અહમદશાહનો રોજો : અમદાવાદમાં માણેકચોકમાં જામે મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો. તે બહુ મોટા નહિ તેવા વંડામાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર બંધાયેલો છે. મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને તેમની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુજૈન શૈલીનો સપ્રમાણ સુંદર અર્ધવર્તુલીય મોટો ઘુમ્મટ છે. રોજાનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ પડે છે. વચલા ખંડમાં અહમદશાહ પહેલા તેમજ તેના પુત્ર અને પૌત્રની કબરો છે. બાજુના ખંડોમાં શાહી કુટુંબના સભ્યો કે તેમના વંશજોની કબરો છે. આખા સંકુલનો ભવ્ય દરવાજો પૂર્વ તરફ રાણીના હજીરાના એવા જ ભવ્ય દરવાજાની સામે પડે છે. રોજાની દક્ષિણે લંગરખાનું (સદાવ્રત) છે, જ્યાં દરરોજ ખીચડી રંધાઈ ગરીબગુરબાંને વહેંચવામાં આવે છે. તેની બાંધણી કલાત્મક સમપ્રમાણતાનો ઉત્તમ નમૂનો છે. તેની હૃદયંગમ ભાતોવાળી જાળીઓ પણ ઉલ્લેખનીય છે. રોજાનું સમારકામ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ઈ. સ. 1538માં ફર્હતુલ-મુલ્ક નામના અમીરે કરાવ્યું હતું તેમ મધ્યખંડના દ્વાર પર મૂકેલા અભિલેખ પરથી જાણવા મળે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ