અસ્થિભંગ, જંઘાસ્થિગ્રીવા (neck of femur) : નિતંબના સાંધા પાસેથી પગના (જાંઘના) હાડકાનું તૂટવું તે. વૃદ્ધાવસ્થા, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) કે ફેલાયેલા કૅન્સરની ગાંઠ જંઘાસ્થિની ડોક(ગ્રીવા)ને નબળી પાડે છે, તેથી તે સામાન્ય ઈજામાં પણ તૂટી જાય છે. સાંધાની અંદર થયેલો અસ્થિભંગ સંધિતરલ (synovial fluid) અને લોહીની ઓછી નસોને કારણે જલદી રુઝાતો નથી. જંઘાસ્થિના શીર્ષમાં મુખ્યત્વે તેની ગ્રીવા મારફતે લોહીની નસો ત્યાં પહોંચે છે.
તૂટેલા અને ખસી ગયેલા હાડકાના આ ભાગમાંથી જંઘાસ્થિ-શીર્ષમાં લોહી પહોંચતું અટકી જાય તો તેનો અવાહિક અસ્થિનાશ (avascular necrosis of bone) થાય છે. તેથી યોગ્ય સારવાર ઘણી આવશ્યક છે. જંઘાસ્થિગ્રીવાના અસ્થિભંગના નિતંબના સાંધાની અંદર (અંત:સંપુટી, intra-capsular) અથવા બહાર (બહિ:સંપુટી, extra-capsular), એમ બે પ્રકાર હોય છે. અંત:સંપુટી અસ્થિભંગમાં ઉપર જણાવેલ આનુષંગિક તકલીફો (complications) વધુ થાય છે. ઈજા પછી જો વૃદ્ધ વ્યક્તિને કમરમાં દુખાવો થાય અને તેનો પગ બહારની બાજુ ગોળ ફરીને (બહિશ્ચક્રસારી સંચલન, external-rotation) અકડાઈ ગયો હોય તો એક્સ-રે ચિત્રણ દ્વારા, જંઘાસ્થિગ્રીવાનો અસ્થિભંગ થયો છે, એમ નિદાન કરી શકાય. પહેલાંના સમયમાં નબળા અને અશક્ત વૃદ્ધો આ અસ્થિભંગ થયા પછીનાં એકબે અઠવાડિયાંમાં હૃદય, ફેફસાં કે મૂત્રપિંડની આનુષંગિક તકલીફોને કારણે મૃત્યુ પામતા. હાલ, આ અસ્થિભંગની શસ્ત્રક્રિયા એ તેની મુખ્ય સારવાર છે. હાડકું બેસાડવા માટે બેભાન કરાયેલા દર્દીના પગને કમર કે ઢીંચણ વાળ્યા વગર ઉપર તરફ ખેંચવામાં આવે છે. ત્યારબાદ તેને અંદરની બાજુ ગોળ (અંતશ્ચક્રસારી સંચલન, internal rotation) ફેરવવામાં આવે છે. છેલ્લે જાંઘ સીધી કરી (extension) બહારની તરફ (અપસારી સંચલન, abduction) ખેંચવામાં આવે છે. પગના તળિયાને પાટિયા સાથે બાંધવામાં આવે છે. એક્સ-રેની મદદથી હાડકું બરાબર બેઠું છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે. ખીલી(nail)ની મદદથી તૂટેલા ભાગોનું અંત:સંધાણ કરવામાં આવે છે. અવશીર્ષી (sub-capital) અને ગ્રીવાના આડછેદી (transverse) અસ્થિભંગમાં ક્યારેક તૂટેલા જંઘાસ્થિ-શીર્ષને સ્થાને કૃત્રિમ શીર્ષ પણ બેસાડવામાં આવે છે. સફળ શસ્ત્રક્રિયા પછી નિતંબનો સાંધો દુખાવા-રહિત બનીને કામ કરતો થઈ જાય છે. હાલ શસ્ત્રક્રિયાની ઘણી નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. શસ્ત્રક્રિયા શક્ય ન હોય તેવા દર્દીઓને કર્ષણ(traction)ની મદદથી સારવાર આપવામાં આવે છે. તેમને અસ્થિભંગ જોડાય ત્યાં સુધી લાંબા ગાળા માટે, પથારીમાં પડી રહેવું પડે છે. જો તૂટેલા ટુકડાઓ યોગ્ય રીતે સામસામા (apposition) ગોઠવાયેલા હોય અને પૂરતા સમય સુધી કર્ષણ જાળવી રાખવામાં આવે તો અસ્થિભંગ સંધાઈ જાય છે.
સુંદરલાલ છાબરા
અનુ. હરિત દેરાસરી