આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

November, 2024

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 2015થી દર વર્ષે 21 જૂને દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા યોગાસનો કરીને થતી ઉજવણી. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંબોધન કરતી વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરવા માટે ભલામણ કરી હતી. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વના યોગાસનો અને પ્રાણાયામથી દુનિયાભરમાં સુખાકારી વધશે તેવા ઉદેશ્યથી 2015માં સંયુક્ત રાષ્ટ્રસંઘે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાથી એ તારીખ પસંદ કરવામાં આવી હતી. યુએનમાં યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું. યુએનના ઈતિહાસમાં અગાઉ એક પણ પ્રસ્તાવને આટલું મોટું સમર્થન મળ્યું નથી.

યોગ અને પ્રાણાયામ પ્રાચીન ભારતનો ગૌરવવંતો વારસો છે તેથી આ દિવસની ઉજવણીનું નેતૃત્વ ભારત કરે છે. દેશના કોઈ એક સ્થળે રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થાય છે. એ જ રીતે દરેક રાજ્યમાં એક શહેરને પસંદ કરીને રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવે છે. દેશના દરેક શહેરોમાં, નાના ગામડાંઓમાં શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, કંપનીઓમાં 21મી જૂને યોગાસનો કરીને યોગ દિવસ ઉજવાય છે.

ભારતમાં રાષ્ટ્રીયકક્ષાનો પ્રથમ યોગ દિવસ દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉજવાયો હતો. 84 દેશોના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિત દેશભરમાંથી 35,985 લોકોએ 35 મિનિટમાં 21 યોગાસનો કર્યા હતા. એ સાથે જ એક જ વખતમાં આટલી વિશાળ સંખ્યામાં યોગાસનોનો વિશ્વવિક્રમ બન્યો હતો. એ રેકોર્ડ પછી દર વર્ષે તૂટતો રહ્યો હતો. 2015 માટે યોગા ડેની થીમ હતી – સદભાવ અને શાંતિ. દર વર્ષે જુદી જુદી થીમ પર યોગ દિવસ ઉજવાય છે. 2016માં ભારતની ઐતિહાસિક ઈમારતોને શણગારીને તેની સામે યોગાસનો થયા હતા. રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ચંડીગઢમાં યોજાઈ હતી. 2017માં લખનૌ રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીનું કેન્દ્ર બન્યું હતું અને 51 હજાર લોકો સાથે પીએમ મોદીએ યોગાસનો કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. એ વર્ષે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં હજારો લોકોએ યોગાસનો કર્યા હતા. ચીનમાં 10 હજાર લોકોએ યોગાસનો કરીને નેશનલ રેકોર્ડ સર્જ્યો હતો. 2018માં દેહરાદૂનમાં વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ હતી. એક લાખ લોકોએ રાજસ્થાનના કોટામાં એકઠા થઈને શિસ્તબદ્ધ રીતે યોગાસનો કર્યા હતા. ગિનેસ રેકોર્ડ બુકમાં એનો વિક્રમ નોંધાયો હતો. રાંચીમાં 2019માં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ હતી અને પીએમ મોદીએ 40 હજાર લોકો સાથે યોગાસનો કર્યા હતા. 2020માં કોરોનાકાળ દરમિયાન યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ધ ફેમિલીની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો, તો 2021માં પણ કોરોના મહામારી ચાલતી હોવાથી ઓનલાઈન સેલિબ્રેશન થયું હતું. 2022માં મૈસૂરમાં માનવતા માટે યોગાસનોની થીમ સાથે રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ હતી.

2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યુએન મુખ્યાલયમાં ઐતિહાસિક આયોજન થયું હતું. વસુધૈવ કુટુંબકમની થીમ સાથે ન્યૂયોર્કમાં યુએનના વડાથી લઈને મેયર સહિતના મહાનુભાવોએ યોગાસનો કર્યા હતા. ભારતીય રિઝર્વ બેંકે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ત્યારે 2015ના વર્ષમાં 10 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. 2017માં યુએન પોસ્ટલ એડમિનિસ્ટ્રેશને આસનો દર્શાવતી ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી.

હર્ષ મેસવાણિયા