અહલ્યાબાઈ (જ. 31 મે 1725, જામખેડ, ચૌંડ, તા. બીડ, જિ. અહમદનગર; અ. 13 ઑગસ્ટ 1795, મહેશ્વર, ઈન્દોર, મધ્યપ્રદેશ) : કર્તવ્યપરાયણ, દાનશીલ, પ્રજાભિમુખ અને બાહોશ શાસક તરીકે ખ્યાતિ પામેલ સાધુચરિત રાણી. પિતા માણકોજી ચૌંડના મુખિયા હતા, માતા સુશીલાબાઈ ધર્મપરાયણ ગૃહિણી. ધાર્મિક સંસ્કારો અને હિંદુ રીતરિવાજોના ચુસ્ત વાતાવરણમાં અહલ્યાબાઈનો ઉછેર થયો હતો. લખવા-વાંચવા પૂરતું શિક્ષણ પરિવારમાં લીધું. આઠ વર્ષની વયે માળવાના સૂબેદાર મલ્હારરાવ હોળકરના એકમાત્ર પુત્ર ખંડેરાવ સાથે 1733માં તેમનાં લગ્ન થયાં અને એક વર્ષ બાદ તેમને સાસરે મોકલી દેવામાં આવ્યાં. 1745માં તેમને એક પુત્ર માલેરાવ અને 1748માં એક પુત્રી મુક્તા પ્રાપ્ત થયાં. વ્યસની અને શિકારનો શોખ ધરાવતા પતિ ખંડેરાવ 1754માં સૂરજમલ જાટ સાથેના કુંભેરી ખાતેના યુદ્ધમાં મરણ પામ્યા ત્યારે હિંદુ રિવાજ પ્રમાણે અહલ્યાબાઈ સતી થવા માગતાં હતાં, પરંતુ તેમના વૃદ્ધ સસરાએ તેમને સતી થવાના નિર્ણયમાંથી પરાવૃત્ત કર્યા અને અહલ્યાબાઈને સમજાવ્યું કે સતી થવાથી તેઓ એકલાં કદાચ મોક્ષ પામશે, પરંતુ યોગ્ય વારસદાર અને શાસકના અભાવે રિયાસતની પ્રજા રઝળતી થઈ જશે. મલ્હારરાવ જ્યારે જ્યારે પેશવાઓ દ્વારા લડાતાં યુદ્ધોમાં વ્યસ્ત રહેતા ત્યારે ત્યારે રિયાસતના શાસનનાં સૂત્રો અહલ્યાબાઈ કુશળતાપૂર્વક અને કુનેહથી સંભાળતાં. 1766માં મલ્હારરાવનું અવસાન થતાં અહલ્યાબાઈના પુત્ર માલેરાવને પેશવાઓએ સૂબેદાર બનાવ્યો, પરંતુ તે વ્યસની અને વિલાસી હોવાથી રાજ્યકારભાર ચલાવી શક્યો નહિ. હકીકતમાં ત્યારે પણ પ્રશાસનનું કામકાજ અહલ્યાબાઈ જ સંભાળતાં હતાં. 1766માં માલેરાવનું અવસાન થયા બાદ અહલ્યાબાઈએ તુકોજીરાવ નામના આપ્તયુવાનને લશ્કરના તથા યુદ્ધોના સંચાલનની જવાબદારી સોંપી અને નાગરિક પ્રશાસનની જવાબદારી પોતે સંભાળી. 1766માં અહલ્યાબાઈએ નર્મદા નદીના તટ પરના મહેશ્વર નામના તીર્થક્ષેત્રની રિયાસતના પાટનગર તરીકે પસંદગી કરી અને ત્યાં રહીને શાસન કરવા લાગ્યાં. મહેશ્વરનું પ્રાચીન નામ મહિષ્મતી હતું, જે ઇન્દોરથી 9૦ કિમી. અંતરે આવેલું છે. દરમિયાન રિયાસતના જે સરદારો અને આશ્રિતોને અહલ્યાબાઈના ગુણોની સાચી પરખ ન હતી તેમણે કાવતરાં શરૂ કર્યાં જેમાં ચંદ્રચૂડ નામનો સરદાર વધુ સક્રિય બન્યો અને તેણે પુણેના પેશવાઓના કાકા રાઘોબાનો સાથ લઈ અહલ્યાબાઈની રિયાસત પર આક્રમણ કરવાની યોજના બનાવી. તેની જાણ થતાં જ અહલ્યાબાઈએ નાગપુરના ભોંસલે, લશ્કર-ગ્વાલિયરના શિંદે, વડોદરાના ગાયકવાડ જેવી અગ્રણી મરાઠા રિયાસતોની મદદ માગી તથા પેશવાના દરબારમાં જાસૂસ મોકલી માધવરાવ પેશવા પાસે રાઘોબાની સામે દાદ માગી. માધવરાવનો પ્રતિસાદ અહલ્યાબાઈ તરફ હકારાત્મક હતો. બીજી તરફ અહલ્યાબાઈએ યુદ્ધનો સામનો કરવાની તૈયારી પણ કરી. ક્ષિપ્રા નદીના એક કાંઠા પર રાઘોબાની સેનાએ મોરચો બાંધ્યો તો બીજા કાંઠા પર અહલ્યાબાઈના લશ્કરે જમાવટ કરી. હોળકરની સેનાનું ખમીર જોઈ રાઘોબા નાસીપાસ થયા અને યુદ્ધ કર્યા વિના જ, અહલ્યાબાઈ સાથે સુલેહ કરીને પુણે પાછા જતા રહ્યા. 1788માં રામપુરના સરદારો અને ચંદ્રાવત રાજપૂતોનો બળવો પણ અહલ્યાબાઈએ આવા જ ખમીર સાથે નિરસ્ત કર્યો. રિયાસતમાંના ભીલ જાતિના આદિવાસીઓમાં પ્રશાસન પ્રત્યે જે અસંતોષ હતો તે કુનેહપૂર્વક દૂર કરવા અહલ્યાબાઈએ તેમની વાજબી માગણીઓ સ્વીકારી અને તેમની સાથે સુલેહનું વલણ અખત્યાર કર્યું. આ બધાં કારણે એક કુશળ, વ્યવહારુ અને નીડર પ્રશાસક તરીકે અહલ્યાબાઈની છાપ ઊભી થઈ.
અહલ્યાબાઈની લગભગ અઠ્ઠાવીસ વર્ષની પ્રશાસક તરીકેની કામગીરી દરમિયાન રિયાસતની આવકમાં નોંધપાત્ર વધારો થયો, કાયદાઓમાં પ્રગતિશીલ સુધારા દાખલ થયા, કરબોજ હળવો બનાવવામાં આવ્યો, ન્યાય સુલભ બને તે માટે પૂરતી સંખ્યામાં ઠેરઠેર યોગ્યતા ધરાવતા ન્યાયાધીશોની નિમણૂકો કરવામાં આવી, પડતર જમીન ખેડાણ હેઠળ લાવી કૃષિ-ઉત્પાદનમાં વૃદ્ધિ હાંસલ કરવામાં આવી અને ડાકુઓની કનડગત દૂર કરવા તેમના ખૂંખાર સરદાર મનરૂપસિંગને ફાંસી આપવામાં આવી.
પ્રજાભિમુખ અને ધર્મપરાયણ અહલ્યાબાઈએ રામેશ્ર્વર જેવાં ઘણાં તીર્થસ્થાનોમાં અન્નક્ષેત્ર શરૂ કર્યાં; અયોધ્યા, ઉજ્જૈન, નાથદ્વારા, નાસિક, પંઢરપુર, ચિત્રકૂટ, પુષ્કર, ગંગોત્રી અને કેદારનાથ જેવાં સ્થાનો પર નવાં મંદિરો બંધાવ્યાં અને કાશી, સોમનાથ, ગયા, પરળી વગેરે ખાતેનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો; બદરીનારાયણ, મથુરા, હરિદ્વાર, રામેશ્વર, અમરકંટક, ટેહરી, સપ્તશૃંગી જેવાં અનેક સ્થળો પર ધર્મશાળાઓ બંધાવી; કાશી, પ્રયાગ, કુરુક્ષેત્ર જેવાં તીર્થસ્થાનો પરની નદીઓ પર ઘાટ બંધાવ્યા; ઘણાં મંદિરો માટે વાર્ષિક સાલિયાણાની કાયમી જોગવાઈ કરી; ઘણી નવી સડકો બનાવી જેમાં કૉલકાતાથી બનારસ સુધીના રસ્તાના નિર્માણકાર્યનો પણ સમાવેશ થાય છે. શિવભક્ત હોવાથી દેશનાં બારે જ્યોતિર્લિંગો માટે તેમણે ઉદાર સખાવત કરી છે.
અમેરિકન લશ્કરી અધિકારી કર્નલ વાયલીના માર્ગદર્શનને આધારે અહલ્યાબાઈએ પાશ્ચાત્ય ઢબે પોતાના લશ્કરની પુનર્રચના કરી હતી.
અહલ્યાબાઈની સ્મૃતિમાં 1799માં મહેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠા પર એક ઘાટ તથા અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે