અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે પુનરાવર્તી (recurrent) હોઈ શકે. ઈજા જોકે સૌથી મહત્વનું કારણ હોય છે. કોઈ પણ સાંધાનાં હાડકાં ખસી જઈ શકે, પરંતુ સામાન્યત: ખભો, કોણી, ઘૂંટી (ankle) અને આંગળીના વેઢાના (interphalangeal) સાંધા વધારે પ્રમાણમાં વિચલિત થાય છે. ઘણી વખત અસ્થિભંગ અને વિચલન સાથે પણ થાય છે. તેને અસ્થિભંગ-વિચલન (fracture-dislocation) કહે છે. સંધિબંધ (ligaments) અને સંપુટિ(capsule)ને ઈજા પહોંચે ત્યારે વચ્ચે તૂટ પડતાં, હાડકું ખસી જાય છે. ક્યારેક આસપાસના સ્નાયુઓ અન્ય કાર્યમાં રોકાયેલા હોય ત્યારે સાંધાને જરૂરી ટેકો આપવાનું તે ચૂકી જાય છે. તેને કારણે પણ સાંધો ઢીલો પડતાં હાડકું ઊતરી જાય છે. દા.ત., આંચકી આવે ત્યારે કોઈ વાર ખભાનું હાડકું ઊતરી જાય છે.

વિવિધ પ્રકારનાં અસ્થિવિચલનો : (1) નીચલા જડબાનું વિચલન, (2) કરોડના મણકાનું વિચલન, (3 અને 4) ખભાના સાંધાનું વિચલન, (5) કટિના સાંધાનું વિચલન, (6) ઘૂંટીનું વિચલન, (7) કોણીનું વિચલન, (8) ઘૂંટણનું વિચલન, (૯) અંગૂઠાના હાડકાનું વિચલન.

અસ્થિવિચલનને કારણે કેટલીક આનુષંગિક તકલીફો (complications) ઊભી થાય છે. (1) લોહીની ધમનીઓ અને ચેતા જેવી મૃદુપેશીઓને ઈજા થાય છે; (2) સાંધા ઉપરની ચામડીને ઈજા થઈ હોય અને ખુલ્લું વિચલન થયું હોય ત્યારે તેમાં ચેપ લાગી જાય છે; (3) હાડકાના સંધિકારી (articulating) છેડાને લોહી મળતું બંધ થઈ જાય ત્યારે તેનો અવાહિક અસ્થિનાશ (avascular necrosis of bone) થાય છે; (4) સતત રહેતી અસ્થિરતાને કારણે પુનરાવર્તી વિચલન કે ઉપવિચલન થાય છે. (5) સાંધાની અંદર કે આસપાસ ચોંટણરેસા (adhesions) થઈ જાય તો સાંધો અક્કડ થાય છે અને (6) સંધિકારી કાસ્થિ(articular cartilage)ને ઈજા પહોંચે છે. તેને પરિણામે અસ્થિસંધિશોથ (osteoarthritis) પણ થાય છે.

fractures and dislocations

અસ્થિવિચલન

સૌ. "fractures and dislocations" | Public Domain, CC0

ખસી ગયેલાં હાડકાંને બેસાડી, સંધિબંધ અને સંપુટિ જેવી મૃદુપેશીઓની ઈજા રુઝાય ત્યાં સુધી સાંધાને સ્થગિત (immobilize) કરવામાં આવે છે. આ રીત નિષ્ફળ જાય તો શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડે છે.

પ્રબોધ દેસાઈ

અનુ. હરિત દેરાસરી