અહમદશાહ–2 (જ. 1431; અ. 23 મે 1459) : ગુજરાતનો પાંચમો સુલતાન (શાસન 1451થી 1459). મૂળ નામ જલાલખાન. રાજ્યાભિષેક પછી કુત્બુદ્દુન્યાવદ્દીન અબૂલમુઝફ્ફર અહમદશાહ નામ ધારણ કર્યું હતું. ઈ. સ. 1451માં પિતા મુહમ્મદશાહ બીજાના અવસાન પછી વીસ વર્ષની વયે ગાદીએ આવ્યો. ગાદીએ બેસતાં જ માળવાના સુલતાન મહમૂદ ખલજીના આક્રમણનો સફળ સામનો કર્યો. તે પછી ચિતોડના રાણા કુંભા ઉપર ચડાઈઓ દરમિયાન રાણા પાસેથી આબુ જીતી લઈ તેના મૂળ માલિક સિરોહીના રાજાને સોંપ્યું. ચિતોડના અભિયાન પરથી પાછા ફરતાં તબિયત બગડી અને મૃત્યુ પામ્યો. એક માન્યતા અનુસાર તેની રાણીએ તેને ઝેર આપી મરાવી નાખ્યો હતો. અમદાવાદના માણેકચોકમાં આવેલા બાદશાહી હજીરામાં પિતા અને પિતામહ પાસે તેને દફનાવવામાં આવ્યો હતો. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ઈ. સ. 1451માં તેણે બંધાવ્યું હતું. અહમદશાહ બીજાના સિક્કાઓ મર્યાદિત સંખ્યામાં મળે છે. અત્યાર સુધીમાં ચાંદીનો એક, તાંબાના થોડા અને ચાંદી-તાંબા-મિશ્રિત ધાતુ(bullion)ના જૂજ સિક્કાઓ મળ્યા છે.
અહમદશાહ બીજાને તેના ભાઈ ફતેહખાન(પાછળથી સુલતાન મહમૂદ બેગડો)ના કારણે અમદાવાદના પ્રખ્યાત સંત સૈયદ મુહમ્મદ શાહઆલમ સાથે સંઘર્ષ થયો હોવાનું અમુક ઇતિહાસકારો નોંધે છે, પણ સંતના મલ્ફૂઝ ‘જુમઆ તે શાહિયા’માં આ વિશે કંઈ ઉલ્લેખ નથી; એટલું જ નહિ, પણ તેમાં સંતની પ્રશંસામાં સુલતાનરચિત ગુજરી (આદ્ય ઉર્દૂ) ભાષાના કાવ્યની બેએક પંક્તિઓ પણ આપી છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ