આઉટસાઇડર, ધી : ફ્રેન્ચ નવલકથા. લેખક આલ્બેર કામૂ (1913-1960). ફ્રેન્ચ શીર્ષક ‘લ ઍન્ટ્રેન્જર’. 1939માં નવલકથા પૂરી થઈ. પ્રકાશન થયું 1942માં. એનો સ્ટુઅર્ટ ગિલ્બર્ટે કરેલો અંગ્રેજી અનુવાદ, સિરિલ કૉનલીના પુરોવચન સાથે, 1946માં પૅંગ્વિને પ્રગટ કર્યો.
પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, ચરિત્રચિત્રણ તથા વાતાવરણ આ ફ્રેન્ચ નવલકથામાં હોવા છતાં તેની ગણના પ્રતિનવલ (antinovel)માં થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલી આ નવલકથા અસંગત (absurd) વિચારસરણી સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. એમ પણ કહી શકાય કે ઍબ્સર્ડની દાર્શનિક પીઠિકા નવલકથાના માધ્યમ દ્વારા અહીં આલેખવામાં આવી છે. આ નવલકથાનું ભાષ્ય આલ્બેર કામૂએ ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ના નામે પ્રગટ કર્યું હતું. નવલકથા અને તેનું ભાષ્ય આ રીતે પરસ્પર ઉપકારક નીવડ્યાં છે.
‘આઉટસાઇડર’નું કથાવસ્તુ બહુ સાદું છે. મરસોલની માતાનું અવસાન થયું છે. કેટલાક વખતથી મા-દીકરા વચ્ચે સાર્થ સંબંધ નથી, તેમ છતાં મરસોલ તેની દફનક્રિયામાં તથા ઉત્તરક્રિયામાં હાજર રહે છે. સમગ્ર પ્રસંગમાં એ બિલકુલ અલિપ્ત ભાવે વર્તે છે. ત્યાંથી તે અલ્જિરિયાના સાગરકાંઠે તરવા જાય છે. અહીં મૅરી નામની એક છોકરીનો ભેટો થઈ જાય છે. બંને જણાં એક કૉમિક-ચિત્ર જોવા જાય છે અને તેમનો પ્રેમસંબંધ બંધાય છે. મરસોલના રહેઠાણના માળામાં રહેતા એક બીજા માણસની મૈત્રી અને વિશ્વાસ નિષ્ક્રિયભાવે તે સ્વીકારે છે. આને પરિણામે મરસોલને હાથે, સાગરકાંઠે એક આરબની હત્યા થાય છે.
પછીથી ખૂનનો મુકદ્દમો ચાલે છે ત્યારે સરકારી વકીલ મરસોલને લાગણીહીન રીઢા ગુનેગાર સાથે સરખાવે છે. ‘આરબની હત્યા શા માટે કરી ?’ એવો પ્રશ્ન તેને પૂછવામાં આવે છે ત્યારે ‘સૂરજને કારણે’ એવા એના જવાબથી કૉર્ટમાં હળવું હાસ્ય ફેલાય છે. આ મુકદ્દમામાં તે અપરાધી ઠરે છે અને તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે. સજાના અમલની તે રાહ જુએ છે તે દરમિયાન જેલખાના માટેના પાદરી (ચૅપ્લિન) મરસોલની ઇચ્છા વિરુદ્ધ તેની મુલાકાત લે છે. ધર્મ દ્વારા અપાતાં સમાધાનોનો તે અસ્વીકાર કરે છે અને બારીમાંથી દેખાતા અંધારા આકાશનું દર્શન તેને અપાર સુખ આપે છે.
‘આઉટસાઇડર’માં પરંપરાગત અર્થમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી; એ નીતિમાન કે નીતિહીન પણ નથી. કામૂના કહેવા પ્રમાણે એ ‘ઍબ્સર્ડ’ છે. આ નવલકથામાં કામૂની નિરૂપણશૈલી દરેક વસ્તુ અને પ્રસંગ પરત્વે સમથળ રહી છે. ‘ઍબ્સર્ડ’માં વહાલાં-દવાલાંનો ભેદ નથી. નવલકથા પ્રથમપુરુષ એકવચનમાં ચાલે છે તે કારણે સીધી અને સચોટ બને છે. એ જ રીતે અત્યંત મર્યાદિત શબ્દભંડોળને કારણે નિરૂપણમાં વ્યર્થતાનો ભાવ ઊપસી આવે છે.
આ નવલકથાના નાયકના જીવનમાં પ્રેમ, આનંદ કે પશ્ચાત્તાપને કોઈ અવકાશ નથી. નિત્યજીવનની યાંત્રિકતા આ ઍબ્સર્ડ નાયક દ્વારા છતી થાય છે. તેના જીવનની અસંગતિ દ્વારા માનવમાત્રના જીવનની અસંગતતા પ્રગટ થાય છે. કુટુંબ, શાસનવ્યવસ્થા અને ધર્મ આ ત્રણેની જોહુકમી સ્વીકારવા નહિ માગતો નાયક મરણને એક માત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે; એ મરણ તેને અસંગતિની ઓળખ તરફ લઈ જાય છે પણ એ માટે એને વિદ્રોહ કરવો પડે છે. સમાજની માન્ય પરંપરાઓ સામેનો વિદ્રોહ જ તેને સાચા ઍબ્સર્ડ નાયક તરીકે સ્થાપી આપે છે.
શિરીષ પંચાલ
જયન્ત પંડ્યા