અહમદશાહ–1 (જ. 1391–92, દિલ્હી; અ. 12 ઑગસ્ટ 1442, અમદાવાદ) : ગુજરાતનો ત્રીજો સુલતાન. નામ અહમદખાન. ઈ. સ. 1411ના જાન્યુઆરી માસની 10મી તારીખે પોતાના પિતામહ મુઝફ્ફરશાહ પહેલાને ઝેર અપાવી વીસ વર્ષની વયે ગાદીએ બેસીને પોતે નાસિરુદ્દીન્યાવદ્દીન અબૂલ-ફતહ અહમદશાહ નામ ધારણ કર્યું હતું. રાજ્યારોહણના વર્ષમાં જ સાબરમતીને તીરે આસાવલના સાન્નિધ્યમાં નવું શહેર અમદાવાદ સ્થાપી તેને રાજધાની બનાવી. શાસનકાળના પ્રારંભમાં જ અસંતુષ્ટ કાકાઓ તથા અમીરોના વિદ્રોહો, તેમની મદદે બોલાવેલો માળવાનો સુલતાન આવે તે પહેલાં પોતે જ શમાવીને તેણે શૌર્ય અને કાર્યદક્ષતાની ધાક બેસાડી હતી. આ તરફથી નિરાંત મળતાં આક્રમણકારી નીતિ અપનાવીને ઇડર, ઝાલાવાડ, સોરઠ, મેવાડ, નાગોર, માળવા, દખ્ખણ ઇત્યાદિના રાજાઓ સાથે અવારનવાર યુદ્ધ કરીને ગુજરાત રાજ્યને સંગીન બનાવ્યું.
32 વર્ષના લાંબા શાસન પછી ઈ. સ. 1442માં તેનું મૃત્યુ થતાં અમદાવાદમાં માણેકચોકમાં આવેલા અને તેણે બંધાવેલા ભવ્ય હજીરામાં તેને દફન કરવામાં આવ્યો.
રાજ્યકાળનો મોટો સમય લડાઈઓમાં વ્યતીત થયો હોવા છતાં તેનો રાજ્યવહીવટ સુવ્યવસ્થિત હતો અને તેના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી. જમીન મહેસૂલની વાંટા પદ્ધતિ તેણે પ્રથમ દાખલ કરી હતી, જે સલ્તનતના અંત સુધી ચાલુ રહી હતી. આ પદ્ધતિ અનુસાર દરેક ગામની જમીનનો ત્રણચતુર્થાંશ ભાગ (તળપદ) રાજ્યમાલિકીનો અને એકચતુર્થાંશ ભાગ (ગરાસ) સ્થાનિક જમીનદારોની માલિકીનો નક્કી કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હાથમતી નદીને તીરે અહમદનગર (હાલ હિંમતનગર, જિ. સાબરકાંઠા) શહેર પણ વસાવ્યું હતું. તેના તાંબાના સિક્કાઓ ઠીક ઠીક સંખ્યામાં અને ચાંદીના સિક્કાઓ મર્યાદિત સંખ્યામાં મળે છે.
અહમદશાહનું ખાનગી જીવન સાદાઈભર્યું અને સદાચારી હતું. ઇતિહાસકારો તેની ન્યાયપ્રિયતાનાં વખાણ કરે છે. ધર્મશાસ્ત્રોનું પણ તેને સારું જ્ઞાન હતું તેમ સુલતાનના ગુરુ જેવા સરખેજના સંત શેખ અહમદ ખટ્ટૂના ‘મલ્ફૂઝ’ પુસ્તક પરથી પ્રતીત થાય છે. તેની ઉજ્જ્વળ કારકિર્દીને લઈને અહમદશાહની ગણના ભારતના પ્રખ્યાત રાજવીઓમાં થાય છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ