિયાના યુદ્ધના આ પ્રસંગ પછી સંયુક્ત રાષ્ટ્રોએ સામૂહિક સલામતી અંગે ખાસ કોઈ પગલાં લીધાં નથી.

આક્રમણના પ્રસંગોને પહોંચી વળવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ બીજી પણ એક પદ્ધતિ વિકસાવી છે, જેમાં આક્રમણને અટકાવ્યા પછી યુદ્ધમોકૂફી કરાવીને બંને રાજ્યોને એકમેકથી જુદાં પાડી તેમની વચ્ચે સરહદો ઉપર નિરીક્ષકોની ટુકડીઓ ગોઠવીને શાંતિની જાળવણી(peace-keeping)નું કાર્ય સંયુક્ત રાષ્ટ્રો કરતાં રહ્યાં છે. જાણીતા દાખલાઓમાં કાશ્મીર, સુએઝ, સાયપ્રસ, કૉંગો વગેરે સ્થળોએ સંયુક્ત રાષ્ટ્રોની હાજરી વાદળી ગણવેશ ધારણ કરેલા નિરીક્ષકો દ્વારા જોવામાં આવી છે.

1988માં સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીના પ્રયાસોથી આઠ વર્ષથી ચાલતા ઈરાન-ઇરાક યુદ્ધનો અંત આવ્યો અને બંને દેશો વચ્ચે શાંતિ અને સુલેહ ચાલુ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રો તરફથી નિરીક્ષકો મોકલવામાં આવ્યા શાંતિની જાળવણીના સંયુક્ત રાષ્ટ્રોના કાર્યની મહત્તા અને મહત્વ સમજીને 1988નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ-જાળવણીના કાર્યને આપવામાં આવ્યું છે.

આક્રમણને અટકાવવાનું અને નિયંત્રિત કરવાનું દુર્ગમ કાર્ય હજી સફળ થયું નથી તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પડેલું છે. સંયુક્ત રાષ્ટ્રો તે માટેનો એક નોંધપાત્ર પ્રયત્ન જરૂર છે, પરંતુ સાર્વભૌમ રાજ્યોનું નિયમન કરી શકે એવી કોઈ વૈશ્વિક સત્તા સંયુક્ત રાષ્ટ્રો પાસે નથી. તે વિશ્વ-સરકાર નથી; માત્ર સભ્ય-રાજ્યોનું મંડળ છે અને તેમની ઉપર તેનું મર્યાદિત વર્ચસ્ છે, જેનો અનાદર થઈ શકે છે. તેમ છતાં પરમાણુશસ્ત્રોના આગમન પછી શાન્તિની જાળવણીનો પ્રશ્ન ખૂબ અગ્રતા પામ્યો છે અને વિજ્ઞાનનો ઉપયોગ લડાઈ કે આક્રમણ માટે નહિ, પણ માનવીના ઉત્કર્ષ માટે થાય તે માનવજાતિના હિતમાં છે. આ વિશે જેમ જેમ જાગૃતિ આવતી જશે તેમ તેમ આક્રમણ સામેનો પ્રતિકાર બળવત્તર બનતો જશે અને આક્રમણને ટેકો આપનારાં રાજ્યો કે લોકો લઘુમતીમાં મુકાતા જશે. આમ થતાં આક્રમણનો સફળ સામનો કરવાનું કાર્ય વેગ પકડશે અને સુગમ બનશે.

દેવવ્રત  પાઠક