અષ્ટસૂત્રાંગી

January, 2001

અષ્ટસૂત્રાંગી (octopus) : સમુદાય મૃદુકાય (Mollusca). વર્ગ શીર્ષપાદ (Cephalopoda). શ્રેણી દ્વિઝાલરીય, ઉપશ્રેણી ઑક્ટોપોડાની એક પ્રજાતિ.

આ પ્રાણીઓ આઠ લાંબા, પાતળા અને સૂત્ર જેવા મુખહસ્તો (oral arms) ધરાવે છે તેથી તેમને અષ્ટસૂત્રાંગી કહે છે. અષ્ટસૂત્રાંગી પ્રાણીઓ પ્રથમ ક્રિટેશિયસ યુગમાં ઉદભવ્યાં હતાં. આજ સુધીમાં શીર્ષપાદ વર્ગના 1૦,૦૦૦ જેટલા પ્રકારો મળી આવ્યા છે.

ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના દરિયામાં આ પ્રાણી જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રકાંઠે, ભરતી – ઓટવાળા પ્રદેશમાં, ખડકો અને સરગાસમ જેવી બદામી શેવાળ વચ્ચે તે છુપાયેલાં હોય છે. ઑક્ટોપસ માંસાહારી પ્રાણી છે. કરચલાં, સ્તરકવચી-(crustacean)નાં ડિંભો, નાની માછલી વગેરેનો તે આહાર કરે છે. ઑક્ટોપસની આશરે 15૦ જાતિઓ છે. પેસિફિક મહાસાગરમાં મળી આવતું ઑક્ટોપસ આર્બોરીસન્સ માત્ર 6–7 સેમી. લાંબું હોય છે, જ્યારે વિશાળકાય ઑક્ટોપસ હૉંગકૉંગેન્સિસ 1૦ મીટર લાંબું હોય છે. આ વિશાળકાય ઑક્ટોપસ મનુષ્ય તેમજ અન્ય દરિયાઈ પ્રાણીઓ માટે ખતરનાક હોય છે. એર્ગોનોટા (પેપર નોટિટાલસ) ઑક્ટોપસને મળતું અષ્ટસૂત્રાંગી પ્રાણી, ઠંડા સમુદ્રોનું નિવાસી છે. માદા પ્રાણી 2૦ સેમી. અને નર પ્રાણી 25 સેમી. લાંબું હોય છે.

Octopus

અષ્ટસૂત્રાંગી (Octopus)

સૌ. "Octopus" | CC BY-SA 3.0

ઑક્ટોપસનાં સૂત્રાંગો ઉપર પ્યાલાના આકારની શોષકની બે હાર આવેલી હોય છે. આ સૂત્રાંગો જ્યાં વીંટળાય છે ત્યાં શોષકો શૂન્યાવકાશ પેદા કરી ભક્ષ્યની શરીર-દીવાલને ચોંટી તેને ચીરી નાખે છે, બંધ છીપને પણ ખોલી નાખી તેનો ભક્ષ કરે છે. મુખમાંની રેત્રિકા (radula) વડે ઝેરને ઘામાં ઉતારીને શિકારને બેભાન કરે છે. તેનાં ચાંચ આકારનાં જડબાં, શોષકો કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. એક કિલોગ્રામ વજન ધરાવતાં ઑક્ટોપસનાં શોષકો અઢાર કિલોગ્રામ જેટલું શોષકબળ (suction force) ધરાવે છે. આ ખતરનાક શક્તિને કારણે જ તેને ‘ડેવિલ-ફિશ’ પણ કહે છે.

ઑક્ટોપસ સમુદ્રના તળિયે સૂત્રાંગોની મદદથી કઢંગી રીતે પ્રચલન કરે છે, તેમજ પાણીમાં ઊંધી દિશામાં અતિવેગથી તરે છે. પ્રાવારગુહા(mantle cavity)નું પાણી, બકનળી દ્વારા પિચકારીની માફક પાછલી દિશાએ છોડીને તે શરીરને આગળ ધકેલે છે. તેની ત્વચામાં લગભગ 2૦ લાખ જેટલા વર્ણકોષાશયો (chromatophores) આવેલા છે, જેમાં કાળા, લાલ, બદામી કે પીળા રંજકકણો રહેલા છે. વર્ણકોષાશયો ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. વર્ણકોષાશયમાંથી રંજકકણોનું વિમોચન કરી ઑક્ટોપસ પર્યાવરણ સાથે એકરૂપ થવા પોતાનો રંગ બદલે છે. દુશ્મનથી બચવા માટે પણ આ પ્રાણી શાહીગ્રંથિમાંથી શાહીની પિચકારી છોડી ભાગી જાય છે.

ઑક્ટોપસ અને એર્ગોનોટામાં પ્રજનન અન્ય શીર્ષપાદીઓની માફક થાય છે. પ્રજનનકાળમાં નરનો ત્રીજા મુખહસ્તનો છેડો ચમચાના આકારનો બને છે, જેને ‘હેક્ટોકોટિલાઇઝ’ મુખહસ્ત કહે છે. આ હસ્ત દ્વારા નર પોતાની પ્રાવારગુહામાંથી શુક્રકોષસમૂહ એકત્ર કરીને માદાની પ્રાવારગુહામાં અંડવાહિનીનાં છિદ્રો પાસે, મુખહસ્તના છેડા સહિત શુક્રકોશો મૂકે છે. માદા ઑક્ટોપસ એક અઠવાડિયામાં 5૦,૦૦૦થી 1,5૦,૦૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડું ચોખાના દાણાથી સહેજ નાનું હોય છે. ઈંડામાંથી પેદા થતું બચ્ચું 3 મિમી. લાંબું હોય છે.

ઑક્ટોપસનું ચેતાતંત્ર સુવિકસિત હોય છે. તેનું દૃષ્ટિક્ષેત્ર 18૦0 જેટલું વિશાળ હોય છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ પ્રાણીની દૃષ્ટિ ખૂબ જ વિકસિત હોય છે અને તેની દૃષ્ટિ, માનવી જેટલી જ તીવ્ર હોય છે. અષ્ટસૂત્રાંગી, વસ્તુનો આકાર પણ પારખી શકે છે. ઑક્ટોપસની સ્પર્શ અને સ્વાદ પારખવાની શક્તિ સારી હોય છે, પરંતુ શ્રવણશક્તિના પુરાવા ઉપલબ્ધ નથી. સુવિકસિત મગજ અને અનુકૂલનશીલ વર્તનને કારણે ઑક્ટોપસ પ્રયોગશાળામાં ઉપયોગી પુરવાર થયું છે. જાપાન, ઇટાલી, સ્પેન, ટ્યૂનિસિયા વગેરે દેશોમાં તેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. માછીમારો, માછલી પકડવા માટે ઑક્ટોપસના શરીરના ટુકડાઓનો ગલ (bait) તરીકે ઉપયોગ કરે છે.

રા. ય. ગુપ્તે