અસ્થિભંગ, કોલિ(Colie)નો : કાંડા નજીકના અગ્રભુજા-(forearm)ના હાડકાનું ભાંગવું અને ખસી જવું તે. તેને પોટોનો (Pouteau’s) અસ્થિભંગ પણ કહે છે. સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. રૉયલ કૉલેજ ઑવ્ સર્જન(ડબ્લિન, આયર્લૅન્ડ)ના શરીર-રચનાશાસ્ત્ર (anatomy) અને શસ્ત્રક્રિયાવિદ્યાના પ્રાધ્યાપક અબ્રાહમ કોલિએ આ અસ્થિભંગને ‘ધી એડિનબરો મેડિકલ ઍન્ડ સર્જિકલ જર્નલ(એપ્રિલ, 1814)’માં વર્ણવ્યો હતો. પહોળા હાથ સાથે માણસ પડે ત્યારે કાંડાથી લગભગ 1 ઇંચના અંતરે અગ્રભુજાસ્થિ (radius) આડછેદથી (transversely) તૂટે છે. ક્યારેક અનુઅગ્રભુજાસ્થિ(ulna)નો પ્રવર્ધ (styloid process) પણ તૂટે છે. તૂટેલાં હાડકાં છ જુદી જુદી રીતે ખસી જાય છે. કાંડું પાછળ અને બહારની તરફ ખસી જઈ ભોજન સમયે વપરાતા કાંટા જેવા આકારની વિકૃતિ સર્જે છે. કાંડામાં સોજો અને દુખાવો થઈ આવે છે. અગ્રભુજાસ્થિ અને અનુઅગ્રભુજાસ્થિની દાંડીઓ એક સીધી લીટીમાં આવી જાય છે. તેનું એક્સ-રે ચિત્રણ, નિદાન માટે આવશ્યક છે. પ્રથમ દર્દીને બેભાન કરી બે વ્યક્તિઓ હાડકાના અંતર્બદ્ધ (impacted) ટુકડાને છૂટા કરવા હાથ અને અગ્રભુજાને સામસામે ખેંચે છે.

આકૃતિ 1 : ભોજનના કાંટાના જેવી વિકૃતિ કરતો કોલિનો (કાંડાનો) અસ્થિભંગ

આકૃતિ 2 : કોલિના અસ્થિભંગની સારવાર માટે પ્લાસ્ટર વડે કાંડા અને હાથને સ્થગિત કરવાની સ્થિતિ : 1. બાજુ પરથી, 2. પાછળથી, 3. આગળથી

ત્યારબાદ અગ્રભુજાને અવળી (pronation) કરી, મદદનીશ જ્યારે બંને બાજુ ખેંચવાનું ચાલુ રાખે છે ત્યારે દાક્તર અગ્રભુજાસ્થિના તૂટેલા છેડાને આગળ અને અનુઅગ્રભુજાસ્થિ તરફ ધકેલે છે. શરૂઆતના થોડા દિવસ પ્લાસ્ટરનો ટુકડો (slab) મૂકીને પાટો બાંધવામાં આવે છે અને સોજો ઊતરે તે પછી છ અઠવાડિયાં માટે કોણીથી સહેજ નીચેથી હથેળી સુધીનું પ્લાસ્ટર લગાવવામાં આવે છે. એક્સ-રે ચિત્રણથી હાડકું બરાબર બેઠું છે એમ નિશ્ચિત કરવામાં આવે છે. ઝોળીની મદદથી હાથ ઊંચો રાખવામાં આવે છે. આંગળાં, અંગૂઠો, કોણી અને ખભાની નિયમિત કસરત કરવાની હોય છે. આંગળાંના નખ ભૂરા ન પડે તેની તકેદારી રખાય છે. પ્લાસ્ટર છોડ્યા પછી અગ્રભુજા અને કાંડાને કસરત તથા શેક વડે પુન: કાર્યાન્વિત કરાય છે. ક્યારેક અન્ય અસ્થિભંગ જેવી આનુષંગિક તકલીફો પણ થાય છે.

સુંદરલાલ છાબરા

અનુ. હરિત દેરાસરી