અસહકાર : અનિષ્ટ સામેના પ્રતિકારનું ગાંધીપ્રયુક્ત અહિંસક શસ્ત્ર. સત્ય અને અહિંસા જેમ અનાદિકાળથી ચાલ્યાં આવે છે તેમ અનિષ્ટ પણ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એના સ્વરૂપ વિશે જુદા જુદા ધર્મોની જુદી જુદી માન્યતાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મ અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે, જ્યારે હિંદુ ધર્મ તેને મિથ્યા તરીકે ઓળખાવે છે. જરથુસ્ટ્ર ધર્મની દૃષ્ટિએ એ અનાદિ છે, પણ અનંત નથી. તાઓ ધર્મ તેની ઉપેક્ષા કરવાનું કહે છે. ઇસ્લામ અનિષ્ટને સાપેક્ષ દૃષ્ટિએ મિથ્યા લેખે છે.
ઇષ્ટની જેમ જ અનિષ્ટનાં મૂળ પણ મનુષ્યચિત્તમાં રહેલાં છે. ઇષ્ટ પ્રવૃત્તિની જેમ અનિષ્ટ પ્રવૃત્તિ પણ અનેક લોકોના સહકારથી નભે છે. સમાજશરીરના અંગ રૂપે અનિષ્ટ સમાજમાં વ્યાપ્ત છે. તેની સાથે ધાર્મિક, આર્થિક વગેરે અનેક સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે એટલે એને સહેલાઈથી દૂર કરી શકાતું નથી. ઇષ્ટ અને અનિષ્ટને ગીતાએ મનુષ્યની દૈવી અને આસુરી વૃત્તિ તરીકે ઓળખાવ્યાં છે. જેમ સત્ય સામે અસત્ય ટકતું નથી, પ્રકાશ સામે અંધકાર ટકતો નથી તેમ અનિષ્ટને સહકારવિહોણું કરવાથી તે ઓગળતું જાય છે. અનિષ્ટ સાથે અસહકારનાં અનેક દૃષ્ટાંતો પ્રાચીન કાળથી આલેખાતાં આવ્યાં છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ‘પ્રહલાદે પોતાના રાક્ષસી પિતા સાથે અસહકાર કર્યો, મીરાંબાઈએ પોતાના ધણી સાથે, નરસિંહ મહેતાએ પોતાની નાત સાથે કર્યો’’. તુલસીદાસે સંત-અસંતનો ભેદ પાડીને બંને વચ્ચે મેળાપ ન હોય એમ બતાવી આપ્યું છે. એટલે હિંદુ ધર્મમાં તો ન્યાય-અન્યાય વચ્ચેનો મેળાપ સર્વથા ત્યાજ્ય છે એવું શિક્ષણ છે. અવેસ્તામાં અહુર્ મઝદ અને અહરિમાનનું દ્વંદ્વયુદ્ધ સદાય ચાલ્યા કરે છે.
વૈયક્તિક સંબંધોમાં અનિષ્ટ સામેના પ્રતિકારનું અનુપમ શસ્ત્ર હોવા ઉપરાંત રાજનૈતિક ક્ષેત્રે પણ અસહકાર એ પ્રતિકારનું ઉત્તમ સાધન છે. જનતાના સક્રિય સહકાર વગર કોઈ પણ સરકાર ટકી ન શકે. સત્યાગ્રહના એક મહત્વના અંગ તરીકે રાજનૈતિક ક્ષેત્રે અસહકાર આંદોલન ઉપાડતી વખતે ગાંધીજીએ જણાવેલું કે સૌથી નિરંકુશ શાસન પણ જનતાની સંમતિ વિના નથી ચાલી શકતું. એવી સંમતિ નિરંકુશ શાસક મોટે ભાગે બળપૂર્વક મેળવે છે. જનતા જે ઘડીએ સ્વેચ્છાચારી સત્તાનો ડર છોડી દે તે ઘડીએ સત્તાની શક્તિ ખતમ થાય છે.
જે સરકાર જનતાની ભાવનાઓને ઠોકરે મારી તેની સાથે અનૈતિક અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરે તે સરકારનો અસહકાર કરવો એ જનતાની ફરજ બની જાય છે. અસહકારના આ નિષેધાત્મક પાસાની સાથે તેનું એક વિધાયક પાસું એ છે કે લોકોમાં આંતરિક સહકારનો વિકાસ થવો જોઈએ. અન્યાય અને શોષણ પર ઊભેલી સામાજિક, રાજકીય કે આર્થિક વ્યવસ્થા સામેના અસહકાર સાથે લોકોમાં પરસ્પરના સહકારની નવી, ન્યાયી અને શોષણમુક્ત વ્યવસ્થા વિકસાવવાની શક્તિ પણ પેદા થવી જોઈએ, તો જ અસહકાર અસરકારક બને. ગાંધીજીએ કહેલું કે આ બધા જ પ્રકારનાં શોષણ શોષિતોના ઇચ્છિત કે અનિચ્છિત સહકાર પર જ નિર્ભર હોય છે. જો લોકો શોષકની આજ્ઞાનું પાલન કરવાનું બંધ કરી દે તો શોષણ થાય જ નહિ. પ્રાચીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થામાં પણ એ વાતનો નિર્દેશ છે કે રાજા પ્રજા પર જુલમ ગુજારે કે અન્યાય કરે તો પ્રજા જંગલમાં જવાની ધમકી આપે અને કર ભરવો બંધ કરી દે અથવા સામૂહિક રૂપે રાજ્ય છોડી જાય.
ગાંધીજીએ અસહકારના આંદોલન દ્વારા સત્યાગ્રહને વધુ ગતિશીલ બનાવ્યો. એમનાં આંદોલનોમાં અસહકારના ત્રણ પ્રકાર જોવા મળે છે : હડતાલ, બહિષ્કાર અને સવિનય કાનૂનભંગ. 1918માં અમદાવાદના મિલમજૂરોએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ પાડેલી હડતાલ પહેલા પ્રકારના અસહકારનું ઉદાહરણ છે. બીજા પ્રકારનું ઉદાહરણ 192૦-22માં ગાંધીજીએ દેશમાં ચલાવેલું અસહકારનું આંદોલન છે. એમાં સરકારી ઉપાધિઓ અને પદોનો ત્યાગ, સરકારી શાળા-કૉલેજોનો બહિષ્કાર, અદાલતોનો બહિષ્કાર, સરકારી નોકરીઓનો ત્યાગ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર વગેરે બાબતોનો સમાવેશ થયો હતો. એમાં નાકરનો વિચાર પણ થયેલો, જેનો પાછળથી અમલ થયેલો. ત્રીજા પ્રકારનો અસહકાર 193૦ના સવિનય કાનૂનભંગના આંદોલનમાં જોવા મળે છે. ગાંધીજીએ કહેલું કે, ‘‘થોડો વિચાર કરતાં એમ જણાય છે કે સવિનય કાનૂનભંગ અસહકારનું અનિવાર્ય અંગ છે. શાસનનાં આદેશ અને આજ્ઞાઓનું પાલન કરીને આપણે એને સહકાર આપીએ છીએ, પણ ખોટું શાસન આ પ્રકારના સહકારનું હકદાર નથી.’’ અને એમણે 193૦માં મીઠાના કાયદાના ભંગ સાથે સવિનય કાનૂન ભંગની લડત ઉપાડેલી.
અહિંસક અસહકારની કેટલીક મર્યાદાઓ છે. અસહકારીએ જાતે કષ્ટ સહન કરીને ન્યાય મેળવવાનો છે. અસહકારના આંદોલન દરમિયાન પ્રજાની શક્તિ તૂટવી ન જોઈએ પણ કષ્ટસહન દ્વારા આંતરિક શક્તિ વધવી જોઈએ, કષ્ટસહન દ્વારા પ્રજાનું નૈતિક બળ અને સંગઠનશક્તિ વિકસવાં જોઈએ. 192૦-22ના અસહકારના આંદોલનને સ્વયંસંચાલિત સંયોજનનું આંદોલન ગણાવીને ગાંધીજીએ એના નિષેધક અને વિધાયક પાસાં પર ભાર મૂકેલો. પોલીસ અને ફોજની નોકરી છોડનારને રાષ્ટ્રીય સ્વયંસેવક તરીકે એવી ફરજ અદા કરવા કહેલું. શિક્ષકોએ સરકારી શાળાઓ છોડીને રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનું કહેલું. સરકારી અદાલતો છોડનાર વકીલોને પંચાયતી અદાલતો દ્વારા સસ્તી અને ઝડપી ન્યાયપદ્ધતિ વિકસાવવા જણાવેલું. વિદેશી કાપડના બહિષ્કાર અને હોળી સાથે એમણે રેંટિયા દ્વારા ખાદી-ઉત્પાદનનો કાર્યક્રમ આપેલો. 193૦ના સવિનય કાનૂનભંગના આંદોલન વખતે ‘સવિનય’ શબ્દ પર વિશેષ ભાર મૂકીને ગાંધીજીએ જણાવેલું કે, ‘‘અવજ્ઞા સવિનય ત્યારે જ થાય જ્યારે એમાં સચ્ચાઈ હોય, એ આદરપૂર્ણ અને નિયંત્રિત હોય, દંભપૂર્ણ પડકારની ભાવનાથી મુક્ત હોય, કોઈ બરાબર સમજાયેલા સિદ્ધાંત પર આધારિત હોય અને આ સૌથી મહત્વની શરત છે એની પાછળ કોઈ દુર્ભાવના કે ઘૃણા ન હોય.’’ ’3૦ના આંદોલન વખતે પણ ’2૦-’22ના આંદોલન વખતના બધા જ મહત્વપૂર્ણ કાર્યક્રમો સામેલ કરવામાં આવ્યા હતા. 4 મે 193૦ના રોજ ગાંધીજી પકડાયા તે પછી કૉંગ્રેસે વિલાયતી ચીજો, વિલાયતી બૅંકો, વીમા કંપનીઓ, જહાજો અને એ પ્રકારની બીજી સંસ્થાઓનો બહિષ્કાર પોકાર્યો અને આંદોલન રાષ્ટ્રવ્યાપી બન્યું. આક્રમક પણ બન્યું. ધારાસણા અને વડાલાનાં મીઠાનાં ગોદામો પર અહિંસક આક્રમણો થયાં.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રજાને કનડગત કરવા રચાયેલા કાનૂનોનો સવિનય ભંગ કરેલો, ચંપારણમાં ગરીબ ખેડૂતોનું શોષણ કરતા નીલવરોના સિતમની તપાસ કરતા રોકવા માટેના અદાલતના મનાઈહુકમનો અનાદર કરેલો અને ખેડામાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં મહેસૂલ વસૂલ કરવાના સરકારના અમાનુષી હુકમ સામે લડત ઉપાડેલી. આ બધાં સીમિત અવજ્ઞાનાં ઉદાહરણો છે. 194૦-41માં ભાષણસ્વાતંત્ર્ય પર સરકારે મૂકેલા પ્રતિબંધ સામે વ્યક્તિગત સત્યાગ્રહ દ્વારા ગાંધીજીએ સવિનય અવજ્ઞાનું એલાન આપેલું અને આચાર્ય વિનોબા ભાવેને પ્રથમ સત્યાગ્રહી જાહેર કરેલા.
સવિનય અવજ્ઞા કરનાર જનતા અત્યાચારીના અસહ્ય દમનનો ભોગ બને અને વધુ દમન સહી ન શકે તેવા સંજોગોમાં ગાંધીજી સત્યાગ્રહીઓને ઘરબાર અને માલ-મિલકત છોડી સ્વેચ્છાએ હિજરત કરી જવાની સલાહ આપતા. બારડોલી, બોરસદ અને જંબુસરની જનતાના કરબંધીના આંદોલનને દબાવવા સરકારે અમાનુષી અત્યાચારો કરેલા ત્યારે તેના વિરોધમાં તે તે પ્રદેશની જનતાએ હિજરતની પદ્ધતિનો ઉપયોગ કરેલો. 1939માં જૂનાગઢ, લીંબડી અને વિઠ્ઠલગઢના સત્યાગ્રહીઓને પણ એમણે હિજરતની સલાહ આપેલી.
રઘુવીર મોદી