અસફઅલી (જ. 11 મે 1888, દિલ્હી; અ. 2 એપ્રિલ 1953, સ્વિટ્ઝરલૅન્ડ) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય નેતા. દિલ્હીની ઍંગ્લો-અરૅબિક હાઈસ્કૂલ તથા સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ તથા ઇંગ્લૅન્ડમાં જઈ બૅરિસ્ટર થયા. સ્વદેશ પાછા આવ્યા બાદ શરૂઆતમાં ઍની બેસન્ટના ‘હોમરૂલ લીગ’ તરફ આકર્ષાયા, પરંતુ પાછળથી ગાંધીજીની અસહકારની ચળવળમાં સક્રિય થયા અને 1921માં જેલવાસ ભોગવ્યો. ખિલાફત ચળવળમાં જોડાયા પછી 1927માં તેઓ કૉંગ્રેસના મંત્રીપદે નિયુક્ત થયા. 1934થી 1946 સુધી કેન્દ્રીય ધારાસભામાં તેમજ દિલ્હીની નગરપાલિકામાં દોઢ દાયકા સુધી સક્રિય રહ્યા. આ ગાળા દરમિયાન તેમણે ‘કન્સ્ટ્રક્ટિવ નૉનકોઑપરેશન’ તેમજ ‘સમ અર્જન્ટ ઇન્ડિયન પ્રૉબ્લેમ્સ’ નામનાં પુસ્તકો લખ્યાં. 1928માં અરુણા ગાંગુલી સાથે લગ્ન.
અગ્રિમ રાષ્ટ્રીય મુસ્લિમ નેતા તરીકે કોમી ઐક્ય વિશે અસફઅલી ખૂબ જાગ્રત અને તેના પુરસ્કર્તા હતા. ભારતની પ્રગતિ આ બે કોમોની એકતા ઉપર નિર્ભર છે એમ તેઓ દૃઢપણે માનતા. 1932માં તેમણે આવી એકતા કમિટીમાં અગત્યનો ભાગ ભજવેલો. 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન અહમદનગર જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા, પણ નાદુરસ્ત તબિયતને કારણે 1945માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
જેલમાંથી છૂટતાવેંત તેમણે આઝાદ હિન્દ ફોજનો બચાવ કરતી ભૂલાભાઈ દેસાઈના પ્રમુખપદ નીચેની સમિતિના મંત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સુભાષચંદ્ર બોઝની સરદારી નીચે લડત આપનાર આ ફોજ સામે દેશદ્રોહનો આક્ષેપ હતો. 1946માં જ્યારે સત્તાસોંપણીના કામ અર્થે બ્રિટનનું કૅબિનેટ મિશન ભારતની મુલાકાતે આવ્યું ત્યારે અસફઅલીએ તેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસવતી મહત્વનો ભાગ ભજવ્યો અને ત્યારપછી કેન્દ્રમાં સત્તા ઉપર આવેલી વચગાળાની સરકારમાં રેલવે અને વાહનવ્યવહાર ખાતાનું મંત્રીપદ સંભાળ્યું. ભારતનું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભામાં પણ સક્રિય સભ્ય તરીકે તેમણે મહત્વનો ફાળો આપેલો.
1947-48ના શરૂઆતના ગાળામાં ભારતના એલચી તરીકે વૉશિંગ્ટન ખાતે સેવાઓ આપી. આ ગાળા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ હિન્દનું પ્રતિનિધિત્વ પણ તેમણે કર્યું.
અસફઅલી અગ્રણી રાજકારણી ઉપરાંત હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં કાવ્ય રચનાર કવિ પણ હતા. તેમના ઘણા લેખો જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા છે.
દેવવ્રત પાઠક