આઇ. સી. એન. વી. (International Committee of Nomen clature of Viruses) : વિષાણુઓનાં વર્ગીકરણ અને નામાભિધાન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સમિતિની નવમી બેઠક 1960માં વિષાણુઓ(viruses)ના વર્ગીકરણ માટે મળી હતી. તેમાં પી. સી. એન. વી.(પ્રૉવિઝનલ કમિટી ફૉર નોમેનક્લેચર ઑવ્ વાયરસિઝ)ની ભલામણો ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલી, અને અંતે નવી આઇ. સી. એન. વી. સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ તરીકે પી. વાઇલ્ડ નામના વૈજ્ઞાનિકની વરણી કરવામાં આવી હતી. આ સમિતિની જીવાણુના વિષાણુઓની, વનસ્પતિના વિષાણુઓની, અપૃષ્ઠવંશીઓ(invertebrate)ના વિષાણુઓની અને પૃષ્ઠવંશીઓ(vertebrates)ના વિષાણુઓની – એમ ચાર પેટાસમિતિઓ રચવામાં આવેલી. આ પેટાસમિતિઓએ 1970માં માઇક્રોબાયૉલોજીની ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ મળી, ત્યારે તેમાં વિષાણુઓના વર્ગીકરણ માટેના કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા. પી. સી. એન. વી.એ વર્ગીકરણ માટે સૂચવેલા ચાર સિદ્ધાંતોનો તેમાં સ્વીકાર કરવામાં આવ્યો, એટલું જ નહિ પરંતુ તેમની બીજી કેટલીક ભલામણોનો પણ સ્વીકાર થયો. સમાન ગુણો ધરાવતા તમામ વિષાણુઓને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા. પરિણામે જુદા જુદા વિષાણુસમૂહો અસ્તિત્વમાં આવ્યા. વિષાણુઓની અનેક જાતિઓ અને પ્રજાતિઓ નક્કી કરવામાં આવી. એક જ પ્રજાતિ હેઠળ અનેક જાતિઓને સમાવવામાં આવી. વિષાણુઓની દરેક જાતિનો આંતરરાષ્ટ્રીય સ્તરે સંગ્રહ કરવામાં આવ્યો. આઇ. સી. એન. વી.એ દશ પ્રજાતિને વનસ્પતિના વિષાણુઓ માટે માન્યતા આપી. પ્રાણીઓનાં વિષાણુઓનો ત્રણ કુળમાં સમાવેશ કરવામાં આવ્યો. પેપોવા વાઇરીડી (Pappova viridae) વિષાણુઓમાં ડી.એન.એ. વિષાણુઓ માટે એક કુળ અને આર.એન.એ. વિષાણુઓ માટે બે કુળ નક્કી થયાં; એટલું જ નહિ પરંતુ તેમાં પેપિલોમા (Pappiloma) અને ટ્યૂમર વિષાણુઓને પ્રજાતિ તરીકે ગણવામાં આવ્યા. એડિનો અને હર્પિસ વિષાણુઓનું અલગ કુળ રચવામાં આવ્યું. પિકોર્ના વાઇરીડી વિષાણુ કુળની રહિનો (Rhino) વિષાણુ અને એન્ટરો વિષાણુઓ તરીકેની પ્રજાતિઓ નક્કી કરવામાં આવી. જ્યારે ટોબેવાઇરિડી કુળના રીઓ, મિક્સો અને પેરામિક્સો વિષાણુઓને પ્રજાતિ તરીકે સ્વીકારવામાં આવ્યા.
રમણભાઈ પટેલ