અહતિસારી, માર્ટી (જ. 23 જૂન 1937, વાઇપુરી, ફિનલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 2023 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ (1994–2008), મુત્સદ્દી અને વર્ષ 2008ના વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. 1973–77 દરમિયાન તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, સોમાલિયા અને મોઝામ્બિક ખાતે ફિનલૅન્ડના રાજદૂત રહી ચૂક્યા હતા. તેમના દાદાના વખત સુધી તેમની અટક ઍડૉલ્ફરોન હતી, જે 1935માં અહતિસારીમાં ફેરવી નાંખવામાં આવી. એ પરિવારનું મૂળ વતન દક્ષિણ નૉર્વે. 1929માં તેમના દાદાએ ફિનલૅન્ડનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. તેમના પિતા ઑઇવા દેશની સેનામાં મિકૅનિક હતા. તેમની માતાનું નામ ટીની હતું. તેમનું બાળપણ કુઓપિયો નગરમાં વીત્યું, જ્યાં તેમણે શરૂઆતનું શિક્ષણ લીધું હતું. 1952માં પિતાએ પરિવાર સાથે ઓઉલુ ખાતે સ્થળાંતર કર્યું, જ્યાં માર્ટી યંગમૅન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન(YMCA)માં જોડાયા. કૅપ્ટનના હોદ્દા (rank) સાથે તેમણે ફિનલૅન્ડના લશ્કરની નોકરી છોડી અને ઓઉલુ યુનિવર્સિટીના ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમમાં જોડાયા હતા. 1959માં તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. તેઓ ફિનલૅન્ડની સ્થાનિક ભાષા ઉપરાંત સ્વીડિશ, ફ્રેન્ચ, ઇંગ્લિશ અને જર્મન ભાષાઓ પણ જાણતા હતા.

વર્ષ 1960માં તેઓ પાકિસ્તાનના કરાચી નગર પહોંચ્યા, જ્યાં યંગ-મૅન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન દ્વારા સંચાલિત શારીરિક તાલીમ અભ્યાસક્રમના સંચાલક બન્યા હતા. 1963માં તેઓ ફિનલૅન્ડ પાછા ગયા અને હેલસિંકી પૉલિટૅકનિકમાં જોડાયા અને સાથોસાથ વિકાસશીલ દેશોને આર્થિક સહાય આપતી કેટલીક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા થયા હતા. 1965માં તેઓ દેશના વિદેશખાતામાં જોડાયા જ્યાં સમય જતાં તેઓ ઉપાધ્યક્ષ (assistant head) બન્યા હતા. એપ્રિલ, 1989માં તેમને રાષ્ટ્રસંઘના ખાસ પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રસંઘ ટ્રાન્ઝિશન આસિસ્ટન્ટ્સ ગ્રૂપ(UNTAG)ના મુખ્ય અધિકારી તરીકે નામિબિયા મોકલવામાં આવ્યા હતા. તે અરસામાં ‘સ્વૅપો’ (SWAPO) દ્વારા નામિબિયામાં ઘૂસણખોરી કરવામાં આવી રહી હતી, જેને લીધે સશસ્ત્ર નામિબિયા અને ‘સ્વૅપો’ વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. 1989માં અહતિસારીને નામિબિયામાં કરેલ કામની કદર રૂપે નામિબિયાનું માનાર્હ નાગરિકત્વ અર્પણ કરવામાં આવ્યું હતું. વળી, મુત્સદ્દી તરીકે તેમની કામગીરી અને દક્ષિણ આફ્રિકાની સ્વાધીનતા માટે તથા વિશ્વશાંતિ માટેના તેમના સઘન પ્રયાસોની કદર કરવા માટે દક્ષિણ આફ્રિકાએ તેમને ઓ. આર. રામ્બો ઍવૉર્ડથી સન્માન્યા હતા.

Martti Ahtisaari

માર્ટી, અહતિસારી

સૌ. "Martti Ahtisaari" | CC BY 2.5

1993માં અહતિસારીએ રાષ્ટ્રાધ્યક્ષની ચૂંટણી માટે સોશિયલ ડેમૉક્રેટિક પક્ષની ઉમેદવારીનો સ્વીકાર કર્યો હતો. તેમની સ્વચ્છ રાજકીય છબી અને ભવિષ્યના ફિનલૅન્ડ માટેનું તેમનું સ્વપ્ન (vision) – આ બે પરિબળોને કારણે રાષ્ટ્રાધ્યક્ષની ચૂંટણીમાં તેમને વિજય સાંપડ્યો અને એ રીતે ફિનલૅન્ડના દસમા રાષ્ટ્રાધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ (1994–2000) હતી. તેમણે યુરોપીય સંઘમાં ફિનલૅન્ડની સામેલગીરીની તરફેણ કરી અને તે માટે 1994માં થયેલા સાર્વત્રિક મતદાનમાં તેમની આ અંગેની વિચારસરણીનો 56 ટકા મત સાથે વિજય થયો હતો. તેમની રાષ્ટ્રાધ્યક્ષ તરીકેની કારકિર્દીમાં દેશની આંતરરાષ્ટ્રીય બાબતોના સંદર્ભમાં જે બે બનાવ નોંધપાત્ર ગણવામાં આવ્યા તેમાં પ્રથમ બનાવ તે હેલસિંકી ખાતે રશિયાના સર્વોચ્ચ નેતા બૉરિસ યેલ્તસિન અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ બિલ ક્લિન્ટનની મુલાકાત અને બીજો બનાવ તે 1999માં યુગોસ્લાવિયાના કેસોવા પ્રાંતમાં ફાટી નીકળેલ ગૃહયુદ્ધનો અંત લાવવામાં અહતિસારીએ ભજવેલ ભૂમિકા ગણાય છે. દેશના રાષ્ટ્રાધ્યક્ષ-પદ માટેની વર્ષ 2000માં થયેલ ચૂંટણીમાં તેમણે ઉમેદવારી કરી ન હતી. રાષ્ટ્રાધ્યક્ષ-પદ ખાલી કર્યા પછી માર્ટી અહતિસારીએ વિશ્વશાંતિ માટેની ઝુંબેશમાં સક્રિય ભાગ ભજવ્યો અને તેના અનુસંધાનમાં ‘ક્રાઇસિસ મૅનેજમેન્ટ ઇનિશિયેટિવ’ (CMI) નામની સંસ્થાની સ્થાપના કરી હતી.. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુલેહની સ્થાપનાના ક્ષેત્રમાં તેમની સક્રિય અને હકારાત્મક ભૂમિકા માટે ડિસેમ્બર, 2000માં તેમને ફુલબ્રાઇટ ઍસોસિયેશન દ્વારા ‘જૉન ફુલબ્રાઇટ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. ઉત્તર આયર્લૅન્ડમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે તેમણે કરેલ પ્રયાસોની પણ સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. નવેમ્બર, 2005માં રાષ્ટ્રસંઘના મહામંત્રી કોફી અન્નાન દ્વારા, કોસોવો પ્રાંતનું ભાવિ નક્કી કરવા માટે અહતિસારીની સ્પેશિયલ ઍન્વૉય (ખાસ રાજદૂત) તરીકે નિમણૂક કરી હતી, જે આંતરરાષ્ટ્રીય વિવાદોમાં તેમના તાટસ્થ્યની સાબિતી ગણાય છે. જુલાઈ, 2007માં તેમણે સ્વેચ્છાથી આ પદ પરથી નિવૃત્તિ સ્વીકારી હતી. અમેરિકાએ ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેન સામે સશસ્ત્ર સંઘર્ષની જે નીતિ અખત્યાર કરી હતી તેને માર્ટી અહતિસારીએ ટેકો જાહેર કર્યો હતો.

વર્ષ 2000માં તેમને ચાર સ્વાધીનતા ઍવૉર્ડ એનાયત થયા હતા. તે વર્ષે તેમને ‘હેસેન શાંતિ પુરસ્કાર’, વર્ષ 2008માં યુનિવર્સિટી કૉલેજ, લંડન દ્વારા માનાર્હ પદવી અને તે પછી યુનેસ્કો દ્વારા ‘ફેલિક્સ હૉફેટ–બૉઇગ્ની શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર, 2008માં તેમને વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે