આંધ્રપુરાણુમુ (1954-1964) : અર્વાચીન તેલુગુ કાવ્ય. પ્રકાશનસાલ : પૂર્વાર્ધ ખંડ 1954; ઉત્તરાર્ધ 1964. મધુનાપંતુલ સત્યનારાયણ શાસ્ત્રીરચિત આ પુસ્તકમાં આંધ્રનો કાવ્યબદ્ધ ઇતિહાસ પુરાણશૈલીમાં આપ્યો છે. આ કૃતિને 1968નો આંધ્ર રાજ્ય અકાદમી ઍવૉર્ડ મળેલો. પૂર્વાર્ધમાં ઉદય પર્વ, સાતવાહન પર્વ, ચાલુક્ય પર્વ અને કાકતીય પર્વ છે; તો ઉત્તરાર્ધમાં પુન:પ્રતિષ્ઠા પર્વ, વિદ્યાનગર પર્વ, શ્રીકૃષ્ણદેવરાય પર્વ, વિજય પર્વ તથા નાયકરાજ પર્વ છે. આદિકાળથી આધુનિક યુગ સુધીનો આંધ્ર જાતિનો તબક્કાવાર ઇતિહાસ અપાયો છે. એમાં સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને સાહિત્યિક વિકાસનો પણ તબક્કાવાર ઇતિહાસ છે. ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દીથી ઈ. સ.ની ત્રીજી શતાબ્દી સુધી લગભગ 450 વર્ષ સુધી આંધ્રમાં સાતવાહન રાજવંશનું રાજ્ય રહ્યું, જેનો ઇતિહાસ અત્યંત ઉજ્જ્વળ છે. પૂર્વચાલુક્ય રાજાઓએ સાહિત્યને શી રીતે વિકસાવ્યું તેનું નિરૂપણ પણ ખૂબ રસપ્રદ બન્યું છે.
પાંડુરંગ રાવ