અષ્ટાવક્ર : પ્રાચીન ભારતીય ઋષિ. તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ? ગર્ભમાં રહેલા બાળકના આવા વાંકા પ્રશ્નને સાંભળી ગુસ્સે થયેલા પિતાએ ગર્ભને શાપ આપ્યો કે તારાં આઠે અંગો વાંકાં થશે. આથી તેમનું નામ અષ્ટાવક્ર પડ્યું, કારણ કે તેમનાં આઠે અંગો વાંકાં હતાં. એક પરંપરા એમ માને છે કે પિતા ગર્ભવતી પત્નીનું ધ્યાન રાખતા ન હોવાથી ગર્ભે પિતાનો તિરસ્કાર કર્યો તેથી આઠે અંગે વાંકાં થવાનો શાપ કહોડે આપેલો. ગમે તેમ હોય, તેઓ આઠે અંગે વાંકા હતા.

કહોડ ઋષિ જનક રાજાના દરબારમાં જ્ઞાની તરીકે જાણીતા હતા. વરુણદેવે પોતાના પુત્ર બંદીને સારા પંડિતોને હરાવી જળમાં ડુબાડીને પોતાના યજ્ઞનો વિધિ કરાવવા માટે વરુણલોકમાં મોકલવાનો આદેશ આપી મોકલેલો. બંદીએ પિતાની આજ્ઞા મુજબ જનક રાજાના દરબારમાં રહેલા કહોડ વગેરે જ્ઞાની પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી શરત મુજબ જળમાં ડુબાડી મોકલી આપ્યા. પરિણામે અષ્ટાવક્ર પોતાના મોસાળમાં મામા સાથે રહ્યા અને પ્રબળ પુરુષાર્થ કરીને સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. માતામહ ઉદ્દાલકના ખોળામાં બેસવા જતાં અષ્ટાવક્રને માતા શ્વેતકેતુએ રોક્યા. ઉદ્દાલક તારા પિતા નથી એવું મામાએ કહ્યું એટલે માતા સુજાતા પાસેથી પિતાને બંદીએ શાસ્ત્રાર્થમાં હરાવી જળમાં ડુબાડ્યા હોવાની વાતની એમને ખબર પડી. પોતાના માતામહ ઉદ્દાલકની પ્રેરણાથી તેમણે બંદી સાથે શાસ્ત્રાર્થ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. તેઓ પોતાના મામાની સાથે જનક રાજાના દરબારમાં ગયા અને બંદીને શાસ્ત્રાર્થમાં હરાવીને શરત મુજબ પાણીમાં ડુબાડવાનો ભય તેના મનમાં ખડો કર્યો. આથી બંદીએ પોતાના પિતા વરુણદેવનો યજ્ઞ સમાપ્ત થયો હોવાથી અષ્ટાવક્રના પિતા કહોડ અન્ય પંડિતો સાથે જીવતા જ જળમાંથી બહાર નીકળશે એમ કહ્યું. પિતા કહોડને પાણીમાંથી પાછા મેળવીને, જનક રાજાનો ઘણો સત્કાર પામીને પિતા અને મામા સાથે અષ્ટાવક્ર પાછા ફર્યા. માર્ગમાં મધુવિલા નામની નદીમાં પિતાના કહેવા મુજબ સ્નાન કરવાથી અષ્ટાવક્રનાં આઠે અંગો સીધાં થઈ ગયાં. એ પછી મોસાળ જઈ માતાપિતા સાથે તેમના મૂળ આશ્રમમાં પહોંચી અષ્ટાવક્ર ત્યાં જ રહ્યા. અષ્ટાવક્રના તત્વજ્ઞાનની વાતો ઉપનિષદો, મહાભારત, અષ્ટાવક્રગીતા, અષ્ટાવક્રસંહિતા વગેરેમાં પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્રના તત્વજ્ઞાનની અસર પાછળના તત્વજ્ઞાન પર મહત્વની અને ઘેરી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી