અસમ દાણાદાર કણરચના (inequigranular texture) : કણરચનાનો એક પ્રકાર. જે ખડકમાં આવશ્યક ખનિજો નાનાં-મોટાં, જુદાં જુદાં કણકદવાળાં હોય એવી કણરચના. દા.ત., પૉર્ફિરી ખડકો. જ્યારે અગ્નિકૃત ખડકોની હસ્તનમૂનાઓ દ્વારા કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પરખ કરવામાં, તેમાં રહેલા સ્ફટિકો કે કણોની કદભિન્નતા જ એકમાત્ર કાબૂ ધરાવતું લક્ષણ બની જતું હોય, ત્યારે આ પ્રકારની કણકદની પરસ્પર ગોઠવણીને અસમ દાણાદાર કણરચના કહેવાય છે. આ કણરચનાને બે પેટાપ્રકારોમાં વહેંચી શકાય : (1) પૉર્ફિરિટિક કણરચના, જેમાં મહાસ્ફટિકો (phenocrysts) સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય-જથ્થામાં છૂટક છૂટક જોડાયેલા હોય; (2) પૉઇકિલિટિક કણરચના, પૉર્ફિરિટિક કણરચનાની વિરુદ્ધ લક્ષણવાળી કણરચના, જેમાં નાના સ્ફટિકો મહાસ્ફટિકોની અંદર કોઈ પણ પ્રકારની ઉપસ્થિતિના વલણ વિના સમાયેલા હોય. અસમ દાણાદાર કણરચના મહદંશે બહિર્ભૂત અગ્નિકૃત ખડકોમાં અને ક્યારેક ભૂમધ્યકૃતઅગ્નિકૃત ખડકોમાં વિશિષ્ટ લક્ષણ રૂપે જોવા મળે છે.
મોહનભાઈ પટેલ