આંતરટ્રૅપ સ્તરો (intertrappean beds) : લાવાના ટ્રૅપખડકો વચ્ચે જામેલા જળકૃત ખડકો. પ્રસ્ફુટિત લાવાપ્રવાહોથી ઠરીને તૈયાર થયેલા, ડેક્કન ટ્રૅપ નામે ઓળખાતા ખડકસ્તરોની વચ્ચે આંતરે આંતરે જોવા મળતા, નિક્ષેપરચનાથી બનેલા, નદીજન્ય કે સરોવરજન્ય જીવાવશેષયુક્ત જળકૃત ખડકસ્તરોને આંતરટ્રૅપ સ્તરો તરીકે ઓળખાવાય છે, જે એક પછી એક અનેક વાર થયેલાં લાવાનાં પ્રસ્ફુટનો વચ્ચેના, વીતી ગયેલા શાંત કાળગાળાઓનો તેમજ શાંત, વિક્ષેપરહિત નિક્ષેપકેન્દ્રોમાં અનુકૂળ સંજોગો મળવાથી વારંવાર સ્થળાંતર કરી આવેલાં પ્રાણીઓના અને પ્રવર્તમાન વનસ્પતિના અસ્તિત્વનો ઇતિહાસ પૂરો પાડે છે. લાક્ષણિક ર્દષ્ટિએ જોતાં, આ સ્તરો માત્ર 1થી 3 મીટરની જાડાઈવાળા તેમજ 5થી 7 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે તેમ છતાં નિમ્ન અને ઊર્ધ્વ ટ્રૅપખડકોમાં બધે જ તેમનું વિતરણ ઠીક ઠીક પ્રમાણમાં નિયમિત રીતે થયેલું જોવા મળે છે. આ સ્તરોનું ખડકબંધારણ લીડાઇટને મળતા આવતા કાળા ચર્ટયુક્ત ખડકોનું, જ્વાળામુખીજન્ય સ્તરવાળા શિલાચૂર્ણજથ્થાનું અને અશુદ્ધ ચૂનાખડકો અને માટીદ્રવ્યનું બનેલું હોય છે. કીટકો, ક્રસ્ટેશિયન પ્રાણીઓ, માછલીઓ, દેડકાં, કાચબા વગેરે જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓના અવયવરૂપી અવશેષો સહિત સ્વચ્છ જળનાં મૉલુસ્કકવચ તેમજ ઘણા વનસ્પતિ-અવશેષો તેમાં સમાવિષ્ટ થયેલા મળી આવે છે. આ પૈકીનાં ઉદાહરણો તરીકે આંતરટ્રૅપ સ્તરોનું અત્યંત લાક્ષણિક અને સર્વસામાન્યપણે પ્રાપ્ત એવું સ્વચ્છ જળનું જઠરપદી (gastropod) પ્રાણીકવચ, ફીસા (બુલિનસ) પ્રિન્સેપી સર્વત્ર મળેલું છે. અન્ય જીવાવશેષોમાં યુનિઓ, નટિકા, ટુરિટેલા, પ્યુપા ઇત્યાદિ તથા ક્રસ્ટેશિયન સાયપ્રિસ અને ઉપર ઉલ્લેખેલ પૃષ્ઠવંશીઓનાં અસ્થિ, ભીંગડાં, કવચ (ઢાલ) અને દાંત મળી આવેલાં છે. વનસ્પતિઅવશેષો પૈકી તાડ વિપુલ પ્રમાણમાં છે, જેમાં અસંખ્ય થડ અને શાખાઓ, પર્ણો અને ફળો, દ્વિદળ વૃક્ષોની અનેક ઉપજાતિઓ વગેરે મળી આવેલાં છે. ક્યાંક ક્યાંક સ્વચ્છ જળની લીલ, જલહંસરાજ તેમજ અન્ય જલીય વનસ્પતિઅવશેષોની સમૃદ્ધિ પણ ધ્યાન ખેંચે છે, જે સરોવરોમાંના સિલિકાયુક્ત પંકના બનેલા ચર્ટખડકમાં, સરસ રીતે જળવાયેલાં છે.
મુંબઈના મલબાર ટેકરી અને વર્લી વિસ્તારમાં આશરે 3૦ મીટરની જાડાઈવાળા સુબદ્ધ શેલ ખડકો બે લાવાપ્રવાહોની વચ્ચે આંતરટ્રૅપ સ્તર-સ્વરૂપે (વિવૃતિછેદો) મળે છે, જેમાં અસંખ્ય કર્બજનિત વનસ્પતિ, ઘણાં દેડકાં, કાચબા અને સાયપ્રિસનાં કવચ વગેરે જોવા મળ્યાં છે. એ જ પ્રમાણે, મધ્યપ્રદેશમાં છિંદવાડામાં પણ જીવાવશેષયુક્ત આંતરટ્રૅપ સ્તરોનો ખૂબ જ સમૃદ્ધ વિસ્તાર છે, જ્યાં સુંદર રીતે સિલિકાકરણ પામેલાં પર્ણો, પુષ્પો, ફળો, બીજ અને વનસ્પતિની ઘણી ઉપજાતિઓ વિપુલ જથ્થામાં જળવાયેલી સ્થિતિમાં મળે છે.
આંતરટ્રૅપ સ્તરો તેમજ ટ્રૅપ-નિમ્ન લેમેટા સહિતનો બેસાલ્ટ ટ્રૅપખડકોનો નમૂનેદાર ખડકછેદ નીચે મુજબના ક્રમમાં જોઈ શકાય છે :
1. સ્તરબદ્ધ બેસાલ્ટ, જાડાઈવાળો. પ્રત્યેક પ્રવાહ તેની ઉપલી-નીચલી સપાટીઓમાં બાષ્પજન્ય છિદ્રોવાળો (steam holes).
2. ચર્ટયુક્ત સ્તરો, લીડાઇટ, યુનિઓ, પેલ્યુડિના, સાયપ્રિસ અશ્મીભૂત કાષ્ઠ, – 1.5 મીટર જાડાઈ.
3. સ્તરબદ્ધ બેસાલ્ટ, જાડાઈવાળો.
4. અશુદ્ધ ચૂનાખડક, સ્તરરચનાવાળા ટફ વગેરે; સાયપ્રિસ, ફીસા (બુલિનસ) અને ખંડિત કવચ (shells) સહિત, – 2 મીટર જાડાઈ.
5. સ્તરબદ્ધ બેસાલ્ટ, જાડાઈવાળો.
6. સિલિકાયુક્ત ચૂનાખડક, રેતીખડક સહિત (લેમેટા), કેટલાક કવચ-ટુકડાઓ સહિત, – 6 મીટર જાડાઈ.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા