અસ્થિવિચલન, પુનરાવર્તી : હાડકાનું વારંવાર ખસી જવું તે. શરૂઆતમાં ક્યારેક ખસી ગયેલું હાડકું સંધિબંધ (ligament) અને સંધિસપાટીઓ(articular surfaces)ને એવી ઈજા પહોંચાડે છે કે તેથી તે સાંધાનું હાડકું વારંવાર ખસી જાય છે. અગાઉની આ ઈજા જોરદાર હોવી જરૂરી નથી અને મોટેભાગે ખૂબ જોરથી થયેલી ઈજા બાદ, પુનરાવર્તી અસ્થિવિચલન થતું પણ નથી. આ વિકારનું મુખ્ય કારણ ઈજાનો પ્રકાર છે. વારંવાર થતું વિચલન, ખભાનો સાંધો (મોટેભાગે), વક્ષાસ્થિ-હાંસડીનો (sternoclavicular) સાંધો, ઢાંકણી(patella)-ઢીંચણનો સાંધો, ઘૂંટી(ankle)નો સાંધો વગેરેમાં જોવા મળે છે.

ખભાના સાંધામાં ભુજાસ્થિનું વારંવાર થતું વિચલન
ખભાના સાંધાના આ વિકારના 95 % દર્દીઓ 2૦ વર્ષથી નીચેની વયના હોય છે. તેમને નાની ઈજાઓથી તેમજ દૈનિક કાર્યો દરમિયાન પણ આ સાંધો ઘણી વખત ખસી જતો હોય છે. દર્દી જાતે જ તેને બેસાડી દઈ શકે છે. દર્દીનો હાથ બહાર તરફ ખેંચી (abduction) તેને બહારની તરફ આમળવામાં આવે (lateral rotation) અને પાછળની બાજુ લઈ જવામાં આવે ત્યારે દર્દીને પીડા થાય છે. પરંતુ તે તેની સારવારરૂપ પ્રક્રિયા છે. પુનરાવર્તી અસ્થિવિચલન થાય ત્યારે સારવાર માટે ઈજા પામેલા અસ્થિબંધનું સમારકામ (repair) કરીને, સંપુટિ(capsule)ને સંવર્ધિત (reinforced) કરવામાં આવે છે. તેમ કરવાથી જે નબળા સ્થાનેથી વિચલન થયા કરતું હોય તે સ્થાન મજબૂત બની જાય છે.
સુંદરલાલ છાબરા
અનુ. હરિત દેરાસરી