અસરાની (જ. 1 જાન્યુઆરી 1941, જયપુર; અ. 20 ઑક્ટોબર 2025) : ભારતીય સિનેમાના હાસ્ય-અભિનેતા. તેમનું મૂળ નામ ગોવર્ધન અસરાની હતું. તેમનો જન્મ એક મધ્યમવર્ગના સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતાને કાર્પેટની દુકાન હતી, પણ અસરાનીને વ્યવસાયમાં રસ નહોતો અને વળી ગણિતમાં તેઓ નબળા હતા. તેમણે જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મૅટ્રિક અને રાજસ્થાન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરેલો. અસરાનીને એમનો શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે ઑલ ઇન્ડિયા રેડિયોના જયપુર કેન્દ્રમાં એકસાથે વૉઇસ આર્ટિસ્ટ તરીકે કામ કરેલું.

અસરાની

1960થી 62 દરમિયાન અસરાનીને કાલભાઈ ઠક્કર પાસેથી અભિનય શીખવાનું શરૂ કર્યું. 1962માં અભિનયની તકો શોધવા માટે મુંબઈ ગયા. 1963માં કિશોર સાહુ અને ઋષિકેશ મુખર્જી સાથે આકસ્મિક મુલાકાત થતાં, તેમણે તેમને વ્યાવસાયિક રીતે અભિનય શીખવાની સલાહ આપી. તેથી 1964માં અસરાની પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને 1966માં અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. તેઓ એમની પહેલી ફિલ્મ ‘હરે કાંચ કી ચૂડિયાં’માં અભિનેતા બિશ્વજિતના મિત્રની ભૂમિકામાં ચમક્યા. 1967માં ઊભરતી અભિનેત્રી વહીદા (વહીદા રહેમાન નહીં પણ અન્ય) સાથે એક ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે અભિનય કર્યો. અસરાનીએ 1967થી 1969 દરમિયાન અન્ય ચાર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો, જે મુખ્યત્વે અભિનેતા અથવા સહાયક અભિનેતા તરીકેનો હતો. 1969માં ઋષિકેશ મુખર્જીએ એમને ‘સત્યકામ’માં સહાયક અભિનેતાની ભૂમિકા આપી. ત્યારબાદ તેઓ ગુલઝાર- દિગ્દર્શિત ફિલ્મ ‘મેરે અપને’થી જાણીતા થયા. 1971થી તેમને ફિલ્મોમાં મુખ્ય હાસ્યકલાકાર તરીકે અથવા મુખ્ય અભિનેતાના નજીકના મિત્ર તરીકે વધુ તકો મળવા લાગી. 1971થી ’74ના સમયમાં ઋષિકેશ મુખર્જી, આત્મારામ અને ગુલઝાર જેવા દિગ્દર્શકોએ એમને તેમની ફિલ્મોમાં એકથી વધુ વાર રજૂ કર્યા અને આ ફિલ્મો દ્વારા એમના પ્રદાનની નોંધ લેવામાં આવી. એ સમયમાં એમની માંગ ચરમસીમાએ હતી, કારણ કે 1970થી 1979 સુધીના વર્ષમાં એમણે 101 જેટલી ફિલ્મોમાં કામ કર્યું.

1970થી 1979 દરમિયાન સહાયક અભિનેતા તરીકેની એમની યાદગાર ફિલ્મોમાં ‘મેરે અપને’, ‘કોશિશ’, ‘બાવર્ચી’, ‘પરિચય’, ‘અભિમાન’, ‘મહેબૂબા’, ‘પલકો કી છાઓ મેં’, ‘દો લડકે દોનો કડકે’ અને ‘બંદિશ’માં જોવા મળે છે. ફિલ્મ ‘શોલે’માં જેલરની ભૂમિકામાં હિટલરની શૈલીમાં કૉમેડી રજૂ કરેલી ખાસ યાદ રહી જાય તેવી છે. તેમ ગુજરાતી ફિલ્મ ‘અમદાવાદનો રિક્ષાવાળો’ સૌને વિશેષ યાદ આવે છે. અસરાનીએ પોતે લખેલી અને દિગ્દર્શિત કરેલી 1977ની ફિલ્મ ‘ચલા મુરારી હીરો બનને’માં મુખ્ય હીરોની ભૂમિકા તેમણે ભજવી હતી.

અસરાનીએ અભિનેત્રી મંજુ બંસલ સાથે લગ્ન કરેલાં. આ બંનેએ ‘આજ કી તાજા ખબર’, ‘નમકહરામ’, ‘ચાંદી સોના’, ‘જાન-એ-બહાર’, ‘જુર્માના’, ‘નાલાયક’, ‘સરકારી મહેમાન’, ‘નારદ વિવાહ’ અને ‘ચોર સિપાહી’ જેવી ફિલ્મોમાં સાથે અભિનય કરેલો.

અસરાની સમગ્ર જીવન દરમિયાન કાર્યરત રહેલા.

અભિજિત વ્યાસ