અસ્થિભંગ (fracture of a bone) : હાડકાનું ભાંગવું તે. અસ્થિભંગના કેટલાક પ્રકારો છે; દા.ત., ઉપરની ચામડી જો અકબંધ રહી હોય તો તેને સાદો (simple) અસ્થિભંગ કહે છે. આસપાસની પેશી તથા ચામડીમાં ઘા પડ્યો હોય અને તેથી અસ્થિભંગનું સ્થાન બહારના વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવે તો તેને ખુલ્લો (open) અસ્થિભંગ કહે છે. ખુલ્લા અસ્થિભંગમાં ચેપ જલદીથી લાગી જાય છે. ચેપ, ગાંઠ અથવા ચયાપચયી (metabolic) રોગને કારણે જો હાડકું પહેલેથી જ નબળું પડી ગયું હોય તો નજીવી ઈજા પણ અસ્થિભંગ કરી શકે છે. એને વ્યાધિજન્ય (pathological) અસ્થિભંગ કહે છે. નાનાં બાળકોનાં હાડકાં લીલી ડાળી જેવાં મૃદુ હોય છે. ઈજાને કારણે થતા અપૂર્ણ અસ્થિભંગને ‘હરિતશાખી અસ્થિભંગ’ કહે છે. હરિતશાખી અસ્થિભંગમાં હાડકું એક બાજુથી તૂટે છે જેથી તે બીજી બાજુ વાંકું વળી જાય છે. બે કે વધુ કટકા કરી નાખતા અસ્થિભંગને ‘વિઘટનકારી (comminuted) અસ્થિભંગ’ કહે છે. છૂટા પડેલા ભાગો કાં તો એકબીજાથી અલગ અલગ રહે છે, અથવા તો એકબીજામાં સજ્જડ રીતે ખૂંપી ભરાઈ જાય છે (અંતર્બદ્ધ અસ્થિભંગ, impacted fracture). ક્યારેક હાડકાના ઘણા નાના ટુકડા થઈ જાય છે (વિચ્છિન્ન અસ્થિભંગ, crushed fracture) અથવા તો તે નાના નાના ટુકડામાં વેરવિખેર થઈ જાય છે (ઉત્સ્ફોટ અસ્થિભંગ, burst fracture). (જુઓ આકૃતિ 1).
દુખાવો, સોજો, અંગોનો બદલાયેલો આકાર, સ્પર્શવેદના (tenderness), તૂટેલા હાડકાના બે ભાગોનું અસામાન્ય ચલન, લોહીનું વહેવું, આઘાત (shock), ચેતાતંત્રના અગત્યના અવયવો પર દબાણ આવવું, આસપાસની પેશીઓ અને ઉપરની ચામડીમાં ઈજા થવી વગેરે અસ્થિભંગનાં અગત્યનાં ચિહ્નો અને લક્ષણો છે.
એક્સ-રે ચિત્રણ એ અગત્યની નિદાન-કસોટી છે, જેનો હવે લગભગ દરેક કિસ્સામાં ઉપયોગ કરવામાં આવે છે. (1) આગળ-પાછળનું, (2) બાજુ પરનું, અને વિશિષ્ટ સંજોગોમાં (3) ત્રાંસું એક્સ-રેનું દૃશ્યચિત્ર જરૂરી બને છે. તૂટેલાં હાડકાંને બેસાડવા માટે તેમજ કાનૂની જરૂરિયાતને કારણે પણ એક્સ-રે ચિત્રણ ઉપયોગી છે.
દર્દીની તબિયત અનુસાર તેને પ્રથમોપચાર (first-aid) અપાય છે. પીડા ન થાય અને આસપાસની પેશીઓને ઈજા ન પહોંચે તેવી રીતે તૂટેલા ભાગને સ્થગિત (immobilize) કરીને દર્દીને નિષ્ણાત પાસે લઈ જવો જરૂરી છે. લોહી વહી જવાથી કે દુખાવાથી દર્દીમાં આઘાતનાં ચિહ્નો કે લક્ષણો દેખાય તો તે લોહીનું દબાણ ઊંચું લાવવા પ્રયત્ન કરાય છે. તેને પીડાનાશક દવા આપીને પછી લોહી વહેતું અટકાવાય છે તથા બીજી ઈજાઓ થઈ હોય તો તેનું જોખમ વિચારીને, તેની જરૂરી સારવાર અપાય છે. દરેક હાડકાના વિવિધ અસ્થિભંગ માટે શાસ્ત્રીય પદ્ધતિઓ નિશ્ચિત કરવામાં આવી છે. તૂટેલા હાડકાને બેસાડવું એ એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત કસબ છે. મોટા ભાગના અસ્થિભંગ શસ્ત્રક્રિયા વગર જ બેસાડી શકાય છે. તે માટે ક્યારેક દર્દીને બેશુદ્ધ કરવાની અને/અથવા તેના સ્નાયુઓને દવાથી શિથિલ (relax) કરવાની જરૂર પડે છે. હાડકું બેસાડવા માટે પ્રથમ હાડકાને તેની લંબ ધરીને સમાંતર ખેંચવામાં આવે છે. અને તે સ્થિતિમાં તેના પર જે દિશામાંથી તોડનારું બળ (force) લાગ્યું હોય તેની બરાબર વિરુદ્ધ દિશામાં બળ (જોર) કરવામાં આવે છે. આવી રીતે બેસાડેલા હાડકાને તે જોડાઈ ન જાય ત્યાં સુધી તે જ સ્થિતિમાં સ્થગિત રાખવા માટે બાહ્ય ઉપકરણોથી જડબેસલાક બેસાડવામાં (fixation) આવે છે. તેને માટે પ્લાસ્ટર, પાટા, ઝોળી (sling), ચોંટણપટ્ટીઓ (strappings) અથવા કર્ષણ(traction)નો ઉપયોગ થાય છે. ગોઠવાયેલાં હાડકાંના ટુકડા ખસી ન જાય તે માટે તેમને સતત ખેંચી રાખવાની ક્રિયાને કર્ષણ કહે છે. જો ઉપર જણાવેલી પ્રક્રિયા નિષ્ફળ જાય અથવા શક્ય ન જ હોય તો શસ્ત્રક્રિયા વડે તૂટેલા હાડકાના ટુકડાને યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. શસ્ત્રક્રિયા વખતે ખીલા (nails), પટ્ટીઓ (plates) અને દંડ(rod)ની મદદથી ગોઠવાયેલા હાડકાના ટુકડાઓને બરાબર સંધાઈ જાય ત્યાં સુધી યોગ્ય સ્થાને રાખવામાં આવે છે. આને આંતરિક સંધાણ (internal fixation) કહે છે.
અસ્થિભંગની રુઝાવાની ક્રિયા કુદરતી છે. તેને ઝડપી બનાવવા માટેનું કોઈ પણ ઔષધ હજુ શોધાયું નથી. અસ્થિભંગ જોડાઈ જાય ત્યાં સુધી તૂટેલા ભાગોને બેસાડીને તે જ સ્થિતિમાં સ્થગિત કરવામાં આવે છે, તેથી સ્નાયુઓ અને સાંધા જકડાઈ જાય છે. અસ્થિભંગના જોડાણ પછી સ્થગિત કરાયેલ અંગના સ્નાયુઓ અને સાંધાઓને વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) વડે ફરીથી કામ કરતા કરાવવામાં આવે છે. હવે ગતિશીલ સ્થગિતકો (dynamic splints), પ્લાસ્ટર, ઉપાંગબંધ (braces) ઉપલબ્ધ છે. તેના વડે જોડાણ પછીનો વ્યાયામાદિ ચિકિત્સાનો સમય ટૂંકો થઈ શકે છે. આવી રીતે આંતરિક સંધાણ માટે પણ ગતિશીલ અંત:સ્થગિતકો (internal splints) શોધાયાં છે, જે યોગ્ય કિસ્સાઓમાં વાપરી શકાય.
જોડાણ માટેનો સમયાંતર ઉંમર, બંધારણ, લોહીનો પુરવઠો તથા અસ્થિભંગના પ્રકાર પર આધાર રાખે છે. સામાન્ય રીતે હાથ(upper limb)ના અસ્થિભંગ દોઢ મહિનામાં અને પગ(lower limb)ના અસ્થિભંગ ત્રણ મહિનામાં સંધાઈ જાય છે.
ક્યારેક આનુષંગિક તકલીફો (complications) પણ ઉદભવે છે. વધુ પડતું લોહી વહી જાય તો દર્દીને આઘાત લાગે છે. સ્નાયુ કચરાઈ જવાથી ઍસિડ – માયોહિમેટીન લોહીમાં ભળે છે જેથી મૂત્રપિંડ તેનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે. (મૂત્રપિંડી અપર્યાપ્તતા, renal failure). ક્યારેક લાંબા ગાળાના પથારીમાંના આરામને કારણે શિરાઓમાં લોહી જામી જાય છે અને તે જ્યારે દર્દી હરતોફરતો થાય ત્યારે છુટ્ટું પડી ફેફસાંની નસોમાં ગંઠાઈ જાય છે. ફેફસાંમાં જતું લોહી બંધ થઈ જાય તો ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે. આને ફેફસી-શલ્યસ્થાનાંતરતા (pulmonary embolism) કહે છે. હાડકામાં રહેલી મેદની પેશીઓમાંથી મેદ (fat) લોહી વાટે વહીને મેદશલ્યસ્થાનાંતરતા (fat embolism) કરે છે. તેનાથી શ્વસનની જીવનજોખમી તકલીફ સર્જાય છે. ક્યારેક ધનુર્વા (tetanus) પણ થાય છે. અસ્થિભંગને કારણે ક્યારેક આસપાસની ચામડી, સ્નાયુ, સ્નાયુબંધ (tendon), ચેતા (nerves) તથા ધમનીને પણ ઈજા પહોંચે છે. લોહીનો પુરવઠો ઓછો થાય તો વૉકમૅનની અરુધિરતા (Vockmann’s ischaemia) અથવા પેશીનાશ (gangrene) પણ થાય છે. ક્યારેક અસ્થિભંગનું જોડાણ (યુગ્મન, union) મોડું થાય (વિલંબિત, delayed), ન થાય (નિષ્યુગ્મન, non-union) અથવા ખોટી રીતનું પણ થાય (અપયુગ્મન, malunion) છે. ક્યારેક પાસેના અસ્થિસાંધા(joint)માં લોહી વહે તો રુધિરાસ્થિસંધિ (haemarthrosis) થાય છે. ક્યારેક સાંધો અસ્થિર (unstable) બને અથવા અક્કડ (stiff) થઈ જાય. પાછળથી અસ્થિસંધિશોથ (osteoarthritis) પણ થાય. ક્યારેક અસ્થિકારી સ્નાયુશોથ (myositis ossificans) પણ થાય. મહદંશે ઉપર જણાવેલી આનુષંગિક તકલીફોનું પ્રમાણ ઓછું થાય છે.
સુંદરલાલ છાબરા
અનુ. હરિત દેરાસરી