આઇ. યુ. ઈ. (International Ultraviolet Explorer I.U.E.) : અમેરિકા, ગ્રેટબ્રિટન અને યુરોપના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાયેલો એક ઉપગ્રહ. 26 જાન્યુઆરી 1978ના રોજ 36,000 કિમી.ની ઊંચાઈએ ભૂસમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 710 પશ્ચિમ રેખાંશ ઉપર ‘સ્થિર’ રાખવામાં આવેલા આ ઉપગ્રહ સાથે અમેરિકા અને યુરોપનાં ભૂમિ-મથકો સતત સંપર્ક રાખી શકતાં હતાં. 1,150Åથી 3,200Å તરંગલંબાઈના ગાળામાં પારજાંબલી પ્રકાશનાં અવલોકનો લેવા માટે તેમાં એક અત્યંત સંવેદનશીલ વર્ણપટમાપક રાખવામાં આવ્યું હતું. (50,000થી 1,00,000 અંશ કેલ્વિન તાપમાન ધરાવતા O, B અને A વર્ગના ગરમ તારા તથા એટલું તાપમાન ધરાવતા વાયુ પાર-જાંબલી પ્રકાશનું ઉત્સર્જન કરે છે.) આ ઉપગ્રહ ખગોળ-વિજ્ઞાનીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉપલબ્ધ હતો. ભૂમિ-મથક પરથી તેના વર્ણપટમાપકનું સંચાલન કરીને આકાશની સૂર્ય સિવાયની જુદી જુદી દિશામાંથી પસંદ કરેલા સ્રોતના પારજાંબલી પ્રકાશનાં અવલોકનો લઈ શકાતાં હતાં.
પ્રક્ષેપિત થયા પછીનાં છેલ્લાં દસ વર્ષ દરમિયાન આ ઉપગ્રહની કામગીરી અત્યંત સંતોષકારક રહી છે. એને પરિણામે હજારો તારા, ઘણાં તારાવિશ્વ (galaxies), કેટલાક ધૂમકેતુ અને સુપરનોવા દ્વારા ઉત્સર્જિત થતા પારજાંબલી પ્રકાશનાં અવલોકનો લઈ શકાયાં છે. આ બધાં અવલોકનોને આધારે તારકીય વાતાવરણ, આંતરતારકીય માધ્યમ, ધૂમકેતુઓની નાભિ તથા સુપરનોવાના કેટલાક મહત્વના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મળી શકી છે. આઇ. યુ. ઈ. ઉપગ્રહ હજુ ભવિષ્યમાં લાંબા સમય સુધી કાર્ય કરી શકે એવી શક્યતા છે.
પરંતપ પાઠક