આઇસોસાયનાઇડ્સ : -NC સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. આ સંયોજનો આઇસોનાઇટ્રાઇલ્સ અથવા કાર્બીલ-એમાઇન્સ તરીકે પણ ઓળખાય છે : સામાન્ય સૂત્ર R-NC છે (R આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ.)

અત્યંત ખરાબ વાસવાળા, ઝેરી અને પાણીમાં અદ્રાવ્ય અથવા ઓછાં દ્રાવ્ય સંયોજનો. સમઘટક સાયનાઇડ સંયોજનોના પ્રમાણમાં તેઓનાં ઉત્કલનબિંદુ નીચાં છે. આ સમૂહનાં સંયોજનોની સંશ્લેષણની પદ્ધતિઓમાં હાલમાં સુધારો થયો હોવાને લીધે તેમના રસાયણનું ખેડાણ વધુ થાય છે.

આલ્કાઇલ આયોડાઇડ સાથે ટ્રાયફિનાઇલફૉસ્ફોનિયમ આયોડાઇડની હાજરીમાં સિલ્વર અને પોટૅશિયમ સાયનાઇડની પ્રક્રિયાથી લગભગ ઠીક ઠીક પ્રમાણમાં આઇસોસાયનાઇડ મળે છે.

RI + AgCN → RNC. AgI  RNC

ક્લૉરોફૉર્મ અથવા ટ્રાયક્લૉરોએસેટિક એસ્ટર, અને આલ્કલી સાથે પ્રાથમિક એમાઇન આઇસોસાયનાઇડ આપે છે. (હોફ્મૅન પ્રક્રિયા).

RNH2 + CHCl3 + 3KOH → RNC + 3KCl + 3H2O

એસાઇલ હેલાઇડ એસાઇલ આઇસોસાયનાઇડ આપે છે. -NC સમૂહમાં દ્વિસંયોજક કાર્બન છે જે સંસ્પંદનને કારણે સ્થિરતા પ્રાપ્ત કરે છે.

-N = C ↔ N+ ≡ C

હેલોજન, હેલોજન ઍસિડ વગેરે સાથે ઇલેક્ટ્રૉન અનુરાગી યોગશીલ પ્રક્રિયાથી (C પરમાણુ પર) વધુ સ્થિર સંયોજનો મળે છે.

R-N≡C + X2 અથવા HX → R-N=CX2 અથવા R-N=CHX

આલ્કેલાઇન જળવિભાજન શક્ય નથી. ઍસિડિક જળવિભાજનથી એમાઇન અને ફૉર્મિક ઍસિડ મળે છે. ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શક્ય છે.

ઇન્ડોલ, આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો બનાવવામાં તે ઉપયોગી છે. હૉફમૅનની પ્રક્રિયા એમાઇનની પરખ માટે ઉપયોગી છે.

પ્રવીણસાગર સત્યપંથી