અહિવાસી, જગન્નાથ મુરલીધર

January, 2001

અહિવાસી, જગન્નાથ મુરલીધર (જ. 6 જુલાઈ 1901, વ્રજમંડળ, ગોકુળ, ઉત્તરપ્રદેશ; અ. 29 ડિસેમ્બર 1974, વારાણસી, ઉત્તરપ્રદેશ) : ભિત્તિચિત્રવિશેષજ્ઞ કળાકાર. પ્રાથમિક શિક્ષણ વારાસણીમાં. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ચિત્રકળાનો ડિપ્લોમા, મેયો સુવર્ણચંદ્રક અને ડૉલી ખુરશેદજી પુરસ્કાર સહિત મેળવ્યો. ભીંતચિત્રોના ગહન અધ્યયન માટે સરકારી શિષ્યવૃત્તિ મળેલી. 1931થી 1935 સુધી ફેલો અને 1956 સુધી જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કળાના અધ્યાપક અને ચિત્રકાર તરીકે કામ કર્યું. પછી જીવનના અંત લગી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વ્યાખ્યાતા તરીકે રહ્યા હતા. તેમણે ભીંતચિત્રોના અભ્યાસ માટે અજંતા–ઇલોરા–એલિફન્ટા અને બદામીની ગુફાઓમાં ઘણો સમય ગાળ્યો હતો. તાજા પ્લાસ્ટરમાં ચિત્રો બનાવવાની કળા તેમને સહજસિદ્ધ હતી. તે માટે તેમને ગ્લૅડસ્ટન સુવર્ણચંદ્રક (1935) તથા લલિતકલા અકાદમીનો વિશિષ્ટ સુવર્ણચંદ્રક એનાયત થયેલા (1956). તેમનાં ચિત્રો સિમલા આર્ટ સોસાયટી અને ઇંગ્લૅન્ડની રૉયલ આર્ટ સોસાયટીમાં પ્રદર્શિત થયેલાં. ઇંગ્લૅન્ડની રાણીના ચિત્રસંગ્રહાલયમાં, મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં, દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં, રાષ્ટ્રપતિભવનમાં, સંસદભવનમાં, ઉત્તરપ્રદેશ વિધાનસભાગૃહમાં – એમ અનેક જાહેર મહત્વનાં સ્થાનોએ તેમનાં ભીંતચિત્રો અંકિત થયેલાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશન તથા વ્રજભાષા સાહિત્ય સંમેલનના કલાવિભાગના તેઓ પ્રમુખ હતા. તેમણે વ્રજભાષાકીર્તનસંગ્રહનું સંપાદન કરેલું છે.

J. M. Ahivasi

જગન્નાથ મુરલીધર અહિવાસી

સૌ. "J. M. Ahivasi" | CC BY-SA 4.0

ચન્દ્રકાન્ત મહેતા