અસમિયા ભાષા અને સાહિત્ય

January, 2001

અસમિયા ભાષા અને સાહિત્ય

અસમિયા ભાષા : ઇન્ડો-આર્યન ભાષાસમૂહની એક ભાષા અને તેનું સાહિત્ય. ભારતના આસામ રાજ્યના બ્રહ્મપુત્રના ખીણપ્રદેશમાં તે બોલાય છે, અને માગધી અપભ્રંશમાંથી એ ઉત્પન્ન થઈ છે.

અસમિયા ભાષાની બે શાખાઓ છે : પૂર્વ અસમિયા અને પશ્ચિમ અસમિયા. પૂર્વ અસમિયા ભાષા સદિયાથી ગુવાહાટી (ગૌહત્તી) સુધી લગભગ 65૦ કિમી. લાંબા અને 16૦ કિમી. પહોળા વિસ્તારમાં પ્રચલિત છે. જ્યારે કામરૂપ તથા ગોઆલપાડા વિસ્તારમાં પશ્ચિમી અસમિયા પ્રચલિત છે. ભાષાવિદો અસમિયા ભાષાને પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન એવા ત્રણ કાલખંડમાં વિભાજિત કરે છે. ચૌદમા શતકથી સત્તરમા શતક સુધીની મધ્યકાલીન અને ત્યારપછીની અર્વાચીન.

અસમિયા ભાષા બંગાળીની જેમ જ માગધી અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે, તેથી બંને ભાષા અને લિપિમાં ઘણું સામ્ય છે. અસમિયા અને બંગાળી લિપિમાં ફક્ત 2 સિવાય બીજા બધા વર્ણો સમાન છે. વળી, બંને ભાષાઓમાં કેટલુંક સામ્ય દૃષ્ટિએ પડે છે; જેમ કે 1. બંને ભાષાઓમાં ભૂતકાળદર્શક ‘ઇલ’ અને ભવિષ્યકાળદર્શક ‘ઇબ’ રૂપો આવે છે. ૨. વ્યક્તિવાચક સર્વનામો બંને ભાષામાં સમાન છે. શબ્દભંડાર બંનેનો લગભગ સમાન છે. કેટલુંક વૈષમ્ય પણ છે, જેમ કે (1) અસમિયામાં સ્વરાઘાત ઉપાંત્ય અવયવ પર હોય છે. બંગાળીમાં આદ્ય પર. (2) ષષ્ઠી અને સપ્તમીના પ્રત્યય અસમિયામાં અનુક્રમે ‘ર’ અને ‘ત’ છે, જ્યારે બંગાળીમાં ‘એર’ અને ‘તે’ છે. (3) હેતુવાચક રૂપોનો પ્રત્યય અસમિયામાં ‘ઇબ્’ તથા ‘ઇબલૈ’ છે તો બંગાળીમાં ‘ઇત્’ તથા ‘ઇતે’ છે. (4) અસમિયામાં ધાતુની પૂર્વે નકારવાચક પ્રત્યય લગાડાય છે, બંગાળીમાં ક્રિયાપદને ‘ન’ અથવા ‘ના’ લગાડીને નકારવાચક ક્રિયાપદ બનાવાય છે. (5) બંને ભાષાઓમાં બહુવચનના પ્રત્યયો ભિન્ન છે. અસમિયામાં ‘એતિયા’, ‘તેતિયા’ જેવાં સ્થળવાચક સર્વનામનાં સાધિત રૂપો છે, તેવાં બંગાળીમાં નથી.

લિપિ : બ્રાહ્મી લિપિમાંથી અસમિયાની લિપિ ઉદભવી છે. ચોથા શતકમાં તેનું રૂપ ‘ગુપ્તલિપિ’ તરીકે ઓળખાતું. આ ગુપ્તલિપિના પૂર્વાચલમાંના ‘કુટિલ’ નામના રૂપભેદમાંથી અસમિયા તથા બંગાળી લિપિનું નિર્માણ થયું. ગૌહત્તી પાસે ઈ. સ. 1206ના એક શિલાલેખમાં અસમિયા લિપિનો નમૂનો મળે છે.

ઉચ્ચારવિશેષ : સંસ્કૃતના બધા સ્વર-વ્યંજનો અસમિયામાં હોવા છતાં એમાંના અમુક વર્ણો જ પૂર્ણપણે ઉચ્ચારાય છે. ઇ અને ઉના હ્રસ્વ-દીર્ઘ ભેદ અસમિયામાં નથી. એનો ગમે એમ ઉચ્ચાર કરો, તેથી અર્થમાં કશો ફેર પડતો નથી. ઋનું ઉચ્ચારણ રિ થાય છે. અસમિયમાં મૂર્ધન્ય ઉચ્ચારો નથી. દંત્ય ઉચ્ચારો પણ શુદ્ધ નથી. બંને લેખનચિહનો વપરાશમાં હોવા છતાં એનો ઉચ્ચાર દંત્યમૂલક જ હોય છે. તેવી જ રીતે ચ અને છમાં ઉચ્ચારભેદ જળવાયો ન હોવાથી બંનેનો ઉચ્ચાર ‘સ’ જેવો હોય છે. (જેમ કે કાછ–કાસ, ચીન–સીન).

રૂપવિચાર : આધુનિક ભારતીય ભાષા પ્રમાણે અસમિયામાં પણ નામનું દ્વિવચન લુપ્ત થયું છે. અસમિયામાં કોઈ પણ ક્રિયાપદને ‘ન’ પૂર્વસર્ગ જોડવાથી નકારાર્થી રૂપ બને છે. જેમ કે નકરિવિ (કરતો નહિ). લિંગ અને વચનની ક્રિયાપદના રૂપ પર અસર થતી નથી. સ્ત્રીલિંગી તથા વચનદર્શક પ્રત્યય ફક્ત નામો પૂરતો જ મર્યાદિત છે. બોર્, બિલાક્ તથા હંત જેવા અનેક વચનના પ્રત્યયો મળે છે. જૂની અસમિયામાં બહુવચન માટે ગણ અથવા સમૂહ શબ્દ નામની પછી વપરાતો. વિભક્તિસંબંધ બે પ્રકારે દર્શાવાય છે : સ્વતંત્ર અનુસર્ગ વાપરીને અને તૃતીયા અને સપ્તમીના પ્રત્યયો જોડે મળી ગયેલાં નામરૂપો વાપરીને. ‘માનૂ’ (માણસ) એ નામનાં એકવચન અને બહુવચનનાં રૂપો નીચે પ્રમાણે બને. પ્રથમા : માનુઇ (એકવચન), માનુહે (બહુવચન); દ્વિતીયા : માનુક; તૃતીયા : માનુહેરે, માનુહેદિ; ચતુર્થી : માનુઇક, માનુહલૈ; પંચમી : માનુઇર્પરા; ષષ્ઠી : માનુહર; સપ્તમી : માનુહન.

અસમિયામાં ક્રિયાપદનું રૂપ કાળ તથા આજ્ઞાર્થ દર્શાવે છે. પૂર્ણભૂત, સામાન્યભૂત, સામાન્ય વર્તમાન, ચાલુ વર્તમાન તથા ભવિષ્યકાળ એ છ પ્રકારનાં ત્રણ પુરુષાનુસાર બધાં મળીને અઢાર રૂપો થાય છે. એમાં એકવચન તથા બહુવચનનાં રૂપોમાં ભેદ હોતો નથી. વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં રૂપો નીચે પ્રમાણે છે.

    કાળ

એકવચન બહુવચન
વર્તમાનકાળ મઇ કરો (હું કરું છું) આમિ કરો (અમે કરીએ છીએ)
તુમિ કરા (તું કરે છે) તુમાલોકે કરા (તમે કરો છો)
સિ કરે (તે કરે છે) સિંહ તે કરા (તેઓ કરે છે)
ભૂતકાળ મઇ કરિલો (મેં કર્યું) આમિ કરિલો (અમે કર્યું)
તુમિ કરિલા (તેં કર્યું) તોમાલોકે કરિલા (તમે કર્યું)
સિ કરિલે (તેણે કર્યું) સિંહતે કરે (તેમણે કર્યું)
ભવિષ્યકાળ મઇ કરિમ (હું કરીશ) આમિ કરિમ (અમે કરીશું)
તુમિ કરિબા (તુ કરશે) તોમાલોકે કરિબા (તમે કરશો)
સિ કરિબ (તે કરશે) સિંહતે કરિબ (તેઓ કરશે)

શબ્દભંડાર : અસમિયા શબ્દસંપત્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય. (1) તત્સમ કે અર્ધતત્સમ શબ્દો, (2) તદભવ શબ્દો, (૩) દેશ્ય. એકંદરે 4૦ હજાર અસમિયા શબ્દોમાં કેટલાક બોર્ડા, ખાસી, સંથાળી અને મલયન અથવા પર્વતીય ભાષાઓના છે. સદીઓ સુધી રાજ્ય કરનાર શાનવંશના આહોમ ભાષાના અનેક શબ્દો પણ અસમિયા ભાષામાં છે. બીજી ભારતીય ભાષા, અરબી, ફારસી, અંગ્રેજી તથા પૉર્ટુગીઝ જેવી ભાષાઓના શબ્દોનું પ્રમાણ દશ ટકા છે. બધાથી વધારે એટલે કે સિત્તેર ટકા શબ્દો તદભવ છે.

[મોર પાંચ બછરિયા અકનમાનિ છોરાલી મિનિયે એટા મુહૂર્ત ઓ કથા નાકોરાકે થાકિબ નોબારે. પૃથિવી તે જન્મગ્રહણ કરિ ભાષા શિંકોતે તાઇર માથાન એટા બછરહે લાગિછિલ. તાર પિચિરપરા ખેતિયલેકે ખેતિ ખાબેકે સાબપાઇ થાકે તેતિયાશૈકે એટા મુહૂર્ત ઓ મને મને થાકી નષ્ટ કરા નાછિલ.]

(મારી પાંચ વર્ષની નાની  દીકરી મિનિ એક ક્ષણ પણ બોલ્યા વગર રહી શકે નહિ. પૃથ્વીમાં જન્મગ્રહણ કર્યા પછી ભાષા શીખતાં તેણે એક વર્ષ વિતાવ્યું. તે પછીથી તે જાગતી હોય ત્યારે એક મિનિટ પણ મૂંગી રહીને બગાડતી નહોતી.)

અસમિયા માગધી અપભ્રંશની શાખા છે અને ઇન્ડો-આર્યન ભાષાની ઉપશાખા છે. આસામની લગભગ 6૦ ટકા જેટલી પ્રજા એ ભાષા બોલે છે અને બિનઆસામી પર્વતીય જાતિના લગભગ બધા લોકો એ ભાષા સમજે છે. આસામી ભાષાના વિકાસના યુગો નીચે પ્રમાણે પાડી શકાય :

1.

આદિયુગ ઈ. સ. 95૦થી 13૦૦
2. પ્રાક્વૈષ્ણવ યુગ ઈ. સ. 13૦૦થી 149૦
3. વૈષ્ણવ યુગ ઈ. સ. 149૦થી 17૦૦
4. અહોમ યુગ ઈ. સ. 17૦૦થી 183૦
5. અર્વાચીન યુગ ઈ. સ. 183૦ પછીનો.

આસામ એ લોકસાહિત્યનો સંચિત ભંડાર છે. એ સાહિત્યને કોઈ પણ નિશ્ચિત યુગમાં મૂકવું મુશ્કેલ છે, સિવાય કે એમાં કેટલીક ઐતિહાસિક ઘટનાનો સંદર્ભ હોય. આસામના લોકસાહિત્યમાં બિહુ ગીતો, લોકવાર્તાઓ, સુભાષિતો, લગ્નગીતો, નાવિકોનાં ગીતો અને મુસ્લિમો જોડે સંકળાયેલાં જિકિર ને જરીસ જેવાં ગીતો છે.

આ ભાષાનો સ્વતંત્ર ઉદભવ સાતમી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. ચીની પ્રવાસી હ્યુ એન શ્વાંગ સાતમી સદીમાં આસામ આવ્યો હતો તે વખતે કામરૂપ પ્રદેશમાં વૈશાખવર્મા રાજ્ય કરતો હતો અને એણે એના અહેવાલમાં કહ્યું છે કે ત્યાંના લોકો ભારતના કેન્દ્રસ્થ પ્રદેશના લોકો કરતાં જરા જુદી ભાષા બોલતા હતા.

અસમિયા ભાષા બુદ્ધગાન અને દોહામાં સંગ્રહાયેલી છે. એ કાવ્યોમાં બૌદ્ધોની સહજિયા શાખામાં જે યૌગિક સાધના થતી હતી તેનું વર્ણન આવે છે. આ દોહાઓ પૂર્વભારતની અનેક ભાષાઓ પોતાની ભાષાના પ્રાચીન નમૂનાઓ છે એવો દાવો કરે છે. પરંતુ વિદ્ધાનોએ એમાંની ભાષાનું વ્યાકરણની દૃષ્ટિએ વિશ્લેષણ કરતાં એ પૂર્વભારતની અન્ય ભાષાઓ કરતાં અસમિયાની વધુ નજીક છે એવું જણાયું છે.

એમ કહેવાય છે દોહાના બે મુખ્ય રચનાર મીનનાથ અને લુઇપદ બંને આસામના કામરૂપ જિલ્લાના હતા. વિદ્વાનોએ એના દોહાને આસામી સાહિત્યના આદિકાળમાં મૂક્યા છે.

આસામના આદિકાળના સાહિત્યનાં બીજાં બે સ્વરૂપો તે ‘ડાકાર બચન’ અને મંત્રસાહિત્ય છે. આ મંત્રસાહિત્યમાં અથર્વવેદ, બૌદ્ધ મહાયાન અને હિંદુ તંત્ર વગેરેના સાહિત્યનું મિશ્રણ છે. મહાભારત, રામાયણ અને પુરાણોની વિવિધ કથાઓનો પ્રભાવ પણ એમાં નજરે પડે છે. મંત્રોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે અને અમુક શબ્દો દ્વારા શ્રોતાઓના ચિત્ત ઉપર માયાજાળનું વાતાવરણ રચવામાં આવ્યું હોય છે.

અસમિયા સાહિત્ય લિખિત સ્વરૂપમાં તેરમી સદીના કવિ હેમ સરસ્વતીના ‘પ્રહલાદચરિત’થી શરૂ થયેલું માનવામાં આવે છે. આ સમયના બીજા એક કવિ હરિહર વિપ્રની રચના ‘બબ્રુવાહનર યુદ્ધ’ મહાભારતના અશ્વમેધ પર્વ પર આધારિત હોવા છતાં એ આખ્યાનમાં સ્થળે સ્થળે મૌલિકતા છતી થાય છે. હરિહર વિપ્રની બીજી રચના ‘લવકુશયુદ્ધ’ લોકરંજની ભાષાશૈલીમાં લખાયેલું લોકભોગ્ય ભાષાથી છલકાતું કાવ્ય છે.

આદિકાળ પછીનો યુગ અસમિયા સાહિત્યમાં વૈષ્ણવયુગ કહેવાય છે અને એ યુગનો પ્રથમ મહાન કવિ માધવ કંદલી છે, જે કવિરાજ કંદલીના નામથી ઓળખાય છે. એણે વાલ્મીકિના રામાયણમાંથી કથાનક લઈને સાત કાંડનું રામાયણ રચ્યું હતું. એના આ કાર્યમાં કસારીના રાજા મહામાણિક્યનું પ્રોત્સાહન હતું. એની રચના ચૌદમી સદીમાં થઈ અને આર્યોની પ્રાદેશિક ભાષામાં રચાયેલું તે પહેલું રામાયણ છે. એના એક અધ્યાયમાં કવિ લખે છે કે ‘‘મેં મારી શક્તિ અનુસાર અસમિયા પદોમાં રામાયણનો સારાંશ આપ્યો છે કે જેથી આસામની પ્રજા વાલ્મીકીય રામાયણના વિવિધ રસો અને રંગો માણી શકે… રામાયણ વેદોની જેમ ઈશ્વરપ્રણીત નથી અને તેથી એમાં પરિવર્તન કરવાનો કવિનો હક્ક મેં બજાવ્યો છે તેને દોષ ગણાય નહિ.’’ કંદલીએ મૂળ રામાયણમાં કેટલાંક પરિવર્તન કર્યાં છે, પરંતુ એને પરિવર્તનોએ રામના પાત્રને વધુ ઉદાત્ત બનાવ્યું છે અને એ વિષ્ણુના અવતાર હોવા છતાં એમનું ચિત્રણ એક માનવી તરીકે જ કર્યું છે. આ ઉપરાંત કંદલીએ મંથરાના પાત્રનું પુનર્ગઠન કર્યું છે. તેમાં દર્શાવ્યું છે કે મંથરાની ઇચ્છા ભરત જોડે લગ્ન કરવાની હતી. જોકે તેની ઉંમર ભરતની માતા કૈકેયી કરતાં પણ વધારે છે. એમાં એટલા બધા સ્થાનિક રંગો પૂર્યા છે કે ચૌદમી શતાબ્દીના અસમિયા સમાજનું આપણને સર્વાંગી દર્શન થાય છે.

આસામના ઓજાપાલિ નૃત્યને ખ્યાલમાં રાખીને દુર્ગારામ કાયસ્થે ‘ગીતિરામાયણ’ની રચના કરી છે. ‘ગીતિરામાયણમાં’ 58 પદોમાં રામાયણી કથા છે.

Illustrated Manuscript of Dakhinpat Sattra

દક્ષિણપટ સત્રમાંની, કૈથેલી આસામી લિપિમાં લખાયેલી ભાગવતની સચિત્ર હસ્તપ્રત

સૌ. "Illustrated Manuscript of Dakhinpat Sattra" | CC BY-SA 4.0

મહાભારતના અને પુરાણના કેટલાક અનુવાદો આ યુગમાં થયા છે. હેમસરસ્વતી, રુદ્ર કંદલી, કવિરત્ન સરસ્વતી વગેરે આ યુગના શ્રેષ્ઠ અનુવાદકો મનાયા છે. અસમિયા સાહિત્યની કેટલીક શાખાઓનો વૈષ્ણવયુગમાં વિકાસ થયો હતો. આ જ યુગમાં કવિ શંકરદેવે (1449થી 1568) એક નવો સાહિત્યપ્રકાર આપ્યો અને તે છે અંકિયાનાટ. એ એકાંકી નાટકનો પ્રકાર છે. એમણે અનેક અંકિયાનાટ રચ્યાં છે. આ અંકિયાનાટ ભારતની પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં પહેલી વાર જ નાટ્યસાહિત્યનું પ્રસ્થાપન કરે છે. અંકિયાનાટે વૈષ્ણવ સંપ્રદાયનો વિવિધ રીતે સફળતાથી પ્રચાર કર્યો. એ નાટકો બુદ્ધિ અને ઊર્મિ બંનેને સંતોષવાની ક્ષમતાવાળાં છે. આ નાટકોનું કથાનક શ્રીમદભાગવત અને રામાયણમાંથી લેવામાં આવ્યું છે. આ નાટકની બીજી વિશિષ્ટતા એ છે કે એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં પણ સંવાદો આવે છે અને સંસ્કૃત સિવાયની બીજી જે ભાષાનો પ્રયોગ થયો છે તે અસમિયા અને વ્રજભાષા બંનેના મિશ્રણથી રચાયેલી વ્રજબુલી છે.

અંકિયાનાટનું માળખું પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોમાંથી લેવાયેલું છે તેમ છતાં એમાં આસામના પ્રાદેશિક નાટ્યસ્વરૂપનું પણ અવલંબન છે. શંકરદેવે સૂત્રધારના પાત્રમાં પણ થોડું પરિવર્તન કર્યું છે. વળી, સંસ્કૃત નાટકના વિદૂષકના પાત્રને એમણે લુપ્ત કર્યું છે.

શંકરદેવ એમનાં નાટકોને ભજવવા માટે જાતે જ પડદા ઉપર દૃશ્યો ચીતરતા અને રંગમંચનું આયોજન કરતા. સંસ્કૃત નાટકોમાં પણ રંગમંચ પરનાં દૃશ્યોનો ઉલ્લેખ નથી અને યુરોપમાં પણ રંગમંચ ઉપર ર્દશ્યો ગોઠવવાનું છેક સત્તરમી સદીમાં શરૂ થયું. એ રીતે શંકરદેવનું આ પ્રદાન એમની દૂરદર્શિતા તથા મૌલિકતા દર્શાવે છે. શંકરદેવે છ અંકિયાનાટ રચ્યાં છે : ‘પત્નીપ્રસાદ’, ‘કાલીયદમન’, ‘કેલિગોપાલ’, ‘રુક્મિણીહરણ’, ‘પારિજાતહરણ’ અને ‘રામવિજય’. આ ઉપરાંત તેમણે રામાયણનો ઉત્તરકાંડ અને ભાગવતના બીજા, છઠ્ઠા, આઠમા, દશમા, અગિયારમા અને બારમા સ્કંધનો અનુવાદ કર્યો છે. એમણે ‘હરિશ્ચંદ્રોપાખ્યાન’, ‘રુક્મિણીહરણ’ કાવ્ય, ‘બલિછલન’, ‘અમૃતમંથન’, ‘અજામિલ ઉપાખ્યાન’ અને ‘કુરુક્ષેત્ર’ કાવ્યોની પણ રચના કરી છે. તે ઉપરાંત ભક્તિપ્રદીપ, ભક્તિરત્નાકર, નિમિનવસિષ્ઠસંવાદ જેવાં તત્વજ્ઞાનનાં પુસ્તકો પણ રચ્યાં છે.

માધવદેવ (1489થી 1596) આસામના બીજા એક સંતકવિ છે. તે શંકરદેવના શિષ્ય હતા. માધવદેવે કેટલાંક ઉત્તમ ભક્તિગીતો રચ્યાં છે, જે ‘બરગીત’ નામે ઓળખાય છે. એમણે અંકિયાનાટ રચ્યાં છે, જેમાંનાં ‘ચોરઢાકા’, ‘પીંપકાગોચોડા’, ‘દધિમંથન’ વગેરે કૃષ્ણની બાળલીલાને મનોહર રીતે આલેખે છે.

માધવદેવનું વિશિષ્ટ પ્રદાન નામઘોષ ગીતપ્રકાર છે. આ ગીતો દાર્શનિક હોય છે. આ જાતનાં 6૦૦ પુસ્તકો મળે છે, જેમાંથી કેટલાંક પુરાણાધારિત છે, પણ એમાંથી 2૦૦ જેટલાં તો મૌલિક છે.

આ યુગના બીજા મહત્વના કવિ અનંતકંદલી છે. એમની જાણીતી કૃતિ ‘કુમારહરણ’ છે અને એનું કથાવસ્તુ એમણે હરિવંશ અને ભાગવતના દશમ સ્કંધમાંથી લીધું છે. આ ઉપરાંત એમણે રામાયણનો અનુવાદ કર્યો છે અને ‘સીતાર પાતાળપ્રવેશ નાટક’ લખ્યું છે, જેમાં એમણે સીતાના પાત્રની કરુણતાનું હૃદયદ્રાવક નિરૂપણ કર્યું છે.

રામસરસ્વતી એ વૈષ્ણવયુગના બીજા જાણીતા કવિ. એમણે મહાભારતનાં લગભગ બધાં પર્વોનું ભાષાંતર કર્યું છે. એમણે ‘બંધકાવ્યો’માં પાંડવોએ કરેલા રાક્ષસોના વધનું નિરૂપણ દર્શાવતો નવો પ્રકાર પ્રયોજ્યો છે.

અસમિયામાં સોળમી સદીના અંતમાં ગદ્યસાહિત્યનો જન્મ થયો. પ્રથમ ગદ્યકૃતિઓમાં શંકરદેવ તથા માધવદેવનાં જીવનચરિત્રો છે. એના રચયિતા વૈકુંઠનાથ ભાગવત ભટ્ટાચાર્ય (1557થી 1638) આસામી ગદ્યના જનક ગણાય છે. એમની અન્ય ગદ્ય કૃતિઓ તે ‘કથાભાગવત’, ‘કથાગીતા’, ‘કથારત્નાવલી’ વગેરે. આ ઉપરાંત એમણે બે સંસ્કૃત રચનાઓ પણ આપી છે : ‘ભક્તિસાર’ અને ‘ભક્તિવિવેક’. એમણે કથાભાગવતનું લેખન 1565માં પૂરું કર્યું હતું.

વૈષ્ણવોત્તર યુગમાં અને વિશેષત: અહોમ રાજાઓના રાજ્યાશ્રયથી આ સાહિત્યનો વિકાસ થયો. એ સમયમાં અસમિયામાં ક્રમબદ્ધ ઇતિહાસ લખાયેલો, જેનું સંશોધન આસામ સંશોધનમંડળ અને આસામ સરકારના ઇતિહાસ વિભાગે કર્યું છે. એમાં રાજ્યના દસ્તાવેજો, લશ્કરી વડાઓએ રાજાને મોકલેલા અહેવાલો, સરહદના સૂબાઓએ સાંકેતિક ભાષાઓમાં મોકલેલ સંદેશાઓ, કાનૂની અને કરવેરાવિષયક પત્રો અને અદાલતનો રોજબરોજનો વ્યવહારએ બધું અસમિયા ગદ્યનું એક નવું પાસું દર્શાવે છે. આશ્ચર્યની વાત એ છે કે એમાં રાજાએ મોકલેલા જાસૂસોના અહેવાલો પણ છે. એ જાસૂસો પડોશના પ્રદેશોમાં વૈરાગીના વેષમાં જતા.

આ ઐતિહાસિક વૃત્તાંતમાં અહોમ રાજ્ય ઉપરાંત જયંતિયા, કસારી, ત્રિપુરા વગેરે રાજ્યોની હકીકતને પણ આવરી લીધેલી છે. ‘પાદશાહ બુરંજી’માં આસામની બહારનાં મુસ્લિમ રાજ્યોનો ઇતિહાસ મળે છે. આ બધા અહેવાલો અહોમ રાજાઓની મૂળ ભાષા તાઈમાં લખાયેલા હતા. પછીના અહેવાલો અહોમ અસમિયામાં મળે છે. એ વિશે આસામના વિખ્યાત ઇતિહાસજ્ઞ સૂર્યકુમાર ભૂયાને કહ્યું છે તેમ, એક તરફ આપણને રસપૂર્ણ એવી વૈષ્ણવ કવિતા મળે છે તો બીજી તરફ માત્ર હકીકતોને જ શબ્દબદ્ધ કરતી એવી ઇતિહાસની સામગ્રી મળે છે, અને આ રીતે એક તરફ અસમિયાનો રોજિંદો વ્યવહાર કેવો ચાલતો તેની માહિતી મળે છે તો બીજી બાજુ આસામના લોકો ભાવનાના પ્રદેશમાં કેવો વિહાર કરતા તેનો પરિચય થાય છે. બુરંજીમાં જે ગદ્ય લખાણ મળે છે તે કલ્પનાને જેમાં જરા જેટલો અવકાશ ન હોય તેવું સાહિત્ય કેવું હોય તેનો પરિચય આપે છે.

આ દસ્તાવેજો અને અહેવાલો બોલચાલની અસમિયા ભાષામાં લખાયેલા છે. એમાં માત્ર માહિતીનો ખડકલો નથી; પણ એમાં નાટ્યતત્વ અને સંવેદનની ફોરમ પણ આવે છે. આ પ્રકારનું ઇતિહાસ અને સાહિત્યનું મિશ્રણ માત્ર અસમિયામાં જ નહિ; પરંતુ ભારતની ભાષાઓમાં અનન્ય છે. આ અસમિયા બુરંજી સાહિત્ય પરલક્ષી દૃષ્ટિએ રચાયું છે અને ઐતિહાસિક ક્રમ બરાબર જળવાયો છે. આસામ સરકારના ઇતિહાસ અને પુરાતત્વ વિભાગે તેનું પ્રકાશન કર્યું છે. પણ હજી સેંકડો પ્રતો અપ્રકાશિત રહી છે. આ બુરંજી સાહિત્યનો સમયગાળો ઈ. સ. 17૦૦થી ઈ. સ. 1830 સુધીનો છે. એમાંનાં કેટલાંક મહત્વનાં પ્રકાશનોમાં હરકાંત બરુઆનું ‘આસામ બુરંજી’, શ્રીનાથ દુવારાનું ‘તુંગખુજીઆ બુરંજી’ અને કામરૂપ અનુસંધાન સમિતિએ પ્રકાશિત કરેલું ‘પાદશાહ બુરંજી’ છે. આ બુરંજી સાહિત્યને જોઈને જાણીતા ભાષાશાસ્ત્રી જ્યૉર્જ ગ્રિયર્સને એમના ‘લિંગ્વિસ્ટિક સર્વે ઑવ્ ઇન્ડિયા’માં લખ્યું છે કે ‘‘આસામ પોતાના રાષ્ટ્રીય સાહિત્ય માટે ઉચિત રીતે ગર્વ લઈ શકે. સામાન્ય રીતે જે પ્રકારની ભારતની અન્ય ભાષાઓમાં ખોટ વર્તાય છે તેનું અસમિયામાં સફળતાપૂર્વક ખેડાણ થયું છે. બુરંજીના ઇતિહાસવિષયક ગ્રંથોનું કદ મોટું છે અને તેમની સંખ્યા વિપુલ છે.’’ પ્રત્યેક આસામી નાગરિકને માટે બુરંજીનું જ્ઞાન અનિવાર્ય ગણાતું.

સત્તરમી સદીમાં કેટલાક મહત્વના ચિત્રમય ગ્રંથોની રચના થઈ હતી તેમાંનો એક ‘હસ્તિવિદ્યાર્ણવ’ છે, જે અહોમ રાજા શિવશૃંગારના આશ્રયે લખાયેલો હતો (ઈ. સ. 1734). એમાં જુદા જુદા હાથીના રોગોમાં હાથીની સારવાર અને ઉપચાર માટે દર્શાવેલી આયુર્વેદીય ઔષધિનું નિરૂપણ છે. આ પુસ્તકનું પ્રકાશન પણ રંગીન છે. એમાંનાં ચિત્રો આસામમાં એ સમયે ચિત્રકળા કેટલી વિકસેલી હતી તેનો ખ્યાલ આપે છે.

કલ્કિપુરાણ, વિષ્ણુપુરાણ તથા ધર્મપુરાણના કેટલાક ભાગોનો અનુવાદ આ સમયે થયેલો. ઉપરાંત બ્રહ્મવૈવર્તપુરાણ અને પદ્મપુરાણનું પણ અસમિયા ભાષામાં અવતરણ થયું છે. ‘તુલસીચરિત’ અને ‘માધવસુલોચના’ જેવી શૃંગારપ્રધાન ઘટનાઓ વિશે પણ આ શૃંગારરસિક રાજાઓએ કાવ્યરચના કરાવેલી. વાત્સાયનના કામસૂત્રનો પણ આ અહોમ રાજાઓએ અનુવાદ કરાવેલો.

આ સમયમાં રામાયણ અને મહાભારતનો પ્રભાવ પ્રસરતો જણાય છે. રઘુનાથ મહંતાએ ગદ્યમાં રામાયણ લખ્યું છે. એ જ લેખકે ‘અદભુત રામાયણ’ અને ‘શત્રુંજય’ નામની રામાયણ પર આધારિત રચનાઓ પદ્યમાં પણ કરી છે. આ સમયમાં ગોસ્વામી તુલસીદાસજીના રામચરિતમાનસનો શ્રીકાંત સૂર્યવિપ્રે અનુવાદ કર્યો હતો. કુતભાનરચિત એક સૂફી પુસ્તકમાંથી પ્રેરણા લઈને રામદ્વિજે ‘મૃગાવતીચરિત’નો અનુવાદ કર્યો હતો.

ઈ. સ. 182૦માં બ્રહ્મદેશે (મ્યાનમારે) આસામ ઉપર આક્રમણ કર્યું અને આસામને કબજે કરી લીધું. ઈ. સ. 1824માં કચાર આગળ અંગ્રેજોએ હુમલો કર્યો અને બ્રહ્મદેશીઓને હરાવ્યા અને આસામ જીતી લીધું.

ઈ. સ. 1836માં અંગ્રેજોએ અસમિયા ભાષા ઉપર પ્રતિબંધ મૂક્યો અને અદાલત, શાળા અને સરકારી કચેરી બધે જ બંગાળી ભાષાને વ્યવહારના માધ્યમ તરીકે સ્વીકારી. ઈ. સ. 1836માં આસામમાં અમેરિકન ધર્મપ્રચારકો આવ્યા. એમને અસમિયા લોકોની માતૃભાષા સિવાય બીજી ભાષામાં ધર્મપ્રચારનું કાર્ય અશક્ય લાગ્યું. પણ અસમિયા લોકો પાસેથી અંગ્રેજ શાસકોએ તેમની માતૃભાષા તો છીનવી લીધી હતી. એથી એ લોકોએ અસમિયા ભાષાને પુન:સ્થાપિત કરવાની ઝુંબેશ ઉપાડી. એ ઝુંબેશમાં અસમિયા વિદ્વાન આનંદરામ ધકિયાલ ફુકને તેમને સહાય કરી. બહુ લાંબા પ્રયત્નને અંતે ઈ. સ. 1873માં અંગ્રેજ શાસકોએ અસમિયાને પુન:સ્થાપિત કરી. આ રીતે ઈ. સ. 1836થી ઈ. સ. 1873નો લગભગ 4૦ વર્ષનો સમયગાળો અસમિયા ભાષા અને સાહિત્ય માટે અંધકારયુગ હતો.

ધર્મપ્રચારકોએ ‘અરુણોદય’ નામનું તેમનું વર્તમાનપત્ર ઈ. સ. 184૦માં શરૂ કર્યું. અસમિયા સાહિત્યના વિકાસમાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ પણ સારો એવો ફાળો આપ્યો છે. ઈ. સ. 1813માં બાઇબલનું અસમિયામાં ભાષાંતર થયેલું. ઈ. સ. 1839માં આત્મારામ શર્મા તથા રૉબિન્સને અસમિયા વ્યાકરણ લખ્યું હતું. ઑલિવર કટીએ ‘અસમિયા શબ્દાવલિ’ અને ‘ખંડકાવ્ય’ નામનાં પુસ્તકો રચ્યાં હતાં. ઈ. સ. 1849માં નૅથન બ્રાઉને આસામના વ્યાકરણ વિશે કેટલીક નોંધો લખી હતી અને ડૉ. માઇલ્સ બ્રાન્સને ઈ. સ. 1867માં ‘અસમિયા અભિધાન’ (શબ્દકોશ) રચ્યો હતો. એ રીતે આસામી સાહિત્ય અને ભાષાના વિકાસમાં ખ્રિસ્તીઓનો ફાળો નોંધપાત્ર છે. એમના પ્રયત્નને કારણે જ અર્વાચીન અસમિયા સાહિત્યનો પાયો નંખાયો એમ કહી શકાય.

હેમચંદ્ર બરુઆ (ઈ. સ. 1835થી 1896) અને ગુણાભિરામ બરુઆ(ઈ. સ. 1837થી 1894)એ ભાષા અને સાહિત્યના વિકાસમાં ઘણું યોગદાન કર્યું છે. હેમચંદ્ર બરુઆનું મહત્વનું પ્રદાન તેમનો ‘હેમકોશ’ છે, જેમાં વ્યુત્પત્તિ, અર્થ અને શબ્દનું મૂળ — એ બધાંની ચર્ચા કરી છે. એ ગ્રંથ ઈ. સ. 189૦માં રચાયો હતો. એ બંને લેખકોએ અસમિયામાં હાસ્ય અને વ્યંગના સાહિત્યનું પણ સર્જન કર્યું છે. હેમચંદ્રનો ‘બાહિરે રંગસંગ ભીતરે કવભટુરિ’ (પીળું એટલું સોનું નહિ) એ તત્કાલીન અસમિયા સમાજના જીવન વિશે અત્યંત પ્રસિદ્ધ કટાક્ષગ્રંથ છે. ‘કુમાર-કીર્તન’માં એમણે અફીણી પર ઉપહાસપ્રધાન કટાક્ષિકા લખી છે. આ બંને ગ્રંથ ઈ. સ. 1861માં લખાયા હતા.

ગુણાભિરામ બરુઆએ આનંદરામ ધકિયલ ફુકની જીવનકથા 188૦માં લખી હતી. ઈ. સ. 1884માં એમણે ‘આસામ બુરંજી’ પ્રસિદ્ધ કર્યું હતું.

ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ અસમિયામાં પહેલી નવલકથા ‘કામિનીકાન્ત’ ઈ. સ. 1877માં લખી. નવલકથાનો ઉદ્દેશ ધર્મપ્રચારનો હતો, તેથી સાહિત્યિક કૃતિ તરીકે તેનું ઝાઝું મૂલ્ય નથી. પરંતુ ઐતિહાસિક મૂલ્ય છે. તે પછી પદ્માવતીદેવી ફૂકની(ઈ. સ. 1853થી 1927)એ ‘સુદામા-ઉપાખ્યાનમ્’ નામની સાહિત્યિક મૂલ્યવાળી નવલકથા ઈ. સ. 1884માં લખી. ઈ. સ. 1872માં આસામ સાહિત્યસભા દ્વારા કલકત્તાથી એક ‘જોનાકી’ નામનું સામયિક પ્રગટ થયેલું. એણે સાહિત્યનાં અનેક ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. એ સામયિક દ્વારા નવોદિત લેખકોને પોતાનું લખાણ છાપવાની તક મળી. તેની દ્વારા અસમિયા સાહિત્યમાં પશ્ચિમનો પ્રભાવ પ્રસરવા લાગ્યો હતો. ‘જોનાકી’ યુગના લેખકોમાં લક્ષ્મીકાંત બેઝબરુઆ, ચંદ્રકુમાર અગરવાલા, હેમચંદ્ર ગોસ્વામી, કનકલાલ બરુઆ અને સત્યનાથ બોરા મુખ્ય હતા.

હાસ્યકટાક્ષનું વિપુલ સાહિત્ય સર્જનાર લક્ષ્મીનાથ બેઝબરુઆ (1868-1946)એ એક ‘પદ્મકુમારી’ નામની અત્યંત લોકપ્રિય નવલકથા લખી છે. એમનું મોટામાં મોટું પ્રદાન ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં છે. એઓ અસમિયા ટૂંકી વાર્તાના જનક ગણાય છે.

આ યુગના બીજા જાણીતા નલકથાકાર પદ્મનાથ ગોહાંઈ બરુઆ (1887થી 1946) છે. એમણે અનેક નવલકથાઓની રચના કરી છે. એમાં જાણીતી ‘ભાનુમતી’ (ઈ. સ. 1891) અને ‘લહાકિ’ (1892) છે. ‘જયમતી’ (19૦૦), ‘ગદાધર’ (19૦7), ‘લચિત બરફી કમ’ (1915), ‘ગુન બુરહા’ (1897) અને ‘ભૂત ને ભ્રમ’ (1924) એ એમનાં અનેક વાર રંગમંચ ઉપર ભજવાયેલાં સફળ નાટકો છે. ગોહાંઈ બરુઆએ કેટલાંક કાવ્યો પણ લખ્યાં છે.

પ્રાકસ્વાતંત્ર્ય યુગના લોકાદર પામેલા એક મહત્વના નવલકથાકાર છે રજનીકાન્ત બારદોલોઈ (ઈ. સ. 1869થી 1939). એમને આસામના લોકમૂર્તિ નવલકથાકાર કહેવામાં આવે છે. બારદોલોઈની બ્રહ્મદેશના આક્રમણવિષયક તેમજ ઉત્તરકાલીન અહોમ શાસન વિશે લખાયેલી નવલકથાઓ આસામની ઐતિહાસિક નવલકથાઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એમની પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘મનમોતી’ (19૦૦), ‘રંગીલી’ (1925), ‘નિર્મલ ભગત’ (1926), ‘રહેલાઈ લીગીની’ (193૦), ‘તામ્રેશ્વરી મંદિર’ (1932) વગેરે ઉલ્લેખનીય છે.

પ્રાકસ્વાતંત્ર્ય યુગના બીજા મહત્વના લેખકો હતા ચંદ્રકુમાર અગરવાલા (1867-1937), આનંદચંદ્ર અગરવાલા (1874-1940), હિતેશ્વર બેઝબરુઆ (1876-1937), મોહિયુદ્દીન અહમદ હજારિકા (1870-1958) અને ચંદ્રધર બરુઆ (1874-1961).

સ્વતંત્રતા મળ્યા પછીનાં 4૦ વર્ષમાં અસમિયા સાહિત્યમાં કેટલાંક નવાં સ્વરૂપો ઉદભવ્યાં અને વિકસ્યાં. તેમાં ભાષાવૈજ્ઞાનિક તરીકે જાણીતા ડૉ. વિરંચિ બરુઆએ બે સુંદર નવલકથાઓ આપી છે : ‘જીવનેર બતાત’ (જીવનના પંથે) અને ‘સેઉજીઆ પાતાર કાહિની’ (લીલાં પાનની કથા). આ બંને નવલકથાઓ અસમિયા સામાજિક નવલકથાસાહિત્યમાં માર્ગસૂચક સ્તંભ જેવી ગણાય છે. એમણે એ નવલકથાઓમાં આસામના ગ્રામજીવનનું સક્ષમ ચિત્ર આપ્યું છે. સ્વાતંત્ર્યોત્તર કાળના નવલકથાકારો માટે એ કથાઓ આદર્શરૂપ મનાયેલી. એમાંની પહેલી નવલકથા એ સ્વાતંત્ર્યપૂર્વ અને સ્વાતંત્ર્યોત્તર કાલ વચ્ચેની સાંધણકડીરૂપ છે. બીજી નવલકથા (ઈ. સ. 1958) આસામના ચાના બગીચામાં કામ કરતા મજૂરોના જીવન વિશે છે. આ મજૂરો મોટે ભાગે બિહાર, ઉત્તરપ્રદેશ તથા ઓરિસામાંથી આવતા હોય છે. ચાનો ઉદ્યોગ આસામનો મુખ્ય ઉદ્યોગ છે. આસામમાં 758 ચાના બગીચા છે. આસામના પ્રત્યેક સાહિત્યપ્રકારમાં ચાના બગીચા વિશે કાવ્યો, નાટકો અને નવલકથાઓ રચાયેલ છે. બરુઆની નવલકથામાં મુખ્ય પાત્ર ચાના બગીચામાં કામ કરતી સોનિયા નામની મજૂર સ્ત્રી છે, જેની જોડે ચાના બગીચાના અંગ્રેજ માલિક દુર્વ્યવહાર કરે છે. પરિણામે એ અવૈધ બાળકને જન્મ આપે છે.

બીજા મહત્વના નવલકથાકાર બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય (જ. 1924) છે. એમની નવલકથા ‘ઇયારુઇંગમ’(લોકોની સરકાર)ને ઈ. સ. 1964માં સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. એમાં નાગાલૅન્ડમાં ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિનું વિગતપૂર્ણ રસપ્રદ ચિત્ર આપ્યું છે. સ્વાતંત્ર્યયુગની એમની એ નવલકથાને શ્રેષ્ઠ કથા ગણવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે નૈતિક મૂલ્યોનો હ્રાસ થવા લાગ્યો અને જાપાની સૈનિકો જીતતાં જીતતાં કોહિમા સુધી આવી પહોંચ્યા તે વખતની લોકોની મનોવૃત્તિનો એમણે મનોવૈજ્ઞાનિક ઢબે ચિતાર આપ્યો છે. યુદ્ધ પછી નાગાઓનું જીવન વેરવિખેર થઈ ગયું, તેનું તથા શાસકોએ નાગાઓની સમસ્યા તરફ જે દુર્લક્ષ સેવ્યું તેનું નિરૂપણ પ્રતીતિજનક છે.

બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યની અત્યંત પ્રસિદ્ધ નવલકથા ‘મૃત્યુંજય’ (1969) છે. એમાં આસામના સ્વાતંત્ર્યસૈનિકોના જીવનનું નિરૂપણ કર્યું છે, જેમાંથી મોટા ભાગના હિંસક આંદોલનમાં જોડાયા હતા. આ નવલકથા માટે એમને ઈ. સ. 1981માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. એમની બીજી મહત્વની નવલકથાઓમાં ‘કબર આર ફૂલ’ (કબર અને ફૂલ, 1972), ‘વલ્લરી’ (1973) વગેરે છે. ઈ. સ. 198૦માં ડૉ. ઇન્દિરા ગોસ્વામી(મામની રઇસન ગોસ્વામી)ની, ‘મામરે ધારા તરોવલ’ (કટાઈ ગયેલી તલવાર) નવલકથામાં મકાનબાંધકામના મજૂરોની સમસ્યાઓનું કરુણ નિરૂપણ કરવામાં આવ્યું છે. એ નવલકથાને ઈ. સ. 1982નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નિરુપમા બરગોહાંઈ એ આધુનિક અસમિયા સાહિત્યનાં બીજાં જાણીતાં નવલકથાકાર છે. એમણે અદ્યતન યુવાપેઢીનું વાસ્તવિક ચિત્ર નિરૂપ્યું છે. 196૦ પછી સામાજિક નવલકથા સારા પ્રમાણમાં લખાઈ છે અને લોકપ્રિય બની છે. તેમાં મહત્વના નવલકથાકારો છે જોગેશ દાસ, સૈયદ અબ્દુલ મલિક, હેમેન બડગોહાંઈ અને નવલકાંત બરુઆ, ચંદ્રપ્રસાદ સઇકિયા વગેરે. આધુનિક નવલકથાકારો ઉપર હેમિંગ્વે, જેમ્સ જૉઇસ, વર્જિનિયા વુલ્ફ વગેરે પાશ્ચાત્ય નવલકથાકારોનો ઘેરો પ્રભાવ છે. રજનીકાંત બરદોલોઈ અને લક્ષ્મીનાથ બેઝબરુઆ જેવા પૂર્વકાલીન નવલકથાકારો સ્કૉટ, મેરી કૉરેલી, ડૂમા વગેરે પશ્ચિમના લેખકોની નવલકથાથી પ્રભાવિત થયા હતા.

આસામના કવિતાક્ષેત્રે જે નવું આંદોલન શરૂ થયું તેના અગ્રણી કવિ હતા કમલકાંત ભટ્ટાચાર્ય (1858-1936). તેમની કવિતામાં સ્વદેશપ્રેમ, તત્વચિંતન અને સામાજિક સુધારાની ત્રિવિધ ધારા વહે છે. તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે ‘ચિંતાનલ’ (1809) અને ‘ચિંતાતરંગિણી’. ‘હિમાલયર પ્રતિસંબોધન’ કાવ્ય દ્વારા કવિએ આસામી લોકોમાં નવો ઉત્સાહ પ્રેર્યો. ભોલાનાથ દાસે (1858-1929) અપદ્યાગદ્યમાં ‘સીતા-હરણ કાવ્ય’ (1888) નામે પ્રથમ મહાકાવ્ય રચ્યું. ચંદ્રકુમાર અગરવાલે (1867-1938) કાવ્યમાં સૌંદર્યને કેન્દ્રસ્થ રાખી ‘બનકુંવારી’, ‘જલકુંવારી’ અને ‘તેજમાલા’ જેવાં સુંદર રહસ્યભર્યાં કાવ્યો રચ્યાં. હિતેશ્વર બરબરુઆ(1876-1939)એ ઐતિહાસિક પ્રસંગો પર દીર્ઘ કાવ્યો લખ્યાં હતાં, ‘અને ‘માલક’ (1928) નામનો 128 સૉનેટોનો પ્રથમ આસામી સૉનેટસંગ્રહ પ્રગટ કર્યો હતો. ચંદ્રધર બરુઆ (1874-1961) રંગદર્શિતાવાદના પુરસ્કર્તા કવિ હતા. રઘુનાથ ચૌધરી (જ. 1879) ‘વિહંગ-કવિ’ તરીકે આસામમાં જાણીતા છે. અંબિકાગિરિ રૉયચૌધરી
(જ. 1885-1967) રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની કવિ હતાં. તેમનું કાવ્ય ‘મે વિપ્લવી મે તાંડવી’ દંભ સામે બંડખોર પડકાર છે. જતીન્દ્રનાથ દુઆરા (1892) રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની કવિ હતા. તેમની કવિતામાં પ્રેમ અને સૌંદર્ય જેવાં કોમલ તત્વોનું નિરૂપણ મુખ્ય છે. તેમણે ઉમર ખય્યામની રુબાયતોનું અસમિયા ભાષામાં સરસ ભાષાંતર કર્યું છે. રત્નકાંત બર્સ કવિ (જ. 1897) પણ અગ્રગણ્ય કવિ હતા. તેમનો કાવ્યસંગ્રહ ‘સેવાલી’ સૌંદર્યદેવીની આરાધનારૂપ છે. નલિનીબાલાદેવી (જ. 1899) અર્વાચીન અસમિયા કવિતામાં એક ગણનાપાત્ર કવયિત્રી હતાં. ‘પરમતૃષ્ણા’ કાવ્યમાં તેમના ચિંતનનું સૌંદર્ય પ્રગટ થયું છે. ધર્મેશ્વરીદેવી બરુઆ (જ. 1892) પણ એક સારાં કવયિત્રી હતાં. તેમના બે કાવ્યસંગ્રહો ‘ફૂલર સરાઈ’ (ફૂલની ટોપલી) અને ‘પ્રાણર પરસ’ (પ્રાણનો સ્પર્શ) તેમનો પ્રકૃતિપ્રેમ અને તેમની વિશ્વાત્મા સાથે લીન થવાની ઝંખના દર્શાવે છે. ધર્મેશ્વરી બીમાર વિધવા હોવા છતાં તેમની કવિતામાં નલિનીબાલાદેવીની કવિતા જેવો વિષાદ નથી, પણ આશાવાદ છે.

નીલમણિ ફુકન (1880-1977) કેવળ ઉચ્ચ આત્મિક અપેક્ષાઓ રાખનાર આધુનિક અસમિયા કવિ છે. તેમના કાવ્યસંગ્રહો ‘જ્યોતિકણ’, ‘માનસી’, ‘સંધાન્તી’ તથા ‘ગુત્માલી’ તેમના જીવનના સાતમા-આઠમા દાયકામાં પ્રગટ થયા. 1942ના ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા બદલ તેમણે જેલવાસ ભોગવેલો તેનું આલેખન તેમણે ‘જંજીરી’(બેડીઓ)માં કર્યું છે. દિંબેશ્વર નિયોગ(જ. 19૦૦)ની કવિતામાં સ્વદેશભક્તિ ઝળકે છે. બિનંદચંદ્ર બરુઆ (1906-1982) બંગાળી કવિ નઝરુલ ઇસ્લામ જેવા ક્રાંતિકારી કવિ હતા. તેમના કાવ્યસંગ્રહો – ‘શંખધ્વનિ’ અને ‘પ્રતિધ્વનિ’ આસામની ગૌરવભરી અતીતકથા કહે છે. દેવકાંત બરુઆ (1914-) આસામી સાહિત્યમાં એક નવા સિતારાની જેમ ચમક્યા. તેમણે સાહિત્યમાં નવી કેડીઓ સર્જી છે. ‘આમી દુઆર મુકલીકરોન’ (અમે દ્વાર ખોલીએ છીએ) – આ તેમની નવીન પ્રકારની કવિતા છે. તેમનો કાવ્યસંગ્રહ ‘સાગર દેખિચ ?’ (સાગર જોયો છે ?) વિવિધ બૌદ્ધિક કાવ્યોથી સભર છે. ‘દેવદાસી’, ‘રંગ એતિ કરબીર ફૂલ’ (લાલ કરણનું ફૂલ) અને ‘કલંગ પારત’ (કલંગ નદીને તીરે) તેમની લાક્ષણિકતા પ્રગટ કરે છે. ગણેશચંદ્ર ગોગોઈ (1910-1938) પ્રેમ અને સૌંદર્યના પ્રખ્યાત કવિ હતા. ‘સ્વપ્નભંગ’ તેનું ઉદાહરણ છે. ‘પાપ્દી’ (પાખંડીઓ) તેમની આત્મકથનાત્મક પ્રેમકવિતા છે. દંડીનાથ કલિભા (1890-195૦) હાસ્યરસિક કવિ હતા. તેમના કાવ્યસંગ્રહો ‘રગદ’, ‘રહઘરા’ અને ‘બહુરૂપી’માં હાસ્યરસના ફુવારા ઊડે છે. પ્રસન્નબાલ ચૌધરી પણ ક્રાંતિકારી હતા. તેમનો કાવ્યસંગ્રહ ‘અગ્નિમંત્ર’ પીડિતોનાં દુ:ખોથી પ્રેરિત છે અને પીડિતોને સંગઠિત થઈ ક્રાંતિ કરવા જણાવે છે. પદ્મધર ચાલિહા, કમલાનંદ ભટ્ટાચાર્ય, આનંદ બરુઆ, ઉમેશચંદ્ર ચૌધરી, ભૂપેન્દ્રનાથ હઝારિકા, કેશવ મહન્ત વગેરેએ પણ અસમિયા કવિતાને સમૃદ્ધ કરી છે.

કવિતાના ક્ષેત્રમાં 196૦ પછીનાં વર્ષોમાં રંગદર્શિતાવાદ(romanticism)નાં પૂર ઓસર્યાં છે અને પશ્ચિમના અસ્તિત્વવાદ, અતિયથાર્થવાદ, કલ્પનવાદ વગેરેનો પ્રભાવ સારા પ્રમાણમાં જણાય છે. પશ્ચિમના જે કવિઓથી આજનો અસમિયા કવિ અત્યંત પ્રભાવિત થયો છે તેમાં એલિયટ, યેટ્સ, ડીલન ટોમસ, માયકૉવસ્કી, બોદ્લેર, માલાર્મે વગેરે ઉલ્લેખનીય છે.

વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય, હેમેન બરગોહાંઈ, અબ્દુલ મલિક ને બીજાઓ પર માર્ક્સવાદનો પ્રભાવ છે. આ કવિઓએ સમકાલીન સામાજિક સમસ્યાઓનું પણ એમના કાવ્યમાં યથાર્થ નિરૂપણ કર્યું છે. યુવાન કવિ અજિત બરુઆ ઈ. સ. 196૦ પછી કવિતામાં બુલંદ અવાજે ક્રાંતિની ઘોષણા કરે છે. આધુનિક માનવનો પરિચય આપતાં તે કહે છે : ‘‘આધુનિક માનવ નવા યુગની ઉષાની ઝાંખી કરે છે. તે જાણે છે કે લોખંડને ક્યાં કાટ લાગે છે. સમાજનાં જૂનાં બંધનોને એ ફગાવી દે છે. આધુનિક માનવ પલાયનવાદી નથી. તે લોખંડ ઉપર ચઢેલા કાટને દૂર કરે છે અને અતીતનાં બારણાં સદાને માટે બંધ કરી દે છે.’’

‘અસમિયા ગુજરાતી કવિતા’માં નવકાંત બરુઆ (જ. 1926) અને નીલમણિ ફુકન(જુનિયર)નાં કાવ્યોનો ગુજરાતી અનુવાદ મૂક્યો છે. નવકાંત બરુઆ પાશ્ચાત્ય આધુનિક કવિતાનાં વલણો અસમિયામાં ઝીલવા છતાં અસમિયા કવિતાની પરંપરાગત ધારાને પુષ્ટ કરે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હે અરણ્ય હે મહાનગર’ 1951માં પ્રગટ થયો હતો. તેમની બધી રચનાઓનું સંકલન ‘મોર આરુ પૃથિવીર’માં સમાયેલું છે. આધુનિક યુગબોધ સાથે સામાજિક ચેતનાની ઉત્કટ અભિવ્યક્તિ એમની રચનાઓમાં જોવા મળે છે.

નીલમણિ ફુકન (જ. 1933) સર્જાતી અસમિયા કવિતાને શુદ્ધ કવિતાની દિશામાં લઈ જનાર કવિ છે. 1963માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂર્ય હેનો નામિઆહે એઈ નદીયેદી’ પ્રગટ થયો હતો. તેમનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘ગોલાપી જામુર લગ્ન’ 1977માં પ્રગટ થયો હતો અને ‘કવિતા’ નામે નવો સંગ્રહ ડિસેમ્બર 198૦માં પ્રગટ થયો છે.

કેટલાક યુવાન આસામી કવિઓએ વિયેટનામની જનતાએ અમેરિકા જેવી મહાસત્તા સામે બાર બાર વર્ષ સુધી યુદ્ધ ખેલીને અમેરિકાને હંફાવ્યું તે માટે વિયેટનામની બિરદાવલી ગાઈ છે. આમ સ્વાતંત્ર્યોત્તર કાળમાં અસમિયા કવિતા ક્રમશ: વિકસતી આવી છે અને કાવ્યવિષય તથા અભિવ્યક્તિમાં પણ ક્રમશ: પરિવર્તનો થતાં ગયાં છે. કેટલાક વિવેચકો તો કહે છે કે પંદરમી અને સોળમી સદીની વૈષ્ણવ કવિતા પછી આટલી ઉત્કૃષ્ટ કોટિની કવિતા સ્વાતંત્ર્યોત્તર યુગમાં જ રચાઈ છે. આ નવા યુગના આશાસ્પદ કવિઓ છે અર્ચના પૂજારી, અહિદુ જામન, કરબી હઝારિકા, રફીકુલ હુસેન, રોહિણીકુમાર પાઠક, સનન્તા તાંતી, સુભાષ સહા, સમીર તાંતી વગેરે.

અસમિયા ટૂંકી વાર્તા વીસમી સદીના ત્રીજા દસકામાં જ જન્મી છે. પરંતુ ટૂંકા ગાળામાં એનો સારો વિકાસ થયો છે. બ્રિટિશ શાસન સમયે આસામી સમાજમાં એકાએક પરિવર્તન થયું. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક ભાગ પ્રાચીન મૂલ્યોને યથાતથ જાળવી રાખવા માગતો હતો, તો બીજા ભાગના લોકો આમૂલ પરિવર્તન ચાહતા હતા. નારાયણ બેઝબરુઆએ બંને વર્ગો વિશે સમાનભાવે હાસ્ય અને વ્યંગાત્મક વાર્તાઓ લખીને એ ક્ષેત્રમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં કેટલાક પ્રતિભાસંપન્ન નવલિકાકારો મળ્યા છે. એ લોકો માટે સ્વાતંત્ર્ય પૂર્વેના કેટલાક વાર્તાકારોએ પૂર્વભૂમિકા તૈયાર કરી રાખી હતી, તેમાં શરદ્રચંદ્ર ગોસ્વામી (1837-1944), નગેન્દ્રનારાયણ ચૌધરી (1881-1947), મહીચંદ્ર બોરા (1895-1967), લક્ષ્મીનાથ ફુકન (1897-1975), હરિરામ ડેકા (1901-1962), લક્ષ્મીધર શર્મા (1898-1938), રાધામોહન ગોસ્વામી (જ. 1906) ઉલ્લેખનીય છે. સ્વાતંત્ર્યોત્તર કાળના નવલિકાકારોમાં મુખ્ય સૈયદ અબ્દુલ મલિક, ભુવનેન્દ્ર સૈકા, જોગેશ દાસ, મહીમ બોરા, હેમેન બડગોહાંઈ, સ્વર્ણકુમાર ચલિહા વગેરે છે. મોટા ભાગના લેખકો ફ્રૉઇડના મનોવિજ્ઞાનથી પ્રભાવિત છે, દા.ત., બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. એમના ‘ક્લોંગ અજિયો બઈ’ (ક્લોંગ હજુ વહે છે), ‘સત સરી’ (સાત સેર) વાર્તાસંગ્રહોમાં આ વલણ સ્પષ્ટ દેખાય છે. સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મેળવનાર વાર્તાકાર સૈયદ અબ્દુલ મલિકે મોટે ભાગે દલિતપીડિતનાં દુ:ખદર્દ નિરૂપ્યાં છે. ‘રાંગા ગારા’ (નદીનો લાલ કિનારો), ‘મરાણ યાપોરી’ (કરમાયેલી પાંદડી), ‘મારં મારં લાગે’ (પ્રેમ જેવું લાગે) વગેરે તેમના વાર્તાસંગ્રહો છે.

સાંપ્રત યુગના હેમેન બડગોહાંઈ અગ્રગણ્ય લેખક છે. તેઓ પાત્રોને શહેર અને ગામની અંધારી ગલીના ખૂણેથી ઉપાડે છે. જોકે એમની વાર્તાઓમાં જિન્સી તત્વ (sex) વિશેષ આવે છે. તેમના પર પણ ફ્રૉઇડનો પ્રભાવ દેખાઈ આવે છે. એમના જાણીતા સંગ્રહો છે ‘પ્રેમ અરુ મૃત્યુર કારણે’ (પ્રેમ અને મૃત્યુ માટે) તથા ‘વિભિન્ન નરક’. જોગેશ દાસ યથાર્થવાદી વાર્તાકાર છે. એમની વાર્તાઓમાં આપણને દલિતો પ્રત્યેની સહાનુભૂતિ અને કરુણા દેખાય છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘સહારપાઈ’ (પ્રતિભાવ સહિત), ‘પાપીયા તારા’, ‘મંદારેર વેદના’ (મંદાર પુષ્પની વેદના), ‘અંધારેર આરે’ (અંધારામાં અને બહાર) વગેરે ઉલ્લેખનીય છે.

સૌરેનકુમાર ચલિહાને 1975નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. તેઓ અદ્યતન વાર્તાઓના પ્રણેતા છે. તેઓ મોટે ભાગે નગરજીવનની જ વાર્તા લખે છે અને શૈલીની દૃષ્ટિએ પણ ‘જ્યોમેટ્રી’ જેવી રચનાઓમાં નવા પ્રયોગો કર્યા છે. એમના જાણીતા વાર્તાસંગ્રહોમાં ‘ધૂપરિયા’ (સાંજ) અને ‘ગોલામ’ (ગુલામ) મુખ્ય છે. ભવેન સૈકિયાએ પણ અદ્યતન મનોવૈજ્ઞાનિક વાર્તાકાર તરીકે નામના મેળવી છે. એમની વાર્તામાં ઊર્મિની સાથે સાથે આધુનિક યુગનો બૌદ્ધિક સંઘર્ષ અસરકારક રીતે નિરૂપાયો છે. તેમના જાણીતા વાર્તાસંગ્રહોમાં ‘પ્રહરી’, ‘સિંદૂર’ અને ‘તરંગ’ છે. મહીમ બોરાની વિશેષતા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં રહેલી છે. તેઓ એક જ ઘટનાનાં અનેક સંભાવ્ય કારણો સૂચવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘કથાની બારીર ઘાટ, ‘રાતિ ફૂલાફૂલ’ ઇત્યાદિ છે. બીજા નીવડેલા નવલિકાકારોમાં લક્ષ્મીનંદન બોરા, નીરદ ચૌધરી, ઇમરાન શાહ, શીલા બર્થાકુ, પ્રીતિ બરુઆ અને મામની રઇસન છે.

અસમિયા સાહિત્યના વિકાસમાં કેટલાંક સામયિકોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. તેમાં 1889માં શરૂ થયેલા ‘જોનાકી’(આગિયો)નું પ્રદાન પ્રશસ્ય છે. કલકત્તામાં ભણતા આસામી વિદ્યાર્થીઓએ ‘અસમિયા ભાષાર ઉન્નતિસાધિની સભા’ સ્થાપેલી તેની દ્વારા કલકત્તાથી આ પત્ર શરૂ કરેલું. તેણે પશ્ચિમના સાહિત્યપ્રવાહથી અસમિયા સાહિત્યકારોને પરિચિત કર્યા. સાહિત્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારાં બીજાં સામયિકો તે ‘બીજલી’ (189૦), ‘ઉષા’ (1919), ‘બાહિની’ (1919), ‘આવહોન’ (1929), ‘પાશોવા’ (1948), ‘રામધનુ’ (195૦), ‘મણિદીપ’ (196૦).

સ્વાતંત્ર્ય પછીનાં 4૦ વર્ષોમાં કવિતા, નાટક અને કથાસાહિત્યમાં નવાં મૂલ્યો સ્થાપિત થયાં છે અને અસમિયા સાહિત્ય અને સંસ્કૃતિનું આગવું વ્યક્તિત્વ જળવાઈ રહે તે માટે આધુનિકો કટિબદ્ધ છે.

ઈન્દિરા ગોસ્વામી