આંતરગ્રહીય માધ્યમ : ગ્રહો વચ્ચે આવેલું અવકાશી ક્ષેત્ર. આ માધ્યમ તદ્દન ખાલી જગા છે એવું નથી; એમાં વાયુ, રજ અને પરમાણુના કણો આવેલા છે. આ કણોની વ્યાપ્તિ ક્ષુદ્ર પ્રમાણની છે અને તેથી ગ્રહો સાથે અથડાઈને તે કશું નુકસાન પહોંચાડી શકે એમ નથી. અલબત્ત, એ દ્રવ્ય વિદ્યુતચુંબકીય તેમજ ર્દષ્ટિગત અસરો ઉપજાવી શકે છે.

સૂર્યમાંથી પ્રવાતના રૂપમાં વહી આવતા ઇલેક્ટ્રૉન અને પ્લાઝ્મા કણોનાં પાતળાં વાદળ દૂર દૂર સુધી પહોંચે છે. આ કણોની ઝડી પૃથ્વી પર ધ્રુવપ્રદેશોમાં મેરુજ્યોતિ ઉત્પન્ન કરે છે તેમજ રેડિયો-પ્રસારણમાં વિક્ષેપ નાખે છે.

આંતરતારકીય અવકાશમાંથી વહી આવતાં વિશ્વકિરણોના કણો તેમજ તારાઓમાંથી આવી પહોંચતાં પ્રોટૉન અને ભારે તત્વોનાં ન્યૂક્લિયસ, ધૂમકેતુએ પુચ્છના રૂપમાં ગુમાવેલા દ્રવ્ય ઉપરાંત લઘુગ્રહોનાં ઘર્ષણોને કારણે ઉત્પન્ન થતી ધૂળ પણ આંતરગ્રહીય માધ્યમની સંપત્તિ છે.

આમ છતાં આ અર્દષ્ટ માધ્યમની ઘનતા પૃથ્વી પર ઉત્પન્ન કરાતા સર્વશ્રેષ્ઠ શૂન્યાવકાશની ઘનતા કરતાં ઓછી છે.

છોટુભાઈ સુથાર