આંખે દેખ્યો અહેવાલ (running commentary) : કોઈ પણ પ્રસંગવિશેષને ધ્વનિ અને શબ્દ કે ચિત્ર દ્વારા તત્ક્ષણ તાર્દશ રજૂ કરવો તે. સમયના વહેવા સાથે જે તે પ્રસંગનો અહેવાલ (commentary) ઉદઘોષકની આંખોએ જેવો દેખ્યો તેવો શ્રોતા-પ્રેક્ષકોના મનમાં યથાતથ ઊપસે અને એમને એમ પરોક્ષ રીતે પ્રસંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે તે આંખે દેખ્યો હેવાલ. પ્રજાસત્તાક દિન, કૃષ્ણજન્માષ્ટમી, રાજતિલકવિધિ, સરઘસો, સ્મશાનયાત્રા વગેરે જેવા પ્રસંગો કે રમતગમત, મકરસંક્રાંતિની વ્યક્તિગત પતંગ-હરીફાઈઓ જેવા સ્પર્ધાત્મક બનાવો, જેમાં અસંખ્ય લોકો સીધા સંકળાયેલા હોય અને બહુસંખ્ય લોકોને એ પ્રસંગ, વ્યક્તિ કે ઉત્સવમાં અપ્રત્યક્ષ પણ રસ હોય તેની ક્ષણેક્ષણનો સ્પર્ધાજન્ય રોમાંચ અથવા તો ઉજવણીઓની માહિતી આપવા આવા અહેવાલો અપાય છે. શ્રાવ્ય માધ્યમ (રેડિયો) હોય તો ધ્વનિ કે શબ્દો દ્વારા ચિત્રો ઉપસાવાય, અને ર્દશ્યશ્રાવ્ય (ટેલિવિઝન) માધ્યમ હોય તો ર્દશ્ય કહી આપે એ ઉપરાંત જરૂરી હોય એટલા જ શબ્દો કે ધ્વનિ ઉમેરવાના હોય. ઉદ્દેશ બંનેનો એક જ – ભાવકોને તત્ક્ષણ તત્સ્થાને હોવાનો અનુભવ કરાવવો તે. ક્યારેક એના મુદ્રિત અંશો સંકલિત કરીને પણ અપાય, જે ભાવકોને મોડા મળે તોપણ રસપ્રદ તો બને જ. આ કાર્યક્રમ ક્ષણે ક્ષણે બનતા સમાચાર કે માહિતી આપે છે અને તેથી પ્રસારણનો એ આગવો અને વિશિષ્ટ પ્રકાર છે. અખબાર કે સામયિક જેવાં મુદ્રણનાં, ફિલ્મો જેવાં વિતરણનાં સમૂહમાધ્યમોમાં આંખે દેખ્યો અહેવાલ પ્રકારગત વિશેષતાને લીધે શક્ય નથી. પ્રસારણના પ્રથમ સમૂહ-માધ્યમ-રેડિયોથી આવા અહેવાલોની શરૂઆત થઈ અને બ્રૉડકાસ્ટિંગની યંત્રવિદ્યા સરળ બનતાં એનો સુપેરે વિકાસ થયો. એ પછી ટેલિવિઝનની યંત્રવિદ્યા જંગમ બનતાં કોઈ પણ પ્રસંગવિશેષની રનિંગ કૉમેન્ટરી શક્ય બની. એના ઉદઘોષક(commentator)માં ભાષા પરના પ્રભુત્વ ઉપરાંત ભાવકને તાર્દશ ચિત્ર રસપ્રદ રીતે આપવાની, અને પોતાની આંખે ભાવકોને જોતા કરવાની શક્તિ હોવી જોઈએ.
ભારતના મહાન અને મેધાવી કૉમેન્ટેટર મેલ્વિલ ડી’મેલોનું કહેવું છે કે દસ મિનિટની રનિંગ કૉમેન્ટરી માટે એથી દસગણા સમયને આવરી લેવાની સજ્જતા આ કાર્યક્રમપ્રકાર માટે જોઈએ; છતાં ભાવકો માટે જે તે ક્ષણ જીવંત કરવા અને કુતૂહલને સંતોષવા ક્ષણેક્ષણનાં આશ્ચર્યો ઊભાં કરવા અને વ્યક્ત કરવાની એની શક્તિ જ ઉપયોગી થાય છે. સતત જાગ્રતતા, વિષયનું ઊંડું જ્ઞાન, સ્મૃતિ, જીવન પ્રત્યેનો રસાળ અભિગમ, ધ્વનિ-ચિત્રના માધ્યમની સમજ, શબ્દની શક્તિમર્યાદાની સમજણ વગેરે બાબતો આવા ઉદઘોષકનો સહાયરૂપ બને. એણે પ્રસંગવિશેષ માટે પૂરતી નોંધો પણ તૈયાર રાખવી જોઈએ, પણ એની તર્કબદ્ધ તથા રસપ્રદ રજૂઆત રનિંગ કૉમેન્ટરીનો પાયો છે. આવા અહેવાલના કેન્દ્રમાં એનો ઉદઘોષક નહીં પણ ભાવક છે; અને ઉદઘોષકની આંખે દેખ્યો તે અહેવાલ અપાતો હોવા છતાં ભાવકને પોતાની આંખે જે જોવાનું ગમ્યું હોત એનું ચિત્ર ઉદઘોષકે આપવાનું હોય છે. પ્રસારણનાં માધ્યમોનો જે દેશોમાં ખૂબ વિકાસ થયો છે એવાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ વગેરેમાંથી બી.બી.સી. કે વૉઇસ ઑવ્ અમેરિકાની રનિંગ કૉમેન્ટરીનો ઇતિહાસ બહુ રોમાંચક છે. ભારતમાં પ્રજાસત્તાક દિન કે ક્રિકેટ જેવી રમતોની રનિંગ કૉમેન્ટરી ખૂબ અપાય છે. ક્રિકેટની પ્રથમ રનિંગ કૉમેન્ટરીનું માન ઑસ્ટ્રેલિયાના લિયૉનેલ વૉટ(1922)ને મળે છે. 1927માં ઇંગ્લૅન્ડ અને વેલ્સ વચ્ચેની ક્રિકેટની રનિંગ કૉમેન્ટરી ટેડી વેકલામે આપી હતી. ભારતમાં 1934માં બૉમ્બે જિમખાના પરથી કર્નલ સેઠનાએ ક્રિકેટની પહેલી રનિંગ કૉમેન્ટરી આપી હતી. બૉબી તાલ્યારખાન એકલા જ પાંચ કલાકની રનિંગ કૉમેન્ટરી આપતા. એ પછી સાન્યાલ, વિજય મરચંટ, ચક્રપાણિ વગેરે પણ કૉમેન્ટરી આપતા થયા. ગુજરાતીમાં રમતગમતની રનિંગ કૉમેન્ટરી માટે પ્રબોધ જોષી, સુધીર તલાટી, સુરેશ મશરૂવાળા, ડી. ડી. દેસાઈ વગેરે જાણીતા છે. ગુજરાતમાં કૃષ્ણજન્માષ્ટમીની રનિંગ કૉમેન્ટરી દ્વારકા અને ડાકોરનાં મંદિરોએથી દર વર્ષે સામાન્ય રીતે અપાય છે. તેમાં નંદકુમાર પાઠક, ચંદ્રકાન્ત ભટ્ટ, ગિજુભાઈ વ્યાસ, ઇન્દુલાલ ગાંધી, વસુબહેન, રાજેન્દ્ર શુક્લ વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. મકરસંક્રાંતિની પતંગસ્પર્ધાની રનિંગ કૉમેન્ટરીના સૂરત, વડોદરા અને અમદાવાદ રેડિયોના સહપ્રસારણમાં ચંદ્રવદન મહેતા, સુબંધુ ત્રિવેદી, સાગર મિસ્ત્રી વગેરેએ રસપ્રદ સમય સર્જ્યો હતો. પ્રસારણના આ આગવા કાર્યક્રમપ્રકારનો વિકાસ પ્રસંગની વિશિષ્ટતા અને ઉદઘોષકની ર્દશ્યને તાર્દશ કરવાની વ્યક્તિગત શક્તિ પર આધારિત છે. એનામાં જેટલો વિશેષ પત્રકારનો ગુણ અને જેટલો સારો કલાકાર એટલી ઉત્તમ એની કૉમેન્ટરી અને એટલું સારું આ કાર્યક્રમપ્રકારનું ખેડાણ.
હસમુખ બારાડી