આંજિયો : જુવાર, ડાંગર તથા તમાકુમાં થતો રોગ. Sphacelotheca reiliana (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના ડૂંડાને આ રોગ થાય છે. બીજના અંકુરણ-સમયે આ ફૂગનો ચેપ લાગે છે, જે ડૂંડા અવસ્થામાં જ દેખાય છે. આ રોગયુક્ત છોડ વહેલો પરિપક્વ થઈ ઝાંખરાના રૂપમાં તરી આવે છે. ડૂંડાની જગાએ કાળો ભૂકો અને રેસાઓ જોવા મળે છે. રોગગ્રાહ્ય જાતના વાવેતર ઉપરાંત દર વર્ષે જુવારનું જ વાવેતર આ રોગનાં પ્રેરક બળો છે. રોગપ્રતિકારક જાતનું વાવેતર તથા ચાર વર્ષે એક જ વાર જુવારનું વાવેતર કરીને આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
Tolyposporium ehrenbergii (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના દાણાને લંબઆંજિયો કે અંગારિયો નામનો રોગ થાય છે. જમીન અને બીજ દ્વારા આ રોગ પ્રસરે છે. ફલીકરણ વખતે દાણામાં આનો ચેપ લાગે અને છૂટક છૂટક દાણાને અસર કરે છે. આ રોગથી દાણા લાંબા, નળાકાર, પોચા તથા ફૂગની પેશીઓના જાડા આવરણવાળા બને છે. રોગયુક્ત અને રોગગ્રાહ્ય બીજનું વાવેતર તથા દર વર્ષે જુવારનું જ વાવેતર આ રોગનાં કારણ ગણી શકાય. રોગપ્રતિકારક અને રોગમુક્ત વિસ્તારમાં બીજનું વાવેતર કરીને તથા રોગિષ્ઠ છોડનો નાશ કરીને આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
Sphacelotheca sorghi (Link) Clinton નામની ફૂગથી જુવારના દાણાનો આંજિયો અંગારિયો રોગ થાય છે. બીજમાં લાગેલ આના ચેપથી રોગ પ્રસરે છે, જે ફક્ત દાણા બેસે ત્યારે જ દેખાય છે. રોગિષ્ઠ દાણા જુદા તરી આવે છે. આ દાણા ફાટતાં તેમાંથી ફૂગના બીજાણુઓનો કાળો ભૂકો નીકળે છે, જે અન્ય દાણાને દૂષિત કરે છે. રોગગ્રાહ્ય બીજ તથા રોગવિસ્તારના બીજનું વાવેતર આ રોગનાં ઉદભાવક બળો છે. રોગમુક્ત વિસ્તારનાં બીજ તથા રોગપ્રતિકારક જાતનાં બીજ વાવેતર માટે ઉપયોગમાં લઈને અને બીજને ૦.6 %ના દરે બારીક ગંધકનો અથવા ૦.4 %ના દરે પારાયુક્ત દવાનો પટ આપવાથી આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
Ustilaginoidea virens Cke Takahashi નામની ફૂગથી આંજિયો કે ગલત આંજિયો નામનો રોગ ડાંગરમાં થાય છે. ડૂંડામાં દૂધિયા દાણા ભરાતા હોય ત્યારે આ રોગની શરૂઆત જોવા મળે છે. દાણાને બદલે પીળાશ પડતો ફૂગનો ગઠ્ઠો જોવા મળે છે, જે ધીરે ધીરે ચણાના દાણા જેવડો અને મખમલિયો થાય છે. આના ઉપર સફેદ પડ હોય છે, જે ફાટતાં લીલાશ પડતો ભૂકો બહાર નીકળે છે અને ખેતરમાં ફેલાય છે. વરસાદની હેલીવાળું ભેજયુક્ત વાતાવરણ આ રોગનું પ્રેરક બળ ગણાય છે. રોગમુક્ત વિસ્તારના બીજની પસંદગી કરીને બીજને ૦.3 %ના દરે પારાયુક્ત દવાનો પટ આપીને, તથા દાણા બેસવાના હોય ત્યારે ૦.3 % તાંબાયુક્ત દવા અથવા ૦.1 % ડાયફોલેટાન દ્રાવણ રૂપે 8થી 1૦ દિવસના અંતરે છાંટીને આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
Orobanche cernua Laefl. var. desertorum Beck અને O. indica નામની સપુષ્પ પરોપજીવી વનસ્પતિથી તમાકુમાં આંજિયો થાય છે, જેને વાકુમ્બો, આગિયો કે મકરવો પણ કહે છે. તમાકુ વર્ગની વનસ્પતિના મૂળ ઉપર સંપૂર્ણપણે જીવતી મૂળ, ડાળી કે પાન વગરની પણ થડ, ફૂલ અને સૂક્ષ્મ કાળા રંગનાં બીજ ધરાવતી આ વનસ્પતિ 2૦ વર્ષ સુધી પણ સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. બીજ ઊગ્યા બાદ યજમાન પાકના મૂળમાં પોતાનાં તંતુમૂળ નાખી, ખોરાક અને રસકસ ચૂસી લે છે. આંજિયા વનસ્પતિની ઊંચાઈ 2૦થી 4૦ સેમી. હોય છે. યજમાન પાકના મૂળ ઉપર આંજિયો છૂટાછવાયો કે જથ્થામાં પણ ઊગે છે અને તેના છોડને નબળો ને નિસ્તેજ બનાવી તેની વૃદ્ધિ અટકાવી દે છે. જમીનનો વધુ પડતો ભેજ તથા ઠંડી આ રોગનાં પ્રેરક બળો છે. વળી પવન, પાણી અને ખાતર મારફત તેનાં બીજ ફેલાય છે. આંજિયાનાં બીજ બેસતાં પહેલાં ઉખાડીને બાળી દેવાથી, સપ્ટેમ્બરના પાછલા દિવસોથી ઑક્ટોબર-નવેમ્બરમાં પિયત નહિ આપીને અને કરબડી કાઢીને ભેજ દૂર કરવાથી આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ