આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત

January, 2002

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત (192૦) :  1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલત. બીજા વિશ્વયુદ્ધ પછી (1945થી) સંયુક્ત રાષ્ટ્ર સંઘના હકનામાની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્ર સંઘના એક મુખ્ય અંગ તરીકે તેનો સમાવેશ થયેલો છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ કાયમી સાધન છે. તે જાહેર સુનાવણી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તેમજ જ્યાં કાયદો સ્પષ્ટ ન હોય કે વિવાદગ્રસ્ત બાબતમાં મૂક હોય ત્યાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપનાં સંધિ, સમજૂતી, પરંપરા જેવા સ્વીકૃત વૈધાનિક સિદ્ધાંતોના આધારે નિર્ણય કરે છે.

અદાલતમાં 15 ન્યાયાધીશો હોય છે. તેમાં 9 સભ્યોનું કૉરમ હોય છે. ન્યાયાધીશોની ચૂંટણી રાષ્ટ્રજૂથોએ આપેલી યાદીમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તથા સલામતી સમિતિ સ્વતંત્ર રીતે કરે છે. એક પ્રકારના ‘સદગૃહસ્થોના કરાર’ મુજબ અદાલતમાં આફ્રિકાના 3, લૅટિન અમેરિકાના 2, એશિયાના 3, પશ્ચિમ યુરોપ અને અન્ય દેશોના 4 અને પૂર્વ યુરોપના 2 ન્યાયાધીશો ચૂંટાય છે.

અદાલતની હકૂમત તેના બંધારણનાં પક્ષકાર રાજ્યો તથા ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની શરતો સ્વીકારનારાં રાજ્યો પર છે. અદાલત વાદગ્રસ્ત બાબતોનો નિર્ણય તેમજ સલાહકારક અભિપ્રાય આપે છે. વિવાદના પક્ષકારો પરસ્પરસંમતિથી અદાલત સમક્ષ આવી શકે છે. કોઈ પક્ષકાર પાછળથી પણ સંમતિ આપી શકે. અદાલત રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી જરૂરી માહિતી મેળવી શકે છે. વ્યક્તિઓ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પોતે પક્ષકાર થઈ શકે નહિ, પણ તેમની વતી રાજ્યો લડી શકે. સંધિથી અદાલતની હકૂમત માન્ય કરનાર રાષ્ટ્રો માટે તેની હકૂમત ફરજિયાત છે. અન્ય રાજ્યો ગમે ત્યારે સંધિના અર્થઘટન કે આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ જેવી બાબતો માટે ફરજિયાત હકૂમત સ્વીકારી શકે છે. કર્ફ્યૂ ચૅનલ વિવાદમાં આંતરરાષ્ટ્રીય અદાલતે ઠરાવેલું તે મુજબ સલામતી સમિતિનો આદેશ હોય તોપણ પરસ્પરની સંમતિ વગર વિવાદનો નિકાલ કરવાની અદાલતને હકૂમત નથી.

અદાલત પક્ષકારોના હક્કો જાળવવા વચગાળાના હુકમો કરી શકે છે. સુનાવણી લેખિત તેમજ મૌખિક હોય છે. નિર્ણયો વધુ મતે અપાય છે, પણ જ્યાં સરખા મત પડે ત્યાં અદાલતના પ્રમુખ નિર્ણાયક મત આપી શકે. ચુકાદો પક્ષકારોને નિર્ણીત બાબતોમાં જ બંધનકારક છે. ચુકાદા પર અપીલ થઈ શકતી નથી, પરંતુ અમુક સંજોગોમાં ફેરતપાસ(revision)ની જોગવાઈ છે. દરેક પક્ષકારને પોતાના દેશનો એક તત્પૂરતો (ઍડહૉક) ન્યાયાધીશ નીમવાનો હક્ક છે. 1988માં ભારતના નગેન્દ્રસિંહ આ અદાલતના પ્રમુખ હતા.

સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા કે સલામતી સમિતિ તથા સામાન્ય સભાની પરવાનગીથી સંયુક્ત રાષ્ટ્રોનાં બીજાં અંગો તથા શાખાઓ (એજન્સીઓ) અદાલત પાસે સલાહકારક અભિપ્રાય માંગી શકે છે.

સામાન્યપણે રાજ્યો મહત્વના વિવાદો આ અદાલત સમક્ષ લાવવાનું ટાળે છે, કેમ કે અદાલતને પોતાના નિર્ણયોનો અમલ કરાવવાની સત્તા નથી. કાયમી અદાલતના ફેંસલાઓ પર લવાદીની અપીલ કે ફેરતપાસની હકૂમત પણ આ અદાલતને નથી; અદાલતના કેટલાક ફેંસલા અમલીકરણને અનુરૂપ પણ હોતા નથી; દા.ત., પોર્ટુગીઝ મુકદ્દમામાં લશ્કરને ભારતીય પ્રદેશમાંથી પસાર થવાનો રૂઢિગત હક્ક સ્વીકારવા છતાં ભારતના સાર્વભૌમત્વને લક્ષમાં લેતાં ભારતને તે અંગે ફરજ પાડી શકાય નહિ એવો ફેંસલો અપાયો હતો. સંયુક્ત રાષ્ટ્રોના હકનામાની કલમ 94 (2) મુજબ ચુકાદાના અમલ માટે સલામતી સમિતિને ફરિયાદ થઈ શકે અને સમિતિ યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી શકે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી