આઇસલૅન્ડનું સાહિત્ય : આઇસલૅન્ડની ભાષા જૂની સ્કૅન્ડિનેવિયન ભાષામાંની છે. શિક્ષણ સારી રીતે વ્યાપેલું હોવાથી આ નાનકડા દેશની સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ ફેલાયેલી છે. તેનું મધ્યકાલીન સાહિત્ય સમૃદ્ધ છે.
મધ્યકાલીન આઇસલૅન્ડનું સાહિત્ય ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) એડ્ડિક કવિતા અથવા એડ્ડાકાવ્યો. આ કવિતામાં પૌરાણિક અને વીરરસનાં કાવ્યો છે. (2) સ્કાલ્ડિક કવિતા – આમાં દરબારી કવિઓએ રચેલી પ્રશસ્તિઓ છે. તેમાં મહાપુરુષોની પ્રશંસા કે બિરદાવલી છે. (3) સાગા સાહિત્ય અથવા નક્કર ઐતિહાસિક હકીકતોથી માંડી શુદ્ધ કાલ્પનિક ગદ્ય સાહિત્ય. આ સર્વ સાહિત્યની શરૂઆત અગિયારમી સદીથી થાય છે.
જૂના નૉર્સ લેખનના બે સંગ્રહો એડ્ડા તરીકે જાણીતા છે. એ બંને નૉર્ડિક (ઉત્તર-દેશની) પૌરાણિક કથાઓના અને તેના મૂળના અધિકૃત ગ્રંથો છે. ધી એલ્ડર અથવા પોએટિક (કાવ્યમય) એડ્ડામાં 34 કાવ્યો ગદ્યમિશ્રિત છે. 1642માં એક પાદરીએ આ કાવ્યો શોધ્યાં હતાં. તેનો રચનાકાળ નવમીથી બારમી સદીનો છે. બધાં જ કાવ્યો અનામી કવિઓનાં છે. ધી યંગર અથવા પ્રોઝ (ગદ્ય) એડ્ડા (આશરે 1220) સ્નોરી સ્ટુર્લુસનની રચના છે. સ્નોરી સ્ટુર્લુસન આઇસલૅન્ડના કાયદાનો જાણકાર, સાહસિક હતો. આ કૃતિ કવિની માર્ગદર્શિકા જેવી છે. તેમાં દુનિયાના સર્જન વિશે પ્રસ્તાવના છે અને પૌરાણિક કથાઓ, કહેવતો વગેરેની ગૂંથણી કરી છે. તેમાં કાવ્યરચનાના નિયમો અને પ્રાચીન કવિઓનાં કાવ્યોનું પૃથક્કરણ પણ છે.
આઇસલૅન્ડિક સાગા : આઇસલૅન્ડનો એક સાહિત્યપ્રકાર. પ્રાચીન નૉર્સ શબ્દ ‘સાગા’નો અર્થ ‘કહેવું’, ‘કથન’ અથવા વાર્તા થાય છે. 1200થી 1400 સુધીમાં આઇસલૅન્ડમાં સાગાઓની રચના થયેલી. આ વર્ણનાત્મક રચનાના મુખ્ય ત્રણ પ્રકાર છે : પ્રથમ પ્રકાર ‘કૌટુંબિક સાગા’ આમાં આઇસલૅન્ડમાં આવી વસવાટ કરનારા અને તેમના વંશજો વિશેની સાગા-વાત. બીજો પ્રકાર રાજાઓને લગતો ‘ઐતિહાસિક સાગા’નો છે. તેમાં નૉર્વેના રાજાઓ વિશેનો ઇતિહાસ આવે છે. ત્રીજા પ્રકારમાં દંતકથાના કાલ્પનિક વીરોનાં પરાક્રમોની વાતો આવે છે. મૌખિક પરંપરા પર આધારિત કૌટુંબિક સાગાઓની કથામાં સાચો ઇતિહાસ મનાતો હતો, પરંતુ આધુનિક વિદ્વાનોએ તેમાં ઇતિહાસ અને કલ્પનાની ભેળસેળ થયેલી છે એમ શોધી કાઢ્યું છે.
કૌટુંબિક સાગાઓમાં સૌથી વધુ પ્રખ્યાત ‘ન્યાલસ સાગા’ (આશરે 1230-1290) છે. એમાં બહાદુર ગુન્નાર વિશે સુગ્રથિત રચના છે. સુંદર પરંતુ નિષ્કલંક ચારિત્ર્યની નહિ એવી હલ્લગેરોર સાથે ગુન્નાર લગ્ન કરે છે. બંને વચ્ચે અનેક ઝઘડાઓ થાય છે અને છેવટે તેમાં ગુન્નારનું મૃત્યુ થાય છે. ગુન્નારના શાણા મિત્ર ન્યાલનું દહન થાય છે.
‘એયર્બિગ્યા સાગા’(અંગ્રેજી ભાષાંતર 1959)માં રાજકીય દૃષ્ટિએ સ્થાયી થયેલી કોમની વાત છે. તેમાં કેટલીક વિચિત્ર અને આધિભૌતિક ઘટનાનું આલેખન છે. ‘ગ્રેટ્ટિર્સ સાગા’(આશરે 1300)માં આઇસલૅન્ડના પ્રખ્યાત બહારવટિયા ગ્રેટ્ટિરની ગ્લામ્રના શબ સાથેની લડાઈનું વર્ણન છે. સ્નોરી સ્ટુલર્સની (1179-1241) રચેલી સૌથી મહાન સાગા ‘હૈમ્સક્રિંગ્લા’(1230-1235)માં નૉર્વેના રાજાઓનો ઇતિહાસ છે. એમાં રાજા ઑલાફની છેલ્લા દરિયાઈ યુદ્ધની મહાન કથા છે. ‘વોલ્સુંગ સાગા’(1250)માં ગૉથ લોકો અને બર્ગન્ડિયનો વિશેની દંતકથાઓ વણાઈ છે. આના પરથી સંગીતકાર વૅગ્નરે એક સારી સંગીત-રચના તૈયાર કરેલી છે. જર્મન મહાકાવ્ય ‘નિબેલુંગન લાઇડ’ પણ આ સાગા પર આધારિત છે. બધા પ્રકારની ત્રીસેક જેટલી સાગાઓ ઉપલબ્ધ છે.
સ્ટુર્લા થોર્ડાર્સને રચેલ ‘સ્ટુરલુંગા સાગા’માં આઇસલૅન્ડનો બારમી અને તેરમી સદીનો ઇતિહાસ છે. તેનો મુખ્ય અગત્યનો ભાગ ‘આઇસલૅન્ડિંગ સાગા’ છે. ‘બિશપ્સ સાગા’માં આઇસલૅન્ડના બિશપો-ધર્મગુરુઓ-ના જીવનની વાતો છે. સ્ટુર્લા પછી સાગા સાહિત્ય અવનતિ પામ્યું.
સ્કાલ્ડ શબ્દનો અર્થ આઇસલૅન્ડની ભાષામાં કવિ થાય છે. તે મધ્યકાલીન દરબારી કવિઓનો નિર્દેશ કરે છે. એમાં સૌથી જૂના કવિ નૉર્વેજિયન હતા, પણ દસમી સદી પછી તેમાં આઇસલૅન્ડ દેશના જ કવિઓનો સમાવેશ થતો. તેમની રચેલી કવિતા સ્કાલ્ડિક કવિતા કહેવાય છે. સ્કાલ્ડિક કવિતાનો રચનાકાળ સાહિત્યિક કાળની પૂર્વેનો છે. તેરમી અને ચૌદમી સદીના આઇસલૅન્ડિક ગદ્યનો ઘણો ભાગ સચવાયો છે. સ્નોરા એડ્ડા અને હૈમસ્ક્રીંગ્લાની રચનાઓ સ્નોરી સ્ટુર્લુસનની છે. તેમાં તથા એગિલ્સ સાગા સ્કાલા ગ્રીમ્સોનારમાં કવિઓ વિશેની કથાઓ છે. સ્કાલ્ડિક કવિતાનો આરંભ અનિશ્ચિત છે. બ્રાગી બોહાસન (નવમી સદી) સૌથી જૂનો સ્કાલ્ડ કવિ છે. તેની ‘રગ્નાર્સ ડ્રાયા’માં ‘ધ ડ્રોટક્વેટ’ પદ્ધતિનો પૂર્ણપણે ઉપયોગ થયેલો છે. એગિલ સ્કાલા-ગ્રિમસન (દસમી સદી) અગત્યનો સ્કાલ્ડ કવિ છે. એના જેવો જ અગત્યનો કવિ સિવવત્ર થોર્ડીસન (અગિયારમી સદી) છે. ઘણે અંશે એમની કવિતાનો વિષય સમુદ્રયાત્રા અને યુદ્ધવર્ણનનો છે. ડ્રોટક્વેટમાં ધાર્મિક વિષયો છે. ફિન્નુર જૉન્સને 1912-1915 દરમિયાન સ્કાલ્ડિક કવિતાનું સંપાદન કર્યું છે.
આઇસલૅન્ડનો સાહિત્યકાળ બારમી સદીથી શરૂ થયો. સૈમુન્દ્ર સિગ્ફુસ્સોમ અને અરિ થોર્ગિલ્સનું એમાં આગવું પ્રદાન છે. મધ્યકાલીન ગદ્યમાં શ્રેષ્ઠ સાગાઓ 1200ની આસપાસ લખાઈ હતી. આમાં એગિલ્સ સાગા, સ્કાલા ગ્રિમ્સોનાર અને લક્ષડોએલા સાગા સાહિત્યની દૃષ્ટિએ ગુણવત્તાવાળી છે. આ સાગાઓના પ્રકારનું શ્રેષ્ઠ સર્જન આશરે 1280માં લખાયેલ ‘ન્યાલ્સ સાગા’ છે. 1260 પછી સ્ટુર્લા થોર્ડોર્સને ‘આઇસલૅન્ડિંગ સાગા’ની રચના કરી. તેરમી સદીની આઇસલૅન્ડની કવિતા મુખ્યત્વે ધાર્મિક છે. તે પછી ચૌદમી સદીમાં રિમુર લોકપ્રિય બન્યો. તેરમી અને ચૌદમી સદીમાં લહિયાઓ, લેખકો અને કવિઓ ખૂબ પ્રવૃત્ત થયા. તેને પરિણામે મધ્યકાળની સાહિત્યકૃતિઓની હસ્તપ્રતો મળી આવી. દા.ત., ‘ધ બુક ઑવ્ ફ્લેટી’(Flateyjarbok). 1390માં રચાયેલ સૌથી મોટું અને મહત્વનું સર્જન સત્તરમી સદીમાં આઇસલૅન્ડના પશ્ચિમ ટાપુ ફ્લેટીમાંથી મળી આવ્યું હતું. બીજી કૃતિ હૌક્ર એર્લેન્ડસન (અ. 1334) દ્વારા સંપાદિત હૌક્સબોકમાં લૅન્ડનામાબોક તથા વોલુસ્પાનો સમાવેશ થાય છે. આ કૃતિ 1892-1896 દરમિયાન ઈ. જૉન્સન અને એફ. જૉન્સને પ્રગટ કરી છે.
સોળમી અને સત્તરમી સદીમાં અર્નગ્રિયર જૉન્સન(1568-1648)માં આઇસલૅન્ડના માનવવાદનું દર્શન થાય છે. અર્નગ્રિયર જૉન્સને પરદેશીથી પોતાના દેશના ગૌરવનું જોરદાર રક્ષણ કર્યું હતું. સત્તરમી સદીના મુખ્ય કવિઓ છે હાલગ્રિમુટ પેટુરસન અને સ્ટેફાન ઓલાફસન. અઢારમી સદીમાં એગ્ગેર્ટ ઓલાફસન (1726-1768) આઇસલૅન્ડના જાગૃતિકાળનો અગ્રગણ્ય પ્રતિનિધિ છે. તેણે દેશના પ્રવાસ વિશે એક અગત્યનું પુસ્તક લખ્યું અને ખેતી વિશે એક કાવ્ય લખ્યું. રંગદર્શી આંદોલનના અનેક પ્રતિનિધિઓ થયા, તેમાં સૌથી અગત્યનો અને અજોડ જોનાસ હાલગ્રિમસન તેની ઊર્મિકવિતા માટે પ્રખ્યાત છે. ઓગણીસમી સદીમાં ટૉન થોરાડસને આઇસલૅન્ડની નવલકથાનો પાયો નાખ્યો અને ગ્રિમુર ટૉમ્સને તેનો વિકાસ કર્યો. ઇન્દ્રી દી ઐનારસને લોકકથા પર આધારિત નાટકો રચ્યાં અને જોહાન સિગુર ટૉમ્સન તેને અનુસર્યા. તેમની કીર્તિ આઇસલૅન્ડની બહાર અન્ય દેશોમાં પણ વ્યાપી. વિશ્વનાગરિક સમા ઐનાર બેનેડિક્તસ(1864-1940)નાં કાવ્યોનો વ્યાપ અત્યંત વિસ્તારવાળો છે. તેમણે સાહિત્યમાં પ્રતીકવાદ શરૂ કર્યો.
આઇસલૅન્ડમાં બ્રાન્ડેસના પ્રભાવથી વાસ્તવવાદનો આરંભ થયો. તેનાં પ્રવચનો સાંભળનાર વિદ્યાર્થીઓએ ‘ધ પ્રેઝન્ટ’ (વર્તમાન) (1882-83) નામના સામયિકનું સંપાદન શરૂ કર્યું હતું. કવિ હાન્નેસ હાફસ્ટૈને (1861-1922) બ્રાન્ડેસના નિરાશાવાદની સામે ઝુંબેશ ઉપાડી હતી. 1904માં હાન્નેસ આઇસલૅન્ડનો પ્રમુખ બન્યો હતો. સ્ટેફાન જી. સ્ટેફાન્સન (સ્ટેફાન ગ્વોમુન્ડાર્સનનું તખલ્લુસ) (1853-1927) આઇસલૅન્ડ છોડી 1872માં કૅનેડા, ઉત્તર ડાકોટા વગેરે નવી દુનિયાની યાત્રાએ ગયો. તે સામાજિક વ્યંગપ્રધાન કવિતા લખનાર વાસ્તવવાદી કવિ છે. એફ. એસ. કાઉલીએ તેને ‘પશ્ચિમી દુનિયાનો સુંદરતમ કવિ’ કહ્યો છે.
હુલ્ડૌએ (ઉનાર બ્યાર્કલિન્ડનું તખલ્લુસ) (1881-1946) સરળ અને લોકસાહિત્ય પ્રકારનું સાહિત્ય સર્જ્યું. નવરંગદર્શી(neo-romantics)માં જોહાન ગુન્નાર સિગુરોસ્સન (1882-1906) શ્રેષ્ઠ ગણાય છે. પોરબર્ગર પોરો આર્સને (1889) પરંપરાવાદી કવિઓના લાગણીવેડા પર કટાક્ષ કર્યો છે, અને તેની ઠેકડી ઉડાડી છે. આધુનિક કવિઓમાં તે શ્રેષ્ઠ ગણાય છે. ઘણા આઇસલૅન્ડના સાહિત્યકારોની માફક તે પણ થિયૉસોફી, યોગ અને માર્કસવાદ સાથે સંકળાયેલો હતો. વિશ્વભાષા એસ્પેરાન્ટોનો તે હિમાયતી હતો. તે નાઝીવાદનો વિરોધી હતો. તેની આત્મકથાત્મક નવલકથા ‘ધી એક્સેન્ટ્રિક’ (1940-41) ખૂબ રસિક, જીવંત અને હાસ્યપ્રધાન છે. તેની દીર્ઘ કૃતિ ‘ધ લાઇફ ઑવ્ પૅસ્ટર અર્ની પોરારિસન’ (1945-50) શ્રેષ્ઠ હાસ્યપ્રધાન કૃતિ છે. ‘ધ હિમ અબાઉટ અ ફ્લાવર’ (1954-55) બાળકના દૃષ્ટિબિંદુથી લખાયેલી છે. ‘લેટર ટૂ લોરા’(1924)માં તેણે આધુનિક સમાજવાદી નિબંધો દ્વારા નવી દિશાનું સૂચન કર્યું છે. ડેવિડ સ્ટેફાન્સન (1895-1964) ઊર્મિકવિ અને નાટકકાર છે. તેણે ‘સોલોન આઇલૅન્ડ્ઝ’ (1940) નામની નવલકથા પણ લખી છે. તેણે નાટકકાર કરતાં કવિ તરીકે વધુ પ્રશંસા મેળવી છે. થોર્બર્ગર થોર્ડારસન (1889-1974) નિબંધો માટે પ્રખ્યાત છે. તેને પૂર્વના રહસ્યવાદનો રંગ લાગ્યો હતો. નિબંધ ઉપરાંત તેણે આત્મકથા અને કવિતાની રચના પણ કરી છે.
વિપુલ સાહિત્ય રચનાર ગુન્નાર ગુન્નારસેન (જ. 1889; અ.?) પ્રારંભમાં ડેનિશ ભાષામાં લખતો, પરંતુ 1939થી તેણે આઇસલૅન્ડમાં આવી તેની ભાષામાં સાહિત્યસર્જન કર્યું. ‘ગેસ્ટ ધ વન આઇડ’ (1912-14 અં. ભા. 1920), તેની સામાન્ય લોકોને આલેખતી ઐતિહાસિક નવલકથા છે. ‘સેવન ડેઝ ડાર્કનેસ’ (1920, અં ભા. 1930) આઇસલૅન્ડની રાજધાની રેકજાકની પાર્શ્વભૂમિકા ધરાવતી, એક ડૉક્ટર 1918ના ઇન્ફ્લુએન્ઝાના રોગચાળામાં ગાંડો થઈ જાય છે, તેનું નિરૂપણ દર્શાવતી ઉત્તમ કથા છે.
હાલ્ડોર લાક્સનેસ (જ. 1902) આધુનિક આઇસલૅન્ડનો અગ્રગણ્ય સાહિત્યકાર છે. 1955માં તેને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયું હતું. તેણે યુવાવસ્થામાં ખૂબ પ્રવાસ કર્યો હતો. ઘણા દેશોની સંસ્કૃતિને પચાવી હતી. 1927માં તેણે સામ્યવાદ અપનાવ્યો. તેની એક નવલકથા ‘કાશ્મીરનો મહાન વણકર’, (1927) છે. ‘સાલ્કા-વાલ્કા’ (1931-32, અં. ભા. 1963)’, ‘ઇંડિપેન્ડન્ટ પીપલ’ (1934-45, અં. ભા. 1935), ‘ધ લાઇટ ઑવ્ ધ વર્લ્ડ (1937-40) તેની જાણીતી નવલકથાઓ છે. ‘ધી ઍટમ સ્ટેશન’ (1948, અં. ભા. 1961) આઇસલૅન્ડમાં થતી અમેરિકાની દખલગીરી પરની કટાક્ષકથા છે. તેણે ‘ધ સિલ્વર મૂન’ (1954) નામનું નાટક પણ રચ્યું છે. ‘હૅપી વૉરિયર્સ’ (1952) પણ વ્યંગકથા છે. ‘આઇસલૅન્ડ્ઝ બેલ’(1943)ની ભૂમિકા અઢારમી સદીના પૂર્વાર્ધની છે. તેણે વિવિધ શૈલીઓ અજમાવી છે અને સમર્થ સાહિત્યકાર તરીકે ખ્યાતિ મેળવી છે.
કૃષ્ણવદન જેટલી