આંગણવાડી : ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે. આ પ્રકારની સંસ્થાઓનો લાભ બહુધા મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગના ભદ્રસમાજનાં બાળકોને મળતો હોય છે. પરિણામે શહેરોના ગરીબવિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, ગામડાંના વિસ્તારો, આદિવાસી લોકોના પ્રદેશો વગેરેમાં વસતી પ્રજાનાં બાળકોને પૂર્વપ્રાથમિક શિક્ષણનો લાભ મળી શકતો નથી. આવાં બાળકોને આરોગ્ય, સ્વચ્છતા, સુટેવો વગેરેનું શિક્ષણ આપવા, તેમને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમના આરોગ્યની માવજત કરવા અને નાનાં બાળકોની માતાઓ તથા સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત આહાર આપી તેમનું સ્વાસ્થ્ય સુધારવા તથા તેમને બાળકોનાં સંવર્ધન, પોષણ, દેખરેખ અને સારસંભાળની તાલીમ આપવાના ઉદ્દેશથી રાજ્યની સરકારે આંગણવાડીનો પ્રયોગ હાથ ધરેલ છે.
લોકો જ્યાં રહેતા હોય તે જગાએ તેમની વચ્ચે આંગણવાડી ચલાવવામાં આવતી હોય છે. એમાં ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને રમતગમત, ગીતગાન, વાર્તાકથન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા પોતાના જ ઘરના, ફળિયાના કે ચાલીના વિસ્તારના વાતાવરણમાં જ કેળવવામાં આવે છે. આંગણવાડીના શિક્ષકો, જે પૈકી મોટેભાગે બહેનો હોય છે, તેમને ત્રણથી છ માસની તાલીમ આપવામાં આવે છે. તેમની તાલીમમાં બાળકો સાથેનો વ્યવહાર તેમજ તેમની માતાઓ સાથે આદાન-પ્રદાન કરવાની રીતોનો સમાવેશ થાય છે. આમ આંગણવાડીનાં શિક્ષક-શિક્ષિકા ઘણાં પ્રેમાળ સામાજિક કાર્યકર બની રહેતાં હોય છે.
ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંઓ તેમજ રાજ્યની ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આંગણવાડીઓ ચલાવતી હોય છે. રાજ્ય સરકાર તરફથી આવી આંગણવાડીઓના નિભાવ માટે ઉદાર અનુદાન પણ આપવામાં આવે છે. શહેરી અને ગ્રામવિસ્તારનાં વંચિત વર્ગોનાં બાળકો અને તેમની માતાઓ માટે આંગણવાડી એક આશીર્વાદ છે.
રિખવભાઈ શાહ