આંધ્ર વાગેયકાર ચરિત્રમુ : તેલુગુ લેખક બાલાન્તરપુ રજનીકાંત રાવની કૃતિ. તેને 1967નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં તેલુગુ ગીતકારો તથા સ્વરકારોનાં રેખાચિત્રો તેમજ કવિતા તથા સંગીતના ક્ષેત્રમાં એમના પ્રદાનની મુલવણી કરવામાં આવી છે. વળી, પ્રત્યેક ગીતકાર પર એના પૂર્વસૂરિઓનો કેવો અને કેટલો પ્રભાવ છે અને એની મૌલિકતા ક્યાં છે તેની પાંડિત્યપૂર્ણ સમીક્ષા પણ કરાઈ છે. આંધ્રના વિવેચનગ્રંથોમાં એનું સ્થાન ઘણું ઊંચું છે, કારણ કે એ માત્ર રેખાચિત્રો જ નથી પરંતુ એમાં વ્યક્તિનું બાલ્યકાળનું કૌટુમ્બિક તથા સામાજિક વાતાવરણ, જીવનને વળાંક આપનારી ઘટનાઓ અને એ બધાનો વ્યક્તિ પર પડેલો પ્રભાવ તે બધું તેમણે મનોવૈજ્ઞાનિકની ઢબે દર્શાવ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા