આંતરરાષ્ટ્રીય ઘટનાઓ

January, 2002

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ : બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી વિવિધ દેશો વચ્ચેની રાજકીય ઘટનાઓ. સ્વતંત્ર દેશોની સરકાર વચ્ચેના સંબંધોના બે ચહેરા હોય છે – શાંતિ સમયના અને યુદ્ધ સમયના. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર અન્ય દેશ સાથેના શાંતિમય સંબંધો જાળવવા પ્રયત્નશીલ હોય છે. આવા શાંતિભર્યા સંબંધોથી તે પોતાના નાગરિકોને – અને એકંદરે પ્રજાને – લાભ પહોંચાડવા ચાહે છે. આ માટે મુત્સદ્દીગીરી, આંતરરાષ્ટ્રીય પરિષદો, આંતરરાષ્ટ્રીય સંગઠનોસંધિઓ વગેરેનો ઉપયોગ થાય છે. વળી યુનોની સ્થાપના સાથે ‘યુદ્ધ નહીં’ની સ્થિતિનો પણ પ્રારંભ થયો છે.

બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના અંતે યુરોપનાં રાષ્ટ્રોનું આંતરરાષ્ટ્રીય રાજકારણના તખ્તા પર ભારે અવમૂલ્યન થયું. તેમના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, પાર વિનાની માનવહાનિ થઈ હતી અને યુદ્ધજીવનની હાલાકીઓનો ભાર તેમણે ઉઠાવવાનો હતો. યુરોપીય દેશો વિશ્વનેતા મટી બીજી કક્ષાની સત્તા બન્યા હતા. આંતરરાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્રબિંદુ યુરોપમાંથી ખસીને અમેરિકા અને સોવિયત સંઘ તરફ ગયું.

1945 પછીના ગાળામાં અમેરિકા અને સોવિયેત સંઘ વિશ્વસત્તા તરીકે આગળ આવી રહ્યાં હતાં. અન્ય રાષ્ટ્રોની તુલનામાં આ બે રાષ્ટ્રોની શક્તિ અને સમૃદ્ધિ એટલી બધી વધારે હતી કે તેમને માટે ‘મહાસત્તા’ (super-power) શબ્દ પ્રયોજાવા લાગ્યો અને તેથી નવી સત્તા-સમતુલા ઘડાવા લાગી. આ બે રાષ્ટ્રો અભૂતપૂર્વ સત્તા-પ્રભાવ ધરાવતાં થયાં. આ મહાસત્તાઓ અને ક્રમમાં તેમની પછી આવનાર સત્તાઓ વચ્ચે ભારે મોટું અંતર પેદા થયું હતું. અમેરિકા અને સોવિયેત સંઘ – લોકશાહીતરફી અને સામ્યવાદતરફી – એમ બે ધ્રુવો – દ્વિધ્રુવી વિશ્વરાજકારણ તરફ ગતિ કરતાં હતાં. આંતરરાષ્ટ્રીય રાજકારણ પર આ દેશોનું ઇજારાશાહીભર્યું વર્ચસ્ ઊભું થવા લાગ્યું હતું. આ દ્વિધ્રુવી સત્તામાળખું બીજા વિશ્વયુદ્ધ પછીના વિશ્વનું કેન્દ્રવર્તી લક્ષણ બની રહ્યું.

બીજા વિશ્વયુદ્ધને અંતે આફ્રિકા અને એશિયાના ઘણા દેશો સ્વતંત્ર રાષ્ટ્રો બન્યાં અને સામ્રાજ્યવાદનું ઝડપી વિસર્જન-વિલીનીકરણ થયું. 1945માં વિશ્વની વસ્તીના 33 ટકા લોકો સાંસ્થાનિક ધૂંસરી હેઠળ હતા; જ્યારે 1958માં માત્ર 6 ટકા લોકો સંસ્થાનવાદ હેઠળ હતા. બીજા વિશ્વયુદ્ધ પછીના બે દાયકામાં 5૦ દેશો સ્વતંત્ર થયા. આ ઉપરાંત વાસ્તવમાં અર્ધસંસ્થાનનો દરજ્જો ધરાવતું ચીન 1949માં સામ્યવાદી પક્ષ હેઠળનું સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય બન્યું અને માતબર સત્તા તરીકે બહાર આવ્યું. આ નૂતન રાષ્ટ્રો વિશ્વરાજકારણમાં નવી શૈલી સાથે પ્રવેશ્યાં. તેમને સમાન અને સન્માનપૂર્વકનું સ્થાન અપેક્ષિત હતું, જે કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા પ્રવાહો ઉમેરાતા ગયા.

બીજા વિશ્વયુદ્ધને અંતે જર્મનીના રાજકીય રીતે બે ભાગ પડ્યા – પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. પૂર્વ જર્મની પર સોવિયેત સંઘનું અને પશ્ચિમ જર્મની પર પશ્ચિમનાં રાષ્ટ્રોનું પ્રભુત્વ હતું. આ સમયે જર્મનીના બર્લિન શહેરના પણ બે ભાગ પડ્યા હતા, જેના પૂર્વ તરફના ભાગ પર સામ્યવાદી જૂથનું અને પશ્ચિમ તરફના ભાગ પર પશ્ચિમી રાષ્ટ્રોનું પ્રભુત્વ હતું. પશ્ચિમી રાષ્ટ્રોના કબજા હેઠળના પશ્ચિમ બર્લિનમાં જવા પૂર્વ જર્મનીમાંથી નક્કી કરેલા માર્ગો પરથી પસાર થવું પડતું. 24 જૂન 1948ના રોજ સોવિયેત સંઘે બર્લિનની નાકાબંધી કરી, જે એક વર્ષ સુધી ચાલી હતી. પશ્ચિમ બર્લિન જવાનો માર્ગ રોકીને રશિયાએ આંતરરાષ્ટ્રીય કરારનો ભંગ કર્યો. આથી અમેરિકાએ પશ્ચિમ બર્લિનમાં હવાઈ માર્ગે પુરવઠો ઠાલવવા માંડ્યો. આમ બર્લિનની નાકાબંધી દ્વારા બે મહાસત્તાઓ આમનેસામને આવી ગઈ. મંત્રણાઓ અને યુનોની દરમિયાનગીરી દ્વારા છેવટે 12મી મે, 1949ના રોજ રશિયાએ નાકાબંધી ઉઠાવી લીધી; પરિણામે તત્કાળ પૂરતી સમસ્યા શાંત પડી.

સામ્યવાદી વિચારસરણી હેઠળના પૂર્વ બર્લિનમાંથી સંખ્યાબંધ લોકો પશ્ચિમ બર્લિનમાં ભાગી આવતા. આવા શરણાર્થીઓનો આ પ્રવાહ અવિરત હતો તેથી સોવિયેત સંઘે બર્લિન શહેરની વચ્ચે તોતિંગ કાંટાની વાડો કરી દીવાલ બાંધીને આ પ્રવાહને રોકવા પ્રયાસો કર્યા જેણે બર્લિનમાં અને બંને દેશો વચ્ચે તંગદિલી સર્જી. આ દીવાલ સામ્યવાદી દમનનું પ્રતીક બની. 28 વર્ષ બાદ 1૦ નવેમ્બર, 1989ના રોજ તેને તોડી પાડવામાં આવી. એ રીતે પૂર્વ જર્મનીની સરકારે તેની સરહદો ખોલી નાંખી; અને ત્યારે જર્મન પ્રજાએ અવર્ણનીય ખુશાલી વ્યક્ત કરી. આમ સમગ્ર જર્મનીનું પુન:એકીકરણ થયું.

ઠંડું યુદ્ધ : 1949માં અમેરિકા, કૅનેડા અને યુરોપના અન્ય કેટલાક દેશોએ નૉર્થ ઍટલાંટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન (North Atlantic Treaty Organization – NATO) – નાટોની રચના કરીને સંરક્ષણ માટે સામૂહિક લશ્કરી નેતૃત્વની બાબતમાં પગલાં ભર્યાં. બીજી તરફ સોવિયેત સંઘ અને તેના પૂર્વ યુરોપના સાથીઓએ વૉર્સો કરાર દ્વારા આવા સામૂહિક સંરક્ષણ માટેની જોગવાઈ કરી. ઘણા દેશો આ બેમાંથી કોઈ એક સંરક્ષણકરારમાં જોડાયા, આમ સામ્યવાદી અને બિનસામ્યવાદી લોકશાહીવાદી છાવણીઓ રચાઈ. 195૦ સુધીમાં અમેરિકા અને સોવિયેત સંઘે ન્યૂક્લિયર (nuclear) શસ્ત્રો વિકસાવ્યાં. આ બનાવોથી ઠંડા યુદ્ધની શરૂઆત થઈ.

પશ્ચિમી અને સામ્યવાદી સત્તાજૂથો – અમેરિકા અને રશિયા – વચ્ચે મૂળભૂત વૈચારિક ભિન્નતા પ્રર્વતતી હતી; બંને વચ્ચે ભારોભાર અવિશ્વાસ અને વૈમનસ્ય હતાં તેમજ બંને પોતાની સર્વોપરીતાનો દાવો કરતાં હતાં. આથી વિશ્વવ્યાપી પ્રભુત્વ ઊભું કરવા બંને મહાસત્તાઓ વચ્ચે કાતિલ સ્પર્ધા ચાલી, જે ઠંડા યુદ્ધ કે દ્વિધ્રુવી રાજકારણ તરીકે જાણીતી બની.

અમેરિકાના નેતૃત્વ હેઠળનું લોકશાહીવાદી સત્તાજૂથ તેના સત્તાસામર્થ્યની આસપાસ રચાયું હતું. આ જૂથના સભ્યો સામ્યવાદના વિરોધી હતા. એ જ રીતે સોવિયેત સંઘતરફી જૂથ સામ્યવાદી વિચારધારા અને સોવિયેત સંઘના સત્તાસામર્થ્યની આસપાસ રચાયું હતું. તેમની નજરમાં લોકશાહી દેશો મૂડીવાદીઓ હતા, જેનો તેઓ કટ્ટર વિરોધ કરતા હતા. આમ ઠંડા યુદ્ધમાં બે મહાસત્તાઓ હતી, બે સત્તાજૂથો હતાં અને બે મુખ્ય વિચારધારાઓ હતી. વિશ્વનાં રાજ્યો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ બેમાંથી કોઈ એક જૂથની તરફેણમાં કે વિરુદ્ધમાં હતાં. બંને જૂથો વચ્ચે તીવ્ર સ્પર્ધા અને કાતિલ સંઘર્ષ પ્રવર્તતાં હતાં. બંને એકબીજા પ્રત્યે અવિશ્વાસ અને દુશ્મનાવટ ધરાવતાં હતાં. પોતાનું પ્રભુત્વ અને પ્રભાવ વધારી અન્ય જૂથના પ્રભાવને ખાળવાના પ્રયાસો સતત ચાલતા હતા. 1956 પછીના તબક્કામાં બંને વ્યાપક સંહારક શક્તિ ધરાવતા થયા હતા.

નાટો અને વૉર્સો કરારોથી યુરોપ બે છાવણીઓમાં વિભાજિત થયું અને ઠંડા યુદ્ધનું કેન્દ્ર બન્યું. 195૦થી ’55નાં વર્ષોમાં તેનું કેન્દ્ર યુરોપમાંથી ખસીને એશિયામાં આવ્યું. એશિયાની બિનજોડાણવાદની નીતિ આ મહાસત્તાઓ સાથે સંઘર્ષમાં આવી. બિનજોડાણવાદી રાષ્ટ્રોને પોતાના જૂથમાં આકર્ષવાની તીવ્ર સ્પર્ધા આ બે મહાસત્તાઓ વચ્ચે ચાલી. અણુશસ્ત્રોના ક્ષેત્રે સોવિયેત સંઘે ભારે પ્રગતિ કરતાં આ ક્ષેત્રની અમેરિકાની ઇજારાશાહી તૂટી. આ દરમિયાન કોરિયા અને હિંદી ચીનની સમસ્યાઓ પેદા થઈ.

1956થી બિનજોડાણવાદી દેશોનું મોટું જૂથ યુનોમાં પ્રવેશ્યું. તેને પોતાની તરફ વાળવા સોવિયેત સંઘે ભારે પ્રયાસો કર્યા, જેમાં તે મહદ્અંશે સફળ રહ્યું અને પશ્ચિમના દેશો કરતાં સામ્યવાદતરફી જૂથનું પલ્લું ભારે બનતું ગયું. એ સાથે 1957માં રશિયા આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો વિકસાવી અમેરિકાથી આગળ નીકળી ગયું. આ જ વર્ષોમાં રશિયા-ચીન વચ્ચેના સંઘર્ષોએ સામ્યવાદી જૂથમાં તણાવ પેદા કર્યો. પરિણામે 1956માં પોલૅન્ડ અને હંગેરીની કટોકટી સર્જાઈ. 1956માં સુએઝની કટોકટી પેદા થઈ. 1958માં બર્લિનની કટોકટી ઊભી થઈ. 196૦માં અમેરિકાનું ‘યુ-2’ વિમાન જાસૂસીના આરોપસર સોવિયેત સંઘે તોડી પાડ્યું. 196૦થી ’62 દરમિયાન કૉંગોની કટોકટી પેદા થઈ. 1962માં ક્યૂબામાં સોવિયેત સંઘે મિસાઇલો ગોઠવી હોવાની માહિતીના આધારે ક્યૂબાની વિસ્ફોટક ગણાય તેવી કટોકટી પેદા થયેલી અને બંને મહાસત્તાઓ યુદ્ધના જ્વાળામુખીની ટોચે પહોંચી ગઈ હતી.

1962માં અણુબૉંબના વિસ્ફોટ સાથે શક્તિશાળી ચીનનો જન્મ થયો. આ સાથે એક માતબર હરીફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સપાટી પર આવ્યો. આંતરરાષ્ટ્રીય તખ્તા પર રાજકીય શોષણની નીતિ લાંબી ટકી શકે તેમ ન હોવાથી તે નિવારવાના આશયથી તથા પ્રક્ષેપાસ્ત્રોની ભયાનકતા સમજાતાં સંઘર્ષને બદલે સહકારાત્મક સત્તા-સંબંધોની દિશામાં મહાસત્તાઓએ વળાંક લીધો અને ઠંડા યુદ્ધના અસ્તની શરૂઆત થઈ. 1962થી ’71 સુધીનો આ તબક્કો દ્વયાધિકાર(duopoly)નો રહ્યો, જેમાં બંને મહાસત્તાઓ વચ્ચે સંબંધ-સુધારણાની, તણાવ-શૈથિલ્ય(detente)ની શરૂઆત થઈ.

સંબંધસુધારણાના આ તબક્કા દરમિયાન મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષને સ્થાને પરસ્પરને સહકાર આપવાનું વલણ વિકસ્યું. અભેદ્ય ગણાતા સામ્યવાદી જગતમાં ભાગલા પડતાં સામ્યવાદી સોવિયેત સંઘને અન્ય દેશો સાથે સંબંધો સુધારવાની ફરજ પડી. બિનજોડાણવાદી દેશોને કારણે ‘શાંતિમય સહઅસ્તિત્વ’(peaceful co-existence)ની નીતિ પુરસ્કારાઈ. આ કારણથી સંબંધ-સુધારણા અસરકારક પણ બની. વિશ્વરાજકારણમાં સંઘર્ષને કોરાણે મૂકી રાષ્ટ્રનાં સંયુક્ત હિતોને આગળ ધપાવવાના વ્યૂહો ઘડાયા તેમજ મતભેદોને સીમિત કરવાનું વલણ વિકસ્યું. વળી ચીનને ‘અટકાવવાની નીતિ’ (The Containment of China) બંને મહાસત્તાઓએ સ્વીકારી. આથી અમેરિકાએ દક્ષિણ વિયેટનામને આર્થિક અને લશ્કરી મદદ આપી; ઉત્તર વિયેટનામ સામે દક્ષિણ વિયેટનામને સબળ અને સમૃદ્ધ બનાવવા પ્રયાસો કર્યા 1964થી ’73 સુધી લગભગ દસ વર્ષ વિયેટનામ યુદ્ધ ચાલ્યું. ભારે ખુવારી છતાં અમેરિકા ઉત્તર વિયેટનામના પ્રભાવને ખાળી શકે તેમ નહોતું. 27 જાન્યુઆરી, 1973માં છેવટે અમેરિકા અને ચીનની સંયુક્ત મુત્સદ્દીગીરીને પરિણામે ઉ. વિયેટનામ અને દ. વિયેટનામ વચ્ચે સમાધાન થયું. પરિણામે 1976માં ઉત્તર અને દક્ષિણ વિયેટનામનું એકીકરણ થયું અને ત્યાં સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑવ્ વિયેટનામ નામના રાષ્ટ્રનો ઉદય થયો.

જુલાઈ, 1963માં અણુશસ્ત્ર-પ્રયોગબંધી(Nuclear Test Ban Treaty)ના કરાર થયા. 197૦માં અણુશસ્ત્રોનું પ્રસરણ અટકાવવા અણુ-બિનપ્રસરણ સંધિ(Nuclear Non-proliferation Treaty) થઈ. પ્રાદેશિક સંઘર્ષોના ઉકેલ માટે સીમિત યુદ્ધપદ્ધતિ(limited war-system)નો વિકાસ થયો; જે અનુસાર બે દેશો વચ્ચેનાં યુદ્ધોમાં સામેલ થવાથી અન્ય મહાસત્તાઓ દૂર રહેતી થઈ.

197૦-71 દરમિયાન અમેરિકા-ચીન વચ્ચેના સંબંધોમાં નાટ્યાત્મક ‘યૂ-ટર્ન’ (U-turn) આવતાં નવી ભૂમિકા પેદા થઈ. 1971થી અમેરિકા, સોવિયેત સંઘ અને ચીન વચ્ચેના સંબંધોમાં મૂળભૂત પરિવર્તન આવ્યું. એથી સત્તાત્રિકોણની નવી પ્રથા શરૂ થઈ. ઔદ્યોગિક વિકાસ અને અણુશક્તિના વિકાસને કારણે ચીન મજબૂત રાષ્ટ્ર તરીકે ઊપસ્યું અને પ્રાદેશિક મહાસત્તા બન્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણ ‘ત્રિધ્રુવી’ બન્યું, એકશીલ જૂથો (monolithic blocks) ઓગળી ગયાં.

અખાતી યુદ્ધ દ્વારા પૂર્વ-પશ્ચિમ વચ્ચેની રાજકીય શક્તિની કસોટી થઈ. કુવૈત અખાતનો નાનો દેશ છે, જે ખનિજતેલથી સમૃદ્ધ છે. તેની સીમાઓ ઇરાક અને સાઉદી અરેબિયા સાથે જોડાયેલી છે. ઔદ્યોગિક દેશોમાં ખનિજતેલની નિકાસથી કુવૈત અત્યંત સમૃદ્ધ બન્યું છે. ઑગસ્ટ, 199૦માં પડોશી દેશ ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું અને તેનો પ્રદેશ કબજે કર્યો. ઇરાકના આ પગલાના પ્રતિભાવ રૂપે યુનોએ ઇરાક પર સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા અને સભ્ય દેશોને ઇરાક વિરુદ્ધ લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાની છૂટ આપી. જાન્યુઆરી-ફેબ્રુઆરી 1991માં 35 દેશોના સંયુક્ત પ્રયાસો દ્વારા ઇરાકનો કુવૈતમાંથી હાંકી કાઢવામાં આવ્યું. આ દેશોના જૂથમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને ઘણા આરબ દેશો હતા. સોવિયેત સંઘ અને ચીને યુદ્ધમાં સીધી રીતે ભાગ નહોતો લીધો, પરંતુ ઇરાક વિરુદ્ધ લશ્કરી બળના ઉપયોગને સલામતી સમિતિમાં સોવિયત સંઘે ટેકો આપ્યો હતો અને આ બાબતનો વિરોધ કર્યો નહોતો. આથી યુનોના શાંતિપ્રયાસોને ભારે સફળતા સાંપડી હતી.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાના પ્રયાસોને મહદ્અંશે સફળતા મળી છે, પણ સ્થાનિક યુદ્ધો સંપૂર્ણપણે નિવારી શકાયાં નથી તેમજ કેટલાક પ્રશ્નો એવા છે જેનું કાયમી સમાધાન શોધવાનું બાકી છે. આવો એક પ્રશ્ન આરબ-ઇઝરાયલ સંઘર્ષનો છે.

ઇઝરાયલના યહૂદી રાજ્યના સ્થાપના(1948)કાળથી, તેના પડોશી આરબ દેશો આ નવા રાજ્યની સ્થાપનાનો તીવ્ર વિરોધ કરતા રહ્યા હતા. આ કારણસર 1948, ’56, ’57 અને ’73માં આરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે વારંવાર યુદ્ધો થયાં હતાં. 1979માં ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે શાંતિ-સંધિ થઈ હતી છતાં અન્ય આરબ રાજ્યોએ ઇઝરાયલનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. પૅલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ હજુ વણઊકલ્યો છે. ઇઝરાયલમાંની આતંકવાદી પ્રવૃત્તિઓના ફેલાવામાં પૅલેસ્ટાઇનનાં આતંકવાદી જૂથો કાર્યરત છે તેવી પ્રતીતિ થતાં 3૦ માર્ચ, 2૦૦2ના રોજ પૅલેસ્ટાઇનના રામલ્લા શહેરમાં આવેલા મુખ્ય કાર્યાલયને ઘેરી લીધું અને તેના નેતા યાસર અરાફતને નજરકેદની સ્થિતિમાં મૂકી દીધા. અમેરિકા અને વિશ્વના અન્ય દેશોના દબાણ હેઠળ એપ્રિલ, 2૦૦2માં આ ઘેરો સાવ હળવો બનાવી દઈ અરાફતને મુક્ત કર્યા.

આરબ રાજ્યો અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષના સંદર્ભમાં પશ્ચિમ એશિયાનાં ખનિજ-તેલ-ઉત્પાદક રાજ્યોએ ભેગાં મળી રાજકીય શસ્ત્ર તરીકે ખનિજ-તેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વિશ્વરાજકારણની શતરંજમાં મહાસત્તાઓ અને આરબ રાષ્ટ્રોને સફળતા સાંપડી અને ખનિજતેલના પ્રશ્ને વિશ્વરાજકારણમાં અગ્રસ્થાન મેળવ્યું.

196૦ના દાયકાના અંતે અને 197૦ના દાયકાના પ્રારંભે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં (સંબંધ) સુધારણા(detente)ની નવી શૈલી વિકસી. જાપાન અને પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો આર્થિક ર્દષ્ટિએ શક્તિશાળી બન્યાં. પરિણામે, તેઓ તેમના મુખ્ય સાથી અમેરિકાથી વધુ સ્વતંત્ર રહી આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેવા લાગ્યા. એ જ રીતે આર્થિક અને રાજકીય રીતે સમૃદ્ધ બનેલા ચીને સોવિયેત સંઘથી સ્વતંત્ર રહીને નિર્ણયો લેવાનું પસંદ કર્યું. આથી 196૦થી ’69 સુધી બંને સામ્યવાદી દેશોના સંબંધો તણાવપૂર્ણ રહ્યા.

આ તબક્કે ઠંડા યુદ્ધનાં જોડાણો કંઈક ઢીલાં પડ્યાં, પરિણામે સામ્યવાદી અને બિનસામ્યવાદી દેશો એકબીજાની નજીક આવ્યા, જે ઘટના સંબંધસુધારણા તરીકે જાણીતી છે. 1949માં ચીનમાં સામ્યવાદની સ્થાપના પછી છેક 197૦માં અમેરિકા, કૅનેડા, જાપાન અને અન્ય દેશોએ ચીનમાં પોતાની એલચી-કચેરીઓ ખોલવાની શરૂ કરી. પરિણામે પૂર્વ-પશ્ચિમ વચ્ચેના તણાવો દૂર થયા. 1971માં ચીન યુનોનું સભ્ય બન્યું અને આંતરરાષ્ટ્રીય રાજકારણના મુખ્ય પ્રવાહમાં ભળ્યું.

1978થી અફઘાનિસ્તાન ગૃહ-યુદ્ધનો ભોગ બન્યું છે. ડિસેમ્બર, 1978માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાન સાથે કરાર કર્યો અને સોવિયેત સંઘે કાબુલ અને બીજાં શહેરોમાં પોતાનાં લશ્કરી દળો ઉતારતાં અફઘાન કટોકટી ઘેરી બની. સરકારની સામ્યવાદતરફી નીતિઓ ઇસ્લામ વિરુદ્ધની છે એમ પ્રજા માનતી હતી; આથી સરકાર અને બળવાખોર મુજાહિદીનો વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું. 1989માં અફઘાનિસ્તાનમાંથી સોવિયેત દળો પાછાં ખેંચવામાં આવ્યાં; છતાં ગૃહ-યુદ્ધ અટકાવી શકાયું નહિ. બંને મહાસત્તાઓ વચ્ચેનાં અવિશ્વાસ, ભીતિ અને અશ્રદ્ધાને કારણે અફઘાન સમસ્યાનો ઉકેલ લાવવા મંત્રણાઓ ચાલ્યાં કરી, સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેમાં સક્રિય રસ લીધો; તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવી શક્યો નહિ અને અફઘાન ગૃહયુદ્ધ ચાલુ રહ્યું. આતંકવાદને સક્રિય બનાવનાર અને પ્રોત્સાહિત કરનાર ઓસામા-બિન-લાદેનને તાલિબાનોએ આશ્રય પૂરો પાડ્યો હોવાથી અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની તંગદિલી વધુ તીવ્ર બની. 11 સપ્ટેમ્બર, 2૦૦1ના રોજ અમેરિકાના ન્યૂયૉર્ક શહેર ખાતે સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે ગગનચુંબી ઇમારતો અને પૅન્ટાગોનનો કેટલોક હિસ્સો ધ્વસ્ત કરીને આતંકવાદ ચરમસીમાએ પહોંચ્યો. આ પગલું ઉદારવાદી લોકશાહી પરનું, બિનમુસ્લિમો પરનું અને અમેરિકાના અસ્તિત્વ પરનું આક્રમણ લેખવામાં આવ્યું. આ હુમલા અંગે અમેરિકાએ અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જવાબદાર ઠેરવ્યું. આતંકવાદ વિરુદ્ધ વિશ્વના વિવિધ દેશોમાં લૉબીઇંગ કરી અમેરિકાએ સમર્થન હાંસલ કર્યું. આ કૃત્ય માટે તાલિબાન સરકારને, ઓસામા બિન-લાદેન અને ઓમરને શરણે આવવા અપીલ કર્યા બાદ નવેમ્બર, 2૦૦1માં હવાઈ હુમલાઓ દ્વારા અમેરિકાએ તાલિબાન સરકાર વિરુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો. આ યુદ્ધમાં પાકિસ્તાને અમેરિકાને પૂરો સહકાર આપ્યો, ભારતે પોતાનાં હવાઈ મથકોનો ઉપયોગ કરવાની છૂટ આપી. બ્રિટિશ લશ્કરે અમેરિકાને સક્રિય મદદ આપી. અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ ગરીબ દેશ યુદ્ધથી તારાજ થયો અને અફઘાનિસ્તાનમાંના તાલિબાન શાસનનો અંત આવ્યો.

અફઘાનિસ્તાનમાં યુનોની મદદથી વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી અને કારઝાઈને વડાપ્રધાન જાહેર કરી સત્તાનાં સૂત્રો સોંપાયાં. આ સરકારમાં વિવિધ અફઘાની જૂથોનો સમાવેશ કરવામાં આવ્યો. નવી સરકારને અમેરિકાનું લશ્કરી રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. અફઘાનિસ્તાનમાંથી દેશવટો ભોગવતા પુરાણા રાજવી ઝહીર શાહને પરત લવાયા.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો અંત આવ્યો પણ તાલિબાનો વિશ્વભરમાં સક્રિય છે. તેમણે પાકિસ્તાનમાં શરણાર્થીઓ તરીકે પ્રવેશ અને રક્ષણ મેળવ્યાં છે. આતંકવાદના મુખ્ય પુરસ્કર્તા બિન-લાદેનને પરાસ્ત કરવા અમેરિકાએ લાંબા સમય સુધી પ્રયાસો કર્યા અંતે ર મે, 2૦11ના રોજ તેની હત્યા અમેરિકી કમાન્ડો દળો દ્વારા કરવામાં આવી. ઓસામા બિન-લાદેન પાકિસ્તાનના અબોટાબાદ ખાતે સંતાયો હતો. અમેરિકાની તપાસ એજન્સીને આ માહિતી મળતા પ્રમુખ બરાક ઓબામા અને વિદેશ મંત્રીની સલાહ-સૂચના અનુસાર તેની હત્યાનું આયોજન કરવામાં આવ્યું. સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવેલા આયોજન અનુસાર અલકાયદાના આ સર્વોચ્ચ નેતાની તેના નિવાસે જ હત્યા કરવામાં આવી. અલબત્ત, આ માટે અમેરિકી દળોએ આંતરરાષ્ટ્રીયના સાર્વભૌમત્વના નિયમોનો ભંગ કરી કાર્યવહી કરી હતી. જે વિશે દુનિયાના દેશોએ પણ ચુપકીદી સેવી હતી.

આંતરરાષ્ટ્રીય રાજકારણનો છેલ્લો દાયકો એક વધુ નોંધપાત્ર ઘટનાનો સાક્ષી બન્યો અને તે ઘટના હતી સોવિયેત સંઘના વિઘટનની – વિસર્જનની.

198૦માં કોસિજિનના રાજીનામા સાથે સોવિયેત સંઘના રાજકીય નેતૃત્વમાંથી સ્ટાલિનના સહકાર્યકર્તાઓ વિદાય લઈ ચૂક્યા હતા. મિખાઇલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના વડા બન્યા અને તે સાથે ત્યાં ઝડપી પરિવર્તનની પ્રક્રિયા આરંભાઈ. તેમણે ખુલાવટ(glasnost)ની નવી નીતિ સ્વીકારી, જે અત્યંત આશ્ચર્યજનક પરિવર્તન હતું. આ નીતિથી સામ્યવાદી સોવિયેત સંઘમાં પ્રથમ વાર રાજકીય અને સામાજિક સમસ્યાઓની મુક્ત ચર્ચાઓ થવા લાગી, પ્રજા વધુ સ્વતંત્રતા અનુભવવા લાગી. આગળ વધીને ગોર્બાચોવે સામ્યવાદી પક્ષની ભૂમિકા પણ જનજીવનમાંથી સંકેલવા માંડી. ત્યાં માર્ચ, 1989માં સોવિયેત સંઘના ઇતિહાસમાંની પ્રથમ સ્પર્ધાત્મક ચૂંટણીઓ યોજાઈ, જેમાં ઘણા સર્વોચ્ચ સામ્યવાદી નેતાઓ પરાજિત થયા. માર્ચ, 199૦માં બિનસામ્યવાદી રાજકીય પક્ષોનું અસ્તિત્વ માન્ય કરવાનો નિર્ણય લેવાતાં સામ્યવાદી પક્ષની ભૂમિકામાં ભારે ઘટાડો થયો. આ સુધારાઓને કારણે ગોર્બાચોવને વ્યાપક સમર્થન સાંપડ્યું. 1991માં તેમણે સ્વીકારેલા આર્થિક સુધારાઓના કાર્યક્રમ(perestroika)ને કારણે ચીજવસ્તુઓની ભારે અછત પેદા થઈ.

ઘરઆંગણાની આ પરિસ્થિતિમાં ગોર્બાચોવના નેતૃત્વ હેઠળ વિદેશ સાથેના અને વિશેષે પશ્ચિમી રાજ્યો સાથેના સંબંધો સુધર્યા અમેરિકાના પ્રમુખ રેગન અને ગોર્બાચોવ વચ્ચે મધ્યમ કદના ન્યૂક્લિયર મિસાઇલ અંગે કરાર થયા. મે, 1988 અને ફેબ્રુઆરી, 1989માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાંથી પોતાનાં દળો પાછાં ખેંચ્યાં. અમેરિકા સાથે વધુ એક ‘સ્ટ્રેટીજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી (START)’ થઈ. આ કરારથી બંને દેશો વચ્ચે લાંબા અંતરનાં ન્યૂક્લિયર શસ્ત્રોમાં ભારે ઘટાડો થવાનો હતો. આ ઘટનાઓ દર્શાવે છે તેમ બે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષને સ્થાને સહકારનો માહોલ સ્થિર થવા લાગ્યો.

માર્ચ, 1991માં સોવિયેત સરકારે પ્રમુખનો હોદ્દો ઊભો કર્યો. આ પૂર્વે સામ્યવાદી પક્ષના વડા સૌથી શક્તિશાળી હતા; તેને સ્થાને હવે પ્રમુખ સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા. ધ કૉંગ્રેસ ઑવ્ પીપલ્સ ડેપ્યુટિઝે ગોર્બાચોવને સોવિયેત સંઘના પ્રથમ પ્રમુખ ચૂંટ્યા.

સ્વતંત્રતાના આ નૂતન પ્રયાણ સાથે 1989માં શક્તિશાળી લોકલડત આરંભાઈ. કેન્દ્ર સરકાર પાસે ઘટક રાજ્યો(જે ‘પ્રજાસત્તાક’ તરીકે ઓળખાતાં)એ વધુ સ્વતંત્રતાની માંગ કરી. ઇસ્ટોનિયા, લૅટ્વિયા અને લિથુઆનિયાનાં બાલ્ટિક પ્રજાસત્તાકોએ ર્દઢ કદમ ઉઠાવ્યાં. 199૦માં લિથુઆનિયાએ સ્વતંત્રતાની ઘોષણા કરી. ઇસ્ટોનિયા અને લૅટ્વિયાને ક્રમશ: આઝાદી આપવાની ઘોષણા કરવામાં આવી. 199૦ના અંત સુધીમાં 15 પ્રજાસત્તાકોએ સ્થાનિક કાયદાઓને કેન્દ્રના કાયદાઓ કરતાં સર્વોચ્ચ ઘોષિત કર્યા આમ પ્રજાસત્તાકો સોવિયેત સંઘથી વિઘટિત થવા લાગ્યા. પ્રમુખ ગોર્બાચોવે પ્રજાસત્તાકોની વધુ સ્વતંત્રતા માટે કેટલીક દરખાસ્તો સૂચવી. જુલાઈ, 1991માં ગોર્બાચોવ અને 1૦ પ્રજાસત્તાક રાજ્યોના નેતાઓ વચ્ચે સંધિ થઈ અને પ્રજાને વ્યાપક સ્વતંત્રતા આપવાનો સ્વીકાર થયો; જેની પર 2૦ ઑગસ્ટે પાંચ મુખ્ય પ્રજાસત્તાકના નેતાઓએ સહીસિક્કા કર્યા જે અનુસાર 8 ડિસેમ્બર, 1991ના રોજ યુક્રેન, ત્રણ સ્લાવ પ્રજાસત્તાકો અને બાયલોરશિયાને સ્થાને કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ(CIS)ની રચનાની ઘોષણા કરવામાં આવી. 21 ડિસેમ્બર, 1991ના રોજ કઝાખિસ્તાનના પાટનગર અલ્મા અટામાં ઉપર્યુક્ત ઘોષણા પર હસ્તાક્ષર થયા અને તે સાથે જ વિધિપુર:સર સોવિયેત સંઘનું વિસર્જન થયું. આમ સોવિયેત સંઘ તરીકે ઓળખાનાર, વિશ્વરાજકારણની સામ્યવાદી વિચારધારા ધરાવતી મહાસત્તા અસ્ત પામી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આથી ભારે મોટો અવકાશ પેદા થયો.

બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યવાદના વિસર્જનના આરંભ સાથે એશિયા-આફ્રિકાના ઘણા દેશો સ્વતંત્ર બન્યા હતા. આ તમામ દેશો કેટલાક સમાન હેતુઓ ધરાવતા હતા. આ બધા દેશોને બે મહાસત્તાઓ વચ્ચેની ઠંડા યુદ્ધની સ્પર્ધાથી મુક્ત રહેવું હતું; પોતાનું મહામૂલું સ્વાતંત્ર્ય સાચવવું હતું; આત્મનિર્ણયનો અધિકાર તેના સાચા અર્થમાં ભોગવવો – માણવો હતો; વાંશિક ધોરણે સમાનતા હાંસલ કરવી હતી તેમજ શોષણની ચુંગાલમાંથી બહાર નીકળી વર્તમાન આંતરરાષ્ટ્રીય આર્થિક અને રાજકીય વ્યવસ્થાનું પુનનિર્માણ કરવું હતું. આ સમાન ઉદ્દેશોને અનુલક્ષીને 1961માં બેલગ્રેડ ખાતે 25 નવોદિત દેશોના પ્રતિનિધિઓ એકત્ર થયા અને બિનજોડાણવાદી દેશોનું જૂથ રચાયું. આ જૂથના દેશોની વિદેશનીતિ બેમાંથી એક પણ મહાસત્તા સાથે ન જોડાવાની હતી, તેથી આ જૂથના પ્રયાસો ‘નૉનએલાઇન્ડ મૂવમેન્ટ’(NAM)ના નામે જાણીતા બન્યા. આમ એક પણ મહાસત્તા સાથે ન જોડાઈને આ દેશોએ શાંતિ અને નિ:શસ્ત્રીકરણ અંગેની નિસબત વ્યક્ત કરી. 114 દેશોના બનેલા આ સંગઠનમાં મોટાભાગના વિકસતા દેશો છે. 1955ની બાન્ડુંગ (ઇન્ડોનેશિયા) પરિષદમાં બિનજોડાણના મુખ્ય સિદ્ધાંતો નિશ્ચિત થયા હતા. 1956ની બ્રિઓની (યુગોસ્લાવિયા) ઘોષણામાં જવાહરલાલ નહેરુ, માર્શલ ટીટો અને જમાલ અબ્દુલ નાસરે તેનો પુનરુચ્ચાર કર્યો હતો. આ સંગઠન શાંતિ, નિ:શસ્ત્રીકરણ, વિકાસ, સ્વાતંત્ર્ય, ગરીબી અને નિરક્ષરતાનાબૂદીને વરેલું છે. વિશ્વરાજકારણમાં બિનજોડાણવાદી દેશોનું ત્રીજું વિશ્વ (Third World) રચાયું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે પોતાની આગવી અને પ્રભાવક ભૂમિકા ભજવતું રહ્યું.

રક્ષા મ. વ્યાસ