આકાશીય પરિપ્રેક્ષ્ય (aerial perspective) (ચિત્રકલા) : ચિત્રકલાની દૃષ્ટિએ આકાશમાંથી વિહંગાવલોકન કરવું ઊંચે ઊડતા વિમાનમાંથી નીચેની ધરતીનું ઊડતા પક્ષીની જેમ અવલોકન અને આલેખન કરવું તે. ખૂબ ઊંચા બહુમાળી મકાનની અગાશી પરથી કે વિમાનમાંથી જોઈએ ત્યારે આપણી સમક્ષ વિસ્તરેલી ક્ષિતિજોવાળું વિશાળ દૃશ્ય દેખાય છે. શેરીમાં આવેલા મકાનની બારીમાંથી આપણે આકાશ તરફ જોઈએ ત્યારે અસીમતા દેખાય છે. અવકાશ કે આકાશમાંથી આપણે નીચે ધરતી પર નજર કરીએ ત્યારે આપણી આંખમાં જાણે આખું ગામ સમાઈ જતું હોય એમ લાગે છે. કોઈ ગામને વિમાનમાંથી જોઈએ તો તેનાં છાપરાં તથા વૃક્ષોની ઉપરની ઘુમ્મટ જેવી ઘટાઓ જ દેખાશે. તેમાં માનવો કે પશુઓ નાનાં બિંદુ જેવાં લાગશે. માથાની નીચેનું ધડ નાનું બની જશે અને પગ દેખાશે, મોટાં બહુમાળી મકાનો દીવાસળીનાં ખોખાં ગોઠવ્યાં હોય એવાં લાગશે; રસ્તાઓ પર દોડતી મોટરો, સાઇકલો વગેરે મંકોડો કે કીડી જેવી જીવાત સમાન દેખાશે અને રસ્તાઓના મોટા પટો જાડી, પાતળી, વાંકીચૂકી લીટીઓ જેવા દેખાશે. પલંગ પર સૂતેલા માણસને, તેના પગની સપાટી પર દૃષ્ટિ રાખી જોઈશું તો પગના પંજા મોટા લાગશે અને તેનું ધડ નાનું લાગશે અને માથું જાણે પગથી થોડેક જ દૂર હોય એવું જણાશે. સૂર્યકિરણના તેજમાં જુદે જુદે સમયે જો આપણે માનવઆકૃતિને જોઈશું તો તેના પડછાયા નાના-મોટા થતા દેખાશે. સવારે તડકામાં માણસ જતો હોય અને સૂર્ય તેની પછીતે હોય કે આગળ હોય તો આગળ કે પાછળ તેનો પડછાયો તેની વાસ્તવિક ઊંચાઈથી વધુ લાંબો લાગશે. બપોરે માથે સૂર્ય હોય ત્યારે પડછાયો માનવના પગ પાસે જ નાનો બની જશે. આમ આકાશીય પરિપ્રેક્ષ્યમાં ચિત્રના પરિમાણમાં મોટા ફેરફાર થતા દેખાય તેને કારણે વિશાળતા અનુભવાય છે.
કૃષ્ણવદન જેટલી