આંટિયા, ફીરોઝ (જ. 13 માર્ચ 1914; અ. 1965) : પારસી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. કૉલેજકાળ દરમિયાન નાનામોટા કાર્યક્રમોમાં વિશિષ્ટ અભિનયસૂઝ અને રમૂજવૃત્તિ દાખવનાર ફીરોઝ આંટિયા અદી મર્ઝબાન સાથે શરૂઆતમાં અનેક નાટકોમાં કુશળ નટ તથા દિગ્દર્શક અને પછી નાટ્યલેખક તરીકે ચમક્યા હતા.

1954માં ઇન્ડિયન નૅશનલ થિયેટરે ‘રંગીલો રાજા’ નાટક ફીરોઝ આંટિયાના દિગ્દર્શન નીચે રજૂ કર્યું. પછી તે દિગ્દર્શક તરીકે શિખરો સર કરતા જ ગયા. દિલ્હીમાં ઇનામ જીતનાર ચન્દ્રવદન મહેતાનું ‘માઝમરાત’, પ્રાગજી ડોસા લિખિત રાજ્ય પારિતોષિક જીતનાર ‘મંગળ મંદિર’ સૂરતની રજૂઆતમાં તેમનો સ્પર્શ પામી ઇનામ જીતનાર ‘છોરુ કછોરુ’, ‘ભલે પધાર્યા ફીરોઝશા’, ‘પદમણી’, ‘જમા ઉધાર’ અને સહુથી સફળ ‘બહેરામની સાસુ’ એમનાં જાણીતાં નાટકો. એકાંકીમાં કૃષ્ણા સાહીનાં બે એકાંકી ‘અભિનય અને અનુભવ’ તથા ‘ભગ્ન મંદિર’માં તેમણે નવી ર્દષ્ટિ દાખવી હતી.

દિગ્દર્શક તરીકે તેમની ખાસિયતોમાં અનશુદ્ધ (perfect) નાટ્યનિર્માણનો આગ્રહ, કલાકારને તેના પાત્રને લગતી ગતિસ્થિતિ, વગેરેનો આશય સમજાવી દરેકની પાસેથી ઉત્કૃષ્ટ કોટિનું કામ લેવાની કુનેહ, પાઠ મોઢે થયા પછી જ તાલીમપ્રયોગ (rehearsal) શરૂ કરવાનો નિયમ, શિસ્ત અને સંઘભાવનાનો આગ્રહ વગેરે ગણાવી શકાય.

195૦–6૦ દરમિયાન મુંબઈની નાટ્યસૃષ્ટિ પર તે છવાઈ ગયા હતા ‘બૈરાંઓની બલા’ અને ‘ચાલો ઝરપાઈએ’ એ બે ત્રિઅંકીથી શરૂઆત કરનાર આંટિયાનો એકાંકીના સ્વરૂપ ઉપર સારો હાથ બેઠો હતો. ‘હવે મને જોઈલેવ’ ‘બહેરામે શું કીધું’, ‘પૅપ્સી બહાર પડી’, ‘વાહ રે બહેરામ’, ‘અંતે આલી ફુઈ આયાં’, ‘દોડાદોડ’, ‘રંગીલો બહેરામ’ અને સૌથી વધુ વાર ભજવાયેલ ‘બહેરામની સાસુ’ તેમનાં યાદગાર નાટકો છે. તેમનાં એકાંકીઓમાં શ્રાવ્ય અંશ સાથે ર્દશ્ય પણ સચોટ ઊપસે એવું રચનાકૌશલ જોવા મળે છે.

પારસી રંગમંચને ફીરોઝ આંટિયાએ ધબકતો રાખ્યો હતો. સરળ અને રોજિંદી બોલચાલની ભાષાની સાથે જરા પણ અશ્લીલ તત્વ ન પ્રવેશે તેની તકેદારી રાખીને તેમણે મુક્ત હાસ્ય પ્રેરે તેવાં પ્રહસનો આપ્યાં હતાં. તેમનાં એકાંકીઓના બે સંગ્રહો પ્રગટ થયેલા છે.

1961માં તેઓ ઇન્ડિયન નૅશનલ થિયેટરમાંથી છૂટા થઈને પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલા. ત્યાંથી પાછા આવ્યા બાદ બે વર્ષે અવસાન પામ્યા.

પ્રબોધ જોશી