અહલુવાલિયા, જસબીરસિંઘ (જ. 5 ફેબ્રુઆરી 1935, લુધિયાણા, પંજાબ, અ. 19 એપ્રિલ 2019, ચંદીગઢ, પંજાબ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ., પીએચ.ડી. પંજાબ મુલકી સેવામાં અધિકારી. મહદંશે પંજાબીમાં પ્રયોગવાદના પ્રવર્તક તરીકે જાણીતા. માર્ક્સવાદ અને પ્રગતિવાદની અસરના પ્રતિકાર રૂપે આ વહેણ 195૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું હતું. અહલુવાલિયાએ પંજાબીમાં તેમના પર ‘પરયોગશીલ લેહર દા પીસ્ચોકાડ’ અને અંગ્રેજીમાં ‘ટ્રેડિશન ઍન્ડ એક્સપેરિમેન્ટ ઇન પંજાબી પોએટ્રી’ દ્વારા આ વહેણનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવ્યો છે. ‘પ્રયોગશીલ પંજાબી કવિતા’માં તેમણે આ પ્રકારનાં કાવ્યોનું સંપાદન કર્યું છે અને ‘કાગઝ કા રાવન’ તથા ‘કૂદ રઝા, કૂદ પરજા’ – એ બે કવિતાસંગ્રહો પ્રગટ કર્યા છે. પછી તો પ્રણાલિકામાં કે વર્તમાન પંજાબી જીવનમાં કોઈ મૂળિયાં ન હોવાને લીધે આ વહેણ અલ્પજીવી સાબિત થયું. પંજાબીમાં ‘શીખ ફલ્સ્ફી દી ભૂમિકા’ સહિત તેમણે શીખ દર્શનનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. સાહિત્યિક વિવેચના અને દર્શનમાં તેમનો અભિગમ વ્યવહારવાદનો રહ્યો છે.
ગુરુબક્ષસિંહ