આઇપોમીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ કૉન્વોલ્વ્યુલેસીની એક વિશાળ પ્રજાતિ. તે વળવેલ (twiner), વિસર્પી લતા (creeper), પ્લવમાન (floating) અથવા ટટ્ટાર શાકીય સ્વરૂપે કે ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં બધે જ થયેલું હોય છે. કૉન્વોલ્વ્યુલેસી કુળની લગભગ 1,200 જેટલી જાતિઓ થાય છે. આઇપોમીઆ સૌથી મોટી પ્રજાતિ છે અને તેની લગભગ 400 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની આશરે 50 જેટલી જાતિઓ થાય છે. તેની જાણીતી જાતિઓમાં નાળાની ભાજી (Ipomoea aquatica Forsk. syn. I reptans Poir); શક્કરિયું [(I. batats (Linn.) Lam.] મરજાદવેલ, સમુદ્રફેણ, સમુદ્રવેલ (I biloba Forsk); સ્વૈરિણી વેલ, નારવેલ, રેલવેક્રીપર, મૉર્નિંગ ગ્લૉરી [I. cairica (Linn.) Sweet. syn. I Palmata Forsk]; વિદારી કંદ (I digitatal); હનુમાનવેલ [I. maxima (Linn. f.) G. Donn.]; કૃષ્ણ બીજ, શ્યામ બીજ, કાળા દાણા [I. nil (Linn.) Roth.]; વાઘપાડી (I pes-tigridis Linn); કામલતા (I. quamoclit Linn); રક્તકાંતા (I. horsfalliae); વર્ણત્યક્તા, અલ્પવર્ધિની, કાળાકુંપા વગેરે છે.
આઇપોમીઆ પ્રજાતિનાં પુષ્પોના ફૂલમણિ ઘંટાકાર, અને ફળ ફાટતું પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. ઉપરાંત તે કુળમાં પર્ણો એકાંતરિત અને ઉપપર્ણવિહીન, આયામવલિત (plaited) દલપુંજ, સ્ત્રીકેસર અગ્રપશ્ચ પરિસ્થિતિમાં, બીજાશય બિંબ ઉપર, અસમાન (unequal) પુંકેસર અને બોરિયું દ્વિખંડી (bilobed) હોય છે.
નારવેલને મોટાં, આછાં ભૂરાં બારેમાસ ફૂલો આવે. સવારે ખીલે, બપોરે બિડાઈ જાય, પરંતુ તેને ફળ બાઝે નહિ. ઘણી ઝડપથી વધે તેથી લતામંડપ માટે ઉપયોગી છે. મરજાદવેલ છાપરા ઉપર ચડી ખૂબ જ ફેલાવો પામે. તે રેતાળ અને ખારી જમીનમાં સરળતાથી ઊગતી હોઈ જયકૃષ્ણભાઈએ રેતીના ઢૂવાઓ રોકવા રેતીના બંધક (sand-binder) તરીકે કચ્છમાં વાપરેલી. રક્તકાંતા નાજુક વેલ છે અને તેનાં ફૂલો ચળકતા ઘાટા ગુલાબી રંગનાં શરદઋતુમાં આવે છે. આ ત્રણે જાતો બાગબગીચામાં શોભા માટે વપરાય છે. આયુર્વેદ પ્રમાણે મરજાદવેલ સંધિવામાં, વિદારી કંદ શક્તિવર્ધક તરીકે અને કાળા દાણા રેચક અને શોથહર તરીકે ઉપયોગી છે.
આઇપોમીઆની કેટલીક જાતોનો આધુનિક ઔષધશાસ્ત્રીય દૃષ્ટિએ અભ્યાસ થયો છે. હનુમાનવેલ અન્અવરોધક (deobstructant) અને મૂત્રલ (diuretic) તરીકે વપરાય છે. I. turpethumનાં મૂળ નસોતર તરીકે ઓળખાય છે. તેનું નવું નામ Operculina turpethum Silva Manso હોવાથી તેને હવે પ્રજાતિ I. turpethum R. Br. માં ગણતા નથી. તેનાં સૂકાં મૂળ અને પ્રકંદને ઇન્ડિયન જેલપ પણ કહે છે. સફેદ કરતાં કાળું નસોતર વધારે ઉગ્ર રેચક છે. જેલપના વિકલ્પ તરીકે વાયુસારી ઔષધ જોડે કાળા દાણા (I. nil.) ઉપયોગમાં લેવાય છે. મેક્સિકન જેલપ (I. purga) મુખ્યત્વે મેક્સિકો, જમૈકા અને ભારતમાં મળે છે. જેલપમાં સક્રિય ઘટક ગ્લાયકોસિડિન રેઝિન છે. અલ્પમાત્રામાં તે મૃદુરેચક છે.
આમ ઘણા આઇપોમીઆ રેચક રેઝિન ધરાવે છે. તેની રેચકતા પિત્ત ઍસિડની હાજરીમાં તથા મોટા આંતરડાને ઉત્તેજિત કરવાના ગુણને કારણે છે. આ રેઝિનનો અમુક ભાગ ઈથરમાં દ્રાવ્ય છે. આ રેઝિનના જલવિઘટનથી બાષ્પશીલ ચરબીજ ઍસિડ, હાઇડ્રૉક્સિલ સમૂહયુક્ત C16 કાર્બન ધરાવતા ચરબીજ ઍસિડ તથા ગ્લુકોઝ, મિથાઇલ પેન્ટોઝ, રેમ્નોઝ અને ફ્યુકોઝ જેવી શર્કરાઓ મળે છે.
મ. ઝ. શાહ
બકુલા શાહ
સરોજા કોલાપ્પન