અસાવર્તિક ખનિજો (anisotropic minerals) : કુદરતમાં મળી આવતા તમામ ખનિજસ્ફટિકોના ભૌતિક ગુણધર્મો અને ભૌમિતિક સ્વરૂપોને આધારે ત્રણ વિભાગો પાડેલા છે. (1) ત્રણ સરખી લંબચોરસ અક્ષવાળો સમપરિમાણિત (isometric) વર્ગ. દા.ત., ક્યૂબિક સ્ફટિકવર્ગ, (2) બે કે ત્રણ સરખી ક્ષિતિજસમાંતર (horizontal) અક્ષવાળા કે ટેટ્રાગોનલ કે હેક્ઝાગોનલ સ્ફટિકો, જેમાં ત્રીજી કે ચોથી અસમ સ્ફટિક અક્ષ કે જે ક્ષિતિજસમાંતર અક્ષથી કાટખૂણે હોય છે એવો સમદ્વિપરિમાણિત (isodimetric) વર્ગ, (3) ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકોનો અસમસ્ફટિક અક્ષવાળો અસમપરિમાણિત (anisometric) વર્ગ. ઉપરના ત્રણે વર્ગો પૈકી સમપરિમાણિત વર્ગના ખનિજસ્ફટિકો કે જેમાં બાહ્ય દબાણ કે આંતરિક વિકૃતિને કારણે અણુસમતુલામાં ફેરફાર થયો હોતો નથી, તેમાં પ્રકાશ બધી જ દિશાઓમાં એકસરખી ગતિથી પસાર થાય છે. તે સાવર્તિક (સમદૈશિક) ખનિજો તરીકે ઓળખાય છે. ક્યુબિક વર્ગના ખનિજ- સ્ફટિકો તેમજ કાચ અને ઓપલ જેવા અસ્ફટિકો સાવર્તિક ખનિજો છે. સાવર્તિક ખનિજોના છેદ ધ્રુવીકારક સૂક્ષ્મદર્શક(polarising microscope)ના ક્રૉસ્ડ નિકોલ્સ હેઠળ નિરીક્ષણ-પરીક્ષણ દરમિયાન માઇક્રોસ્કોપ સ્ટેજ ફેરવતાં 3600ના પૂર્ણ ભ્રમણમાં કાયમી રીતે કાળા રહે છે. આ પ્રકાશીય લક્ષણ સાવર્તિકતા (isotropism) તરીકે ઓળખાય છે અને એવાં ખનિજો સાવર્તિક ખનિજો કહેવાય છે.

સમદ્વિપરિમાણિત અને અસમપરિમાણિત વર્ગના ખનિજસ્ફટિકો અસાવર્તિક હોય છે, કારણ કે તેમાં જુદી જુદી દિશાઓમાં પ્રકાશીય ગુણધર્મો જુદા જુદા હોય છે. ખાસ કરીને આવાં ખનિજોમાં સ્પંદન-દિશાઓમાં પ્રકાશીય ગતિ જુદી જુદી હોય છે. પરિણામે આ ખનિજો પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ પરીક્ષણ દરમિયાન સ્ટેજ ફેરવતાં ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચે કાયમ કાળાં રહેતાં નથી. ખનિજોની આ લાક્ષણિકતા અસાવર્તિકતા (anisotropism) તરીકે ઓળખાય છે, જ્યારે એવાં ખનિજોને એકાક્ષી અને દ્વિઅક્ષી એ પ્રમાણેના બે પ્રકારો હોય છે. (જુઓ એકાક્ષી અને દ્વિઅક્ષી ખનિજો).

વ્રિજવિહારી દીનાનાથ દવે