આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું
January, 2002
આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું (International Balance of Payments) : દેશના નાગરિકોએ સમયના ચોક્કસ ગાળા (એક વર્ષ) દરમિયાન વિદેશોના નાગરિકો સાથે કરેલી આર્થિક લેવડદેવડનો હિસાબ. આ વ્યાખ્યામાં કેટલાક શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોઈ, તેમને સમજી લેવા જોઈએ.
નાગરિકોમાં વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓ અને સરકારનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનું હિત જે દેશમાં રહેલું હોય, તે દેશની તે નાગરિક ગણાય છે. ભારતના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતા હોય એ સમયગાળા દરમિયાન ભારતના જ નાગરિકો ગણાય. તેવી જ રીતે વિદેશોમાંની આપણી એલચી કચેરીઓમાં કામ કરતા ભારતીયો વર્ષો સુધી ભારત બહાર વસતા હોવા છતાં ભારતના જ નાગરિક ગણાય છે. આથી વિદેશોમાં વસતા દેશના નાગરિકો વિદેશોની જે ચીજવસ્તુઓ કે સેવાઓની વપરાશ કરે તે દેશની આયાતો ગણાય છે અને વિદેશો માટે તે નિકાસ ગણાય છે; દા.ત., અમેરિકાના પ્રવાસીઓ ભારતમાં જે ચીજવસ્તુઓ કે સેવાઓ(રેલવે, હોટલો, વગેરે)નો ઉપયોગ કરે તે ભારતની નિકાસ ગણાય અને અમેરિકાની આયાત ગણાય. આ ઉદાહરણ પરથી એ સ્પષ્ટ થશે કે આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં ચીજવસ્તુઓની આંતરરાષ્ટ્રીય હેરફેર અનિવાર્ય નથી. ‘નાગરિક’ની આ વ્યાખ્યાનો એક અપવાદ છે. વિશ્વબૅન્ક કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતી વ્યક્તિઓ તમામ દેશો માટે ‘વિદેશી’ નાગરિક ગણાય છે; દા.ત., ભારતનો નાગરિક આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના કર્મચારી તરીકે ભારતમાં જ વસવાટ કરતો હોય તોપણ આ હેતુ માટે વિદેશી ગણાય.
વ્યાખ્યામાં બીજો મહત્વનો શબ્દ ‘આર્થિક લેવડદેવડ’ છે. વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુઓ, સેવાઓ કે નાણાકીય અસ્કામતોના વિનિમયને સામાન્ય રીતે ‘આર્થિક લેવડદેવડ’ તરીકે વર્ણવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લેણદેણના સરવૈયા માટે આથી વિશેષ અર્થમાં આ શબ્દ વપરાય છે. એક દેશના નાગરિકોએ કે સંસ્થાઓએ વિદેશોના નાગરિકોને આપેલી ભેટો કે સંસ્થાઓને આપેલાં અનુદાનોને પણ લેવડદેવડ ગણીને, સરવૈયામાં સમાવવામાં આવે છે. સામાન્ય રીતે આવી ભેટો કે આવાં અનુદાનોને આપણે આર્થિક વિનિમય ગણતા નથી.
આંતરરાષ્ટ્રીય સરવૈયું સામાન્ય રીતે એક વર્ષના સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે, પરંતુ હવે ત્રૈમાસિક અને અર્ધવાર્ષિક સરવૈયું તૈયાર કરવાની પ્રથા પણ પ્રચલિત બની છે.
સરવૈયાનું વર્ગીકરણ : સરવૈયાની વિવિધ વિગતોને હેતુલક્ષી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. સામાન્ય રીતે આ લેવડદેવડને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) ચાલુ ખાતું, (2) મૂડી ખાતું અને (3) વિદેશી અનામતોનું ખાતું. આ વિભાગોમાં સમાવેશ પામતી વિગતો નીચે પ્રમાણે છે :
ચાલુ ખાતામાં ચીજવસ્તુઓની આયાત-નિકાસ, વાહનવ્યવહારની સેવાઓ, પ્રવાસીઓનું ખર્ચ, વિદેશોમાં કરવામાં આવેલાં કે વિદેશીઓએ દેશમાં કરેલાં મૂડીરોકાણો પરની આવક, વીમા-કંપનીઓની સેવાઓ માટેની ચુકવણી, પુસ્તકો પરની રૉયલ્ટી, દેશના નાગરિકોએ વિદેશના નાગરિકોને આપેલી કે વિદેશીઓ પાસેથી મેળવેલી ભેટો (વસ્તુઓમાં કે નાણાંમાં), સરકારે વિદેશોને ચૂકવેલો કે વિદેશી સરકાર પાસેથી મેળવેલો યુદ્ધદંડ તથા અનુદાનનો સમાવેશ કરવામાં આવે છે.
ચાલુ ખાતાની ઉપર્યુક્ત આયાતનિકાસોને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. ભૌતિક ચીજવસ્તુઓની આયાતનિકાસોને ‘ર્દશ્ય’ (visible) આયાતનિકાસો અને તે સિવાયની આયાતનિકાસોને ‘અર્દશ્ય’ (invisible) એવા વિભાગોમાં વહેંચવામાં આવે છે. પરંપરા પ્રમાણે ર્દશ્ય આયાતનિકાસોના હિસાબને અને તેના મૂલ્યના તફાવત(balance)ને વેપારતુલા(balance of trade) કહેવામાં આવે છે. દેશની વેપારતુલા પર પુરાંત હોય તો તેને અનુકૂળ વેપારતુલા અને ખાધ હોય તો પ્રતિકૂળ વેપારતુલા ગણવામાં આવે છે. જૂજ અપવાદોને બાદ કરતાં છેલ્લા પાંચ દસકા દરમિયાન ભારતની વેપારતુલા હંમેશાં ખાધમાં જ રહી છે; દા.ત., 1985-86ના વર્ષમાં વેપારતુલા પરની ખાધ રૂ. 12,000 કરોડથી વધારે હતી, 1997-98ના વર્ષમાં ભારતની વેપારતુલાની ખાધ રૂ. 60,000 કરોડથી વધારે હતી.
આંતરરાષ્ટ્રીય સરવૈયાનો બીજો મહત્વનો વિભાગ મૂડી-વિભાગ છે. આ વિભાગમાં સમાવિષ્ટ વિગતો આ પ્રમાણે છે : પ્રત્યક્ષ મૂડીરોકાણો (વિદેશમાં કાર્ય કરતા સાહસમાં કાયમી હિત ધરાવવું), પરોક્ષ લાંબા ગાળાનાં મૂડીરોકાણો, (શૅર જેવી નાણાકીય અસ્કામતોમાં રોકાણ), ટૂંકા ગાળાનાં રોકાણો તથા સરકારની મૂડી-વિષયક આપલે. લાંબા ગાળાનાં મૂડીરોકાણો અને ટૂંકા ગાળાનાં મૂડીરોકાણો વચ્ચેનો તફાવત તેમની મુદતના આધારે નક્કી થાય છે. એક વર્ષ કે તેનાથી ઓછી મુદતનાં રોકાણો ટૂંકા ગાળાનાં અને એક વર્ષથી વધારે મુદતનાં રોકાણો લાંબા ગાળાનાં ગણાય છે.
દેશની નાણાકીય સત્તા (મધ્યસ્થ બૅન્ક) પાસે રહેલી સોનાની, વિદેશી ચલણોની અને અન્ય કેટલીક અનામતોમાં થયેલા ફેરફારોની નોંધ અલગ અનામત-ખાતામાં કરવામાં આવે છે. છેલ્લે, પ્રત્યેક સરવૈયામાં આવકજાવકનાં પાસાંને સરભર કે સમતોલ કરતી એક વિગત જોવા મળે છે. તેને વધઘટ (Errors and Omissions) કહેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સરવૈયું એક હિસાબ હોઈ, હિસાબની રીતે લખાય છે. એ હિસાબ દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે લખવામાં આવે છે. આ પદ્ધતિમાં પ્રત્યેક સોદાની આવક (જમા) અને જાવક (ઉધાર) એમ બેવડી નોંધ કરવામાં આવે છે. આને કારણે આ હિસાબી પદ્ધતિમાં આવક અને જાવકનાં પાસાં સરખાં કે સમતોલ જ હોય છે. તેથી પ્રત્યેક સરવૈયાની જેમ દેશનું આંતરરાષ્ટ્રીય સરવૈયું પણ હંમેશાં સરભર થઈ રહે છે, અર્થાત્, હિસાબી રીતે સમગ્ર સરવૈયાનો વિચાર કરતાં તેમાં ખાધ કે પુરાંત ન હોઈ શકે. અલબત્ત, અર્થશાસ્ત્રીય રીતે દેશના સરવૈયામાં ખાધ કે પુરાંત હોય છે. એક ઉદાહરણ તરીકે, ભારતના 1997-98ના વર્ષ માટેના લેણદેણના સરવૈયાની કેટલીક વિગતો નમૂના તરીકે અહીં મૂકી છે :
ભારતનું આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું, 1997–98 (રૂ. કરોડમાં)
1. | આયાતો | 1,90,266.8 |
2. | નિકાસો | 1,29,515.9 |
3. | વેપારતુલા | – 60,750.9 |
4. | અર્દશ્ય | |
(ક) આવક | 85,517.1 | |
(ખ) ચુકવણી | 49,321.2 | |
(ગ) ચોખ્ખી પ્રાપ્તિ | 36,195.9 | |
5. | ચાલુ ખાતું (એકંદર) | – 24,555.0 |
6. | મૂડી-વિભાગ | |
(1) વિદેશી મૂડીરોકાણો | ||
(ક) આગમન | 33,045.2 | |
(ખ) બહિર્ગમન | 14,612.4 | |
(ગ) ચોખ્ખી પ્રાપ્તિ | 18,432.8 | |
(2) – લોનો (વિદેશી સહાય) | ||
(ક) આગમન | 10,795.0 | |
(ખ) બહિર્ગમન | 7,442.4 | |
(ગ) ચોખ્ખી પ્રાપ્તિ | 3,352.6 | |
– વેપારી ધિરાણો | ||
(ક) આગમન | 53,315.7 | |
(ખ) બહિર્ગમન | 39,246.1 | |
(ગ) ચોખ્ખી પ્રાપ્તિ | 14,069.6 | |
(3) બૅન્કિગ | – 3,189.8 | |
(4) રૂપિયા-ઋણની ચુકવણી | – 2,783.5 | |
(5) અન્ય મૂડી-વિગતો | 14,651.1 | |
(6) વધઘટ | – 3,324.0 | |
7. | એકંદર મૂડીવિભાગ | 41,208.8 |
8. | એકંદર તુલા (5+7) | 16,653.8 |
9. | અનામતોમાં ફેરફાર | – 14,367.6 |
ભારતના 1997-98ના વર્ષ માટેના સરવૈયાની જે વિગતો ઉપર નોંધવામાં આવી છે તેનું થોડું વિવરણ કરીએ. એ વર્ષે ભારતે જેટલી કિંમતની ભૌતિક ચીજોની આયાતો કરી હતી તેની તુલનામાં ઓછી કિંમતની ચીજોની નિકાસો કરી હતી. તેથી વેપારતુલા પરની ખાધ રૂ. 60,750.9 કરોડ હતી. આમ વેપારતુલા દેશ માટે પ્રતિકૂળ હતી; પરંતુ સરવૈયાના ચાલુ ખાતામાં અર્દશ્ય વિભાગમાં આપણે જેટલી આવક મેળવી હતી તેના કરતાં જાવક ઓછી હતી. તેથી અર્દશ્ય વિભાગમાં રૂ. 36,195.9 કરોડની પુરાંત હતી. સરવૈયાના ચાલુ વિભાગનો સમગ્રતયા વિચાર કરીએ તો એકંદર ખાધ રૂ. 24,555 કરોડની હતી.
સરવૈયાના મૂડીવિભાગમાં સમાવિષ્ટ વિગતોનું વિવિધ ર્દષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ‘વિદેશી મૂડીરોકાણો’ એ શીર્ષક નીચેની વિગતોમાં ખાનગી વિદેશી મૂડીરોકાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં નવાં વિદેશી મૂડીરોકાણો થાય છે તે સાથે ભૂતકાળમાં થયેલાં કેટલાંક રોકાણોને પાછાં પણ ખેંચી લેવામાં આવે છે. એકંદરે 1997 -98ના વર્ષમાં ભારતને વિદેશી મૂડીરોકાણોના સ્વરૂપે રૂ. 18,432.8 કરોડની પ્રાપ્તિ થઈ હતી.
હવે આપણે નજીકના ભૂતકાળ(2011-12)ના સંદર્ભમાં ભારતની લેણ-દેણની તુલાની વિગતો સંક્ષેપમાં તપાસીશું : વર્ષ 2011-12ના પ્રથમ છ માસ દરમિયાન ભારતે ચીજવસ્તુઓની જે નિકાસ કરી છે તેનું મૂલ્ય અમેરિકન ડૉલરમાં 150.9 અબજ જેટલું થયું હતું જે 2010ના વર્ષના તે જ ગાળાના સંદર્ભમાં 40 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે વર્ષ 2011ના એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં ભારતે અમેરિકાથી જે ચીજવસ્તુઓની આયાત કરી હતી તેનું મૂલ્ય અમેરિકન ડૉલરમાં 236.7 અબજ ડૉલર જેટલું હતું, જે 34.3 ટકા જેટલો વધારો સૂચવે છે. આ ગાળામાં દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારની ખાધ વધારેમાં વધારે થઈ હતી (85.8 અબજ અમેરિકન ડૉલર જે ભારતની કાચી ગૃહ પેદાશ – GDPના 9.4 ટકા જેટલી થાય છે.) તે માટે ભારતે કરેલ આયાત ચીજવસ્તુઓની આંતરરાષ્ટ્રીય ભાવસપાટીમાં થયેલ વધારો (મુખ્યત્વે પેટ્રોલિયમની ચીજવસ્તુઓ, સોનું અને ચાંદી) કારણરૂપ બન્યો હતો.
લોનો અથવા ‘વિદેશી સહાય’ – એ શીર્ષક નીચે વિશ્વબૅન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિદેશી સરકારો પાસેથી મળેલી લોનો અને તેની ચુકવણી નોંધવામાં આવે છે. દર વર્ષે આપણને નવી લોનો મળે છે. તેની સામે આપણે ભૂતકાળમાં લીધેલી લોનો પાકતી મુદતે પાછી આપવાની હોય છે. 1997-98ના વર્ષમાં દેશને રૂ. 10,795 કરોડની નવી લોનો મળી હતી, તેની સામે દેશે જૂની લોનો પેટે રૂ. 7,442.4 કરોડની ચુકવણી કરી હતી. આમ ‘વિદેશી સહાય’ દ્વારા દેશને થયેલી ચોખ્ખી પ્રાપ્તિ રૂ. 3352.6 કરોડની હતી.
‘લોન’ શીર્ષક નીચે જે બીજા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ‘વેપારી ધિરાણો’ તરીકે ઓળખાય છે. તેમાં વિદેશોમાંથી બૅન્કો જેવી ખાનગી નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલાં ધિરાણો અને તેની ચુકવણીનો સમાવેશ થાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ પ્રકારનાં ધિરાણોમાં મોટો વધારો થવા પામ્યો છે.
મૂડી વિભાગમાં એક નાની વિગત રૂપિયા-ઋણની છે. આ એક હવે ઐતિહાસિક વિગત છે. ભૂતકાળમાં ભારતે રશિયાનું જે દેવું કરેલું તેની ચુકવણી રૂપિયામાં કરવાની શરત કરવામાં આવેલી. એ દેવા પેટે ભારતે 1997-98ના વર્ષમાં રૂ. 2,783.5 કરોડ ચૂકવ્યા હતા.
એકંદરે દેશને મૂડીખાતામાં રૂ. 41,208.8 કરોડની પુરાંત હતી. તેમાંથી ચાલુ વિભાગની રૂ. 24,555 કરોડની ખાધને બાદ કરતાં સમગ્ર સરવૈયા પર દેશને રૂ. 16,653.8 કરોડની પુરાંત હતી.
ઉપર નોંધવામાં આવેલા સરવૈયામાં ‘વધઘટ’ શીર્ષક નીચે રૂ. 3,324 કરોડ દર્શાવવામાં આવ્યા છે. તેને જાવક ખાતે નોંધવામાં આવ્યા છે. સરવૈયામાં સમાવેશ પામતી પ્રત્યેક વિગત ક્યાંક આવક તરીકે અને ક્યાંક જાવક તરીકે નોંધાય છે; છતાં વધઘટનો પ્રશ્ન કેમ ઉપસ્થિત થાય છે ? ચાલુ ખાતાની ખાધ કે પુરાંત, મૂડી ખાતાની પુરાંત અને ખાધ બરાબર જ કેમ હોતી નથી ? વધઘટ માટે કેટલાંક કારણો છે. ગમે તેટલી ચોકસાઈ છતાં પ્રત્યેક સોદાની બે બાજુઓ હંમેશાં ઉપલબ્ધ થતી નથી. એમ બને કે સોદાની બંને બાબતો નોંધાઈ હોય, પરંતુ એક બાજુ પર મૂલ્ય ઓછું નોંધાયું હોય. જે સાધનોના આધારે આંકડાઓ પ્રાપ્ત કરવામાં આવે છે તે સાધનો ઘણી વાર અધૂરાં હોય છે. સોદાઓનાં બંને પાસાં વચ્ચે સમયગાળો રહેવાથી પણ તફાવત સર્જાય છે; દા.ત., ભારતના આયાતકારો પર લખાયેલું આયાતબિલ વિદેશી બૅન્કમાં રજૂ થતાં તુરત જ જાવકના વિભાગમાં નોંધાય છે, પરંતુ ખરેખરી ચુકવણી ત્યારપછી વત્તાઓછા સમયગાળામાં થાય છે. આથી કેટલાક કિસ્સાઓમાં સરવૈયાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચુકવણી થતી હોય છે. આવક અને જાવક – એમ બંને વિભાગોમાં વધઘટ હોઈ શકે, પરંતુ રિવાજ એવો છે કે સરવૈયાને સરભર દર્શાવવા માટે જરૂર પ્રમાણે તે કેવળ આવક કે જાવકમાં જ દર્શાવવામાં આવે છે.
હસમુખરાય કેશવલાલ ત્રિવેદી
રમેશ ભા. શાહ